Get The App

મેટામાં 8 કરોડનો પગાર મેળવનાર ભારતીય ઋષભે 5 મહિનામાં જ નોકરી છોડી, જાણો કારણ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
મેટામાં 8 કરોડનો પગાર મેળવનાર ભારતીય ઋષભે 5 મહિનામાં જ નોકરી છોડી, જાણો કારણ 1 - image


Rishabh Agarwal quits Meta: ગૂગલ અને મેટા જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કરોડો રૂપિયાના પેકેજથી કામ કરવું એ કોઈપણ યુવાન પ્રોફેશનલ્સનું સપનું હોય છે. જોકે, એઆઈ વૈજ્ઞાનિક ઋષભ અગ્રવાલે વાર્ષિક રૂ. 8 કરોડના પેકેજથી મેટાની સુપરઈન્ટેલિજન્સ લેબમાં જોડાયા પછી પાંચ જ મહિનામાં નોકરી છોડી દીધી છે. ઋષભ અગ્રવાલે આ અંગે જાહેરાત કરતા લખ્યું કે, 'જીવનમાં જોખમ લેવા માટે મેટાની નોકરી છોડી રહ્યો છું.'

માર્ક ઝુકરબર્ગે થોડા મહિના પહેલાં જનરેટિવ એઆઈની રેસમાં મેટા એઆઈને આગળ લઈ જવા માટે સુપરઈન્ટેલિજન્ટ એઆઈ કોડર્સ અને રિસર્ચર્સની ટીમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી લોકોને કરોડોના સેલેરી પેકેજ ઓફર કર્યા હતા અને તેમાં અનેક લોકોની ભરતી ઓપન એઆઈ, એન્થ્રોપિક અને ગૂગલ જેવી કંપનીઓમાંથી કરી હતી. પરંતુ હવે એવું લાગે છે કે મેટા સુપરઈન્ટેલિજન્સ લેબનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેમ લાગે છે. કેટલાક જ મહિનામાં મેટાના ટોચના એન્જિનિયર્સ ઝુકરબર્ગની કંપની છોડીને જઈ રહ્યા છે.

ઋષભ મેટામાં 8 કરોડનો પગાર મળવતો હતો

એઆઈ સાયન્ટિસ્ટ ઋષભ અગ્રવાલ પાંચ મહિના પહેલાં જ 10 લાખ ડોલર (અંદાજે રૂ. 8.8 કરોડ)ના સેલેરી પેકજથી મેટા સુપરઈન્ટેલિજન્સ લેબમાં જોડાયા હતા. પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે. ઋષભ અગ્રવાલે તેમના રાજીનામાની જાહેરાત કરતા લખ્યું કે, તેઓ એક નવા પ્રકારના જોખમને એક્સપ્લોર કરવા માટે નીકળ્યા છે.

નવું જોખમ લેવાનો સમય આવી ગયો

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, મેટા, ગૂગલ બ્રેન અને ડીપમાઈન્ડમાં કામ કર્યા પછી તેઓ હવે એક નવા પડકારનો સામનો કરવા માગે છે. મારા માટે ઓલ્ટમેટામાં આ અંતિમ સપ્તાહ છે. સુપર ઈન્ટેલિજન્સ લેબમાં કામ નહીં કરવાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો. ગૂગલ બ્રેન, ડીપમાઈન્ડ અને મેટામાં 7.5 વર્ષ સુધી કામ કર્યા પછી મને લાગે છે કે હવે નવું જોખમ લેવાનો સમય આવી ગયો છે.

માત્ર ઋષભ અગ્રવાલ એક જ નથી જેમણે મેટા સુપરઈન્ટેલિજન્સ લેબમાંથી રાજીનામું આપ્યું છે. કેટલાક અહેવાલ મુજબ માર્ક ઝુકરબર્ગના આ ડ્રીમ પ્રોજેક્ટથી અત્યાર સુધીમાં ત્રણ સંશોધકો અલગ થઈ ગયા છે. તેમાંથી બે પહેલા જ ઓપનએઆઈમાં પાછા ફરી ગયા છે. ઋષભ પહેલા અવિ વર્મા અને એથન નાઈટ મેટાથી અલગ થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: SCOમાં પુતિને ભારત અને ચીનના કર્યા વખાણ, યુક્રેનમાં સત્તાપલટા અંગે આપ્યું મોટું નિવેદન

મેટા સુપરઈન્ટેલિજન્સ લેબમાં જોડાતા પહેલા ઋષભ અગ્રવાલે અનેક મોટી કંપનીઓમાં કામ કર્યું હતું. આઈઆઈટી-બોમ્બેમાંથી ગ્રેજ્યુએશન પછી તેમણે મિલા-ક્યુબેક એઆઈ ઈન્સ્ટિટયૂટમાંથી ડૉક્ટરેટ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં તેમણે સાવન, ટાવર રિસર્ચ કેપિટલ, વાયમોમાં ઈન્ટર્નશિપ કરી. ત્યાર પછી 2018માં ગૂગલ બ્રેનમાં સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોડાયા. ત્યાંથી તેમને ગૂગલ ડીપમાઈન્ડમાં મોકલી દેવાયા હતા. ઋષભ અગ્રવાલ એપ્રિલ 2025માં મેટામાં જોડાયા હતા.

Tags :