Samsung Chip Workers Get $338K Bonus and Avert Strike: ટેક જગતની દિગ્ગજ કંપની સેમસંગ અને તેના યુનિયન વચ્ચે ચાલી રહેલો વિવાદ આખરે એક ઐતિહાસિક સમજૂતી સાથે શાંત પડ્યો છે. સેમસંગે તેના સેમિકન્ડક્ટર (ચિપ) વિભાગના કર્મચારીઓને ખુશ કરવા માટે એટલી મોટી રકમની જાહેરાત કરી છે, જે સામાન્ય કર્મચારીના આખા જીવનની કમાણી બરાબર હોઈ શકે છે.
યુનિયને 18 દિવસની હડતાળની ચીમકી આપી હતી
આ સમજૂતી પાછળનું મુખ્ય કારણ આ અઠવાડિયે શરૂ થનારી 18 દિવસની લાંબી હડતાળ હતી. જો આ હડતાળ થઈ હોત તો ગ્લોબલ ચિપ માર્કેટ અને દક્ષિણ કોરિયાના અર્થતંત્રને મોટો ફટકો પડત. સરકારની મધ્યસ્થતા બાદ મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે આ નવો નફો-લિંક્ડ બોનસ પ્લાન તૈયાર કરાયો છે.
કર્મચારીઓને કરોડોનું બોનસ આપશે સેમસંગ
આ કરાર હેઠળ સેમસંગ તેના સેમિકન્ડક્ટર બિઝનેસમાં કામ કરતા અંદાજે 78,000 કર્મચારીઓને સરેરાશ 509 મિલિયન વૉન એટલે કે લગભગ 338,000 ડોલર (અંદાજે 3.23 કરોડ રૂપિયાથી વધુ) નું બોનસ આપશે. કંપનીના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. કંપનીના સત્તાવાર અહેવાલ મુજબ, આ ગણતરી સેમિકન્ડક્ટર ડિવિઝનના અંદાજિત 331 ટ્રિલિયન વૉનના ઓપરેટિંગ પ્રોફિટ (કાર્યકારી નફા) પર આધારિત છે.
આશરે 10 વર્ષની કમાણી બોનસમાં મળી!
સેમસંગનું આ કુલ બોનસ બિલ 26.6 બિલિયન ડોલર થાય છે, જે દક્ષિણ કોરિયાની સમગ્ર અર્થવ્યવસ્થા ના 1.4 ટકા બરાબર છે. આ રકમ દેશના કુલ વર્કફોર્સના માત્ર 0.3 ટકા કરતા પણ ઓછા લોકોને મળી રહી છે. સામાન્ય કોરિયન નાગરિક વર્ષે માંડ 32 હજાર ડોલર કમાય છે, જેનો અર્થ એ થયો કે સેમસંગના કર્મચારીઓને એકસાથે 10 વર્ષની કમાણી જેટલું બોનસ મળી ગયું છે!
આખું બોનસ રોકડા નહીં મળે
સેમસંગે આ બોનસ સિસ્ટમને ખૂબ જ ચતુરાઈથી ડિઝાઇન કરી છે જેથી કર્મચારીઓ લાંબા સમય સુધી કંપની સાથે જોડાયેલા રહે અને કંપનીના ગ્રોથમાં ભાગીદાર બને.
સ્ટોક બોનસ: કર્મચારીઓને ચિપ ડિવિઝનના ઓપરેટિંગ પ્રોફિટના 10.5% હિસ્સો કંપનીના શેર (Stock) સ્વરૂપે મળશે.
રોકડ બોનસ: આ ઉપરાંત વધારાના 1.5% રકમ રોકડ (Cash) સ્વરૂપે ચૂકવવામાં આવશે.
મહત્તમ મર્યાદા: જો બધું પ્લાન પ્રમાણે રહ્યું તો કર્મચારીઓ ઓપરેટિંગ પ્રોફિટના 12% સુધીનું બોનસ મેળવી શકે છે.
10 વર્ષનો લોન્ગ-ટર્મ માસ્ટર પ્લાન
આ બોનસ પ્રોગ્રામ કોઈ એક વર્ષ પૂરતો સીમિત નથી. કંપનીએ આગામી 10 વર્ષ માટેના ટાર્ગેટ સેટ કર્યા છે, જેને પૂરા કરવા પર જ આ બોનસ સિસ્ટમ એક્ટિવ રહેશે.
આખરે સેમસંગ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા?
આ સવાલ થવો સ્વાભાવિક છે. જવાબ છે - Artificial Intelligence (AI) નો ગ્લોબલ બૂમ. હાલમાં દુનિયાભરમાં AI ટેક્નોલોજી, ડેટા સેન્ટર્સ અને હાઈ-બેન્ડવિડ્થ મેમરી (HBM) પ્રોડક્ટ્સની ડિમાન્ડ આકાશે આંબી રહી છે. સેમસંગની મેમરી ચિપ્સ આ તમામ સેક્ટરમાં કિંગ ગણાય છે. આ વર્ષની શરૂઆતમાં જ સેમસંગે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ તેના ફર્સ્ટ ક્વાર્ટરના ઓપરેટિંગ પ્રોફિટમાં અકલ્પનીય 750% નો ઉછાળો નોંધાવ્યો હતો. આ જ મહિને કંપનીની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ વેલ્યુ) પણ $1 ટ્રિલિયનને પાર કરી ગઈ છે.
સિક્કાની બીજી બાજુ: શેરહોલ્ડરો પહોંચ્યા કોર્ટના દ્વારે
જ્યાં એકતરફ કર્મચારીઓ ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ સેમસંગના રોકાણકારો નારાજ થયા છે. 'કોરિયા શેરહોલ્ડર્સ એક્શન હેડક્વાર્ટર્સ' નામના ગ્રુપે આ ડીલનો સખત વિરોધ કર્યો છે અને કંપનીના ચેરમેન લી જે-યોંગના નિવાસસ્થાન બહાર પ્રદર્શનો પણ કર્યા છે. તેમનો દાવો છે કે આ નિર્ણય લેતા પહેલા શેરહોલ્ડરોની સત્તાવાર મંજૂરી લેવી ફરજિયાત છે.
રિયલ એસ્ટેટ માર્કેટમાં ભયંકર તેજી
આ બોનસની વાતો સત્તાવાર રીતે લીક થતાં જ દક્ષિણ કોરિયાના રિયલ એસ્ટેટ માર્કેટે આગ પકડી લીધી હતી. સેમસંગના મુખ્ય કેમ્પસની આસપાસના વિસ્તારોમાં વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનામાં જ એપાર્ટમેન્ટ્સનું વેચાણ બમણું થઈ ગયું હતું. સેમસંગના મુખ્ય વડામથક યેઓંગટોંગમાં વેચાણ 28.7%, પ્યોંગટેકમાં 36.8% અને હ્વાસેઓંગ કેમ્પસની બાજુમાં આવેલા ડોંગટાન સબર્બમાં એપાર્ટમેન્ટ્સનું વેચાણ 128.9% જેટલું ઉછળ્યું છે. દક્ષિણ કોરિયાનો નવો અમીરોનો નકશો હવે આ 'ચિપ બેલ્ટ'ની આસપાસ ફરીથી લખાઈ રહ્યો છે.
સરકાર દરેક નાગરિકને આપશે 'નેશનલ ડિવિડન્ડ'
કર્મચારીઓ કરતા પણ મોટી લોટરી દક્ષિણ કોરિયાની સરકારને લાગી છે. ચિપ સેક્ટરમાંથી સરકારને આ વર્ષે આશરે 67 બિલિયન ડોલરની વધારાની ટેક્સ આવક થવાની આશા છે. આ જંગી કમાણીને દેશના તમામ નાગરિકો વચ્ચે સમાન રીતે વહેંચવા માટે રાષ્ટ્રપતિ કાર્યાલયે ખુદ "નેશનલ ડિવિડન્ડ" આપવાની જાહેરાત પર વિચાર શરૂ કર્યો છે, જેથી દરેક નાગરિકને સીધી રોકડ સહાય મળી શકે. દક્ષિણ કોરિયાની મુખ્ય આર્થિક થિંક ટેન્ક KDIએ આ ચિપ બૂમના કારણે દેશનો જીડીપી ગ્રોથ રેટ 1.9 ટકાથી વધારીને 2.5 ટકા કરી દીધો છે.
હ્યુન્ડાઈ જેવી કાર કંપનીઓ પર પણ દબાણ વધ્યું
સેમસંગની આ ડીલ જોઈને દક્ષિણ કોરિયાના અન્ય ઉદ્યોગો દબાણમાં આવી ગયા છે. એસકે હાયનિક્સ (SK Hynix) કંપનીએ પણ ગયા સપ્ટેમ્બરમાં આવી જ 10% પ્રોફિટ-શેર ડીલ કરી હતી. હવે હ્યુન્ડાઈ જેવી કાર કંપનીઓના યુનિયનો પણ આ જ પ્રકારના બોનસની માંગ કરી રહ્યા છે. જો કે, મુશ્કેલી એ છે કે ઓટોમોબાઈલ કે બેટરી સેક્ટરમાં ચિપ ઇન્ડસ્ટ્રી જેવો તગડો નફો મળતો નથી. દેશની બિઝનેસ લોબીએ ચેતવણી આપી છે કે જો કોરિયાના મોટા ફેમિલી બિઝનેસ સામ્રાજ્યો (જેને ત્યાં 'ચેબોલ' કહેવાય છે) માં આ પ્રકારની માગણીઓ સ્વીકારાશે, તો આખા દેશનું વેતન માળખું ખોરવાઈ જશે.


