મસ્ક પાસે પૈસા માંગ્યા સેમ ઓલ્ટમેને: ટેસ્લા માટે 7 વર્ષની રાહ જોયા બાદ રિફંડની ડિમાન્ડ

Musk vs Sam Altman: સેમ ઓલ્ટમેન હવે ઇલોન મસ્ક પાસે તેના પૈસા રિફંડની આશા રાખી રહ્યો છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા મસ્કની કંપની ટેસ્લાની રોડસ્ટર કાર બુક કરાવી હતી. આ કારની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી છે. સેમ ઓલ્ટમેન દ્વારા સાત વર્ષ એની રાહ જોયા બાદ પૈસા રિફંડ કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે. સેમ ઓલ્ટમેન દ્વારા મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં ટેસ્લા સાથે વાતચીતનો ઈમેલ પણ શેર કરવામાં આવ્યો છે.
સેમ ઓલ્ટમેનની ટેસ્લા સાથેની વાતચીત
સેમ ઓલ્ટમેન દ્વારા 2018માં રોડસ્ટર બુક કરાવી હતી અને એ માટેના પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા હતા. આથી સાત વર્ષ બાદ પણ કાર ન મળતાં સેમ ઓલ્ટમેન દ્વારા 2025માં ઈમેલ કરવામાં આવ્યો હતો કે તેની રિઝર્વેશન ફી 50000 અમેરિકન ડોલર તેને રિફંડ કરવામાં આવે. ટેસ્લા દ્વારા અગાઉ કન્ફર્મેશન માટે જે ઈમેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ હવે એક્ટિવ ન હોવાથી કમ્યુનિકેશનમાં તકલીફ આવી હતી. આ શેર કરીને સેમ ઓલ્ટમેન દ્વારા સોશિયલ મીડિયા પર કાર માટે રાહ જોવામાં આવી હોવા વિશે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
મસ્કે આપ્યો જવાબ
સેમ ઓલ્ટમેનની પોસ્ટ પર મસ્કે જવાબ આપ્યો કે તે નોનપ્રોફિટને ચોરી લીધું છે. તેનો કહેવાનો અર્થ હતો કે OpenAI પહેલાં નોન-પ્રોફિટ હતું અને એના ફાઉન્ડરમાં ઇલોન મસ્ક પણ હતો. જોકે ત્યાર બાદ આ કંપનીને પ્રોફિટેબલ કંપનીમાં રૂપાંતર કરવામાં આવી છે. ત્યારથી મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ખૂબ જ મતભેદ ચાલી રહ્યાં છે. મસ્ક દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે 'તારો (સેમ ઓલ્ટમેનનો) કારને લઈને જે ઈશ્યુ છે એ 24 કલાકમાં નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ તેના પૈસા પણ રિફંડ કરી દેવામાં આવ્યા હતા. જોકે તું એ વિશે નહીં કહે કારણ કે આ તારી પ્રકૃતિ છે.' આ પહેલી વાર નથી થયું કે મસ્ક અને સેમ ઓલ્ટમેન સોશિયલ મીડિયા પર સામ-સામે આવ્યા હોય. તેમની વચ્ચેનો કેસ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.
સેમ ઓલ્ટમેનની પોસ્ટને લઈને લોકોનો પ્રતિભાવ
સેમ ઓલ્ટમેનની પોસ્ટને લઈને લોકોના મિક્સ પ્રતિભાવ આવી રહ્યો છે. કેટલાક યુઝર તેને સવાલ કરી રહ્યાં છે કે કેન્સલ કરવી હતી તો આટલી રાહ શું કામ જોઈ અને રાહ જોઈ તો પછી કેન્સલ શું કામ કરી. અન્ય યુઝર્સ દ્વારા આ પરિસ્થિતીને લઈને જોક્સ પણ કરવામાં આવી રહ્યાં છે. કેટલાક યુઝર રોડસ્ટરના આગામી મોડલના સ્પેસિફિકેશન વિશે પણ વાત કરી રહ્યાં હતાં કે આ કાર 0-97 કિલોમીટર પ્રતિ કલાક બે સેકન્ડમાં જશે અને એની 998 કિલોમીટરની રેન્જ હશે.

