ઇન્સ્ટાગ્રામમાં જોયેલી રીલ્સ ફરી જુઓ- સહેલાઈથી

જો તમે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હો તો અનેક યૂઝર્સની જેમ તમે પણ
ઇન્સ્ટાગ્રામમાં એક ફીચર ખાસ ઇચ્છતા હશો - ઇન્સ્ટાગ્રામમાં આપણે જોયેલી રીલ્સ ફરી
જોવાની સગવડ.
અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર આપણને કોઈ રીલ ગમી જાય
અને ભવિષ્યમાં આપણે તેને ફરી જોવા માગતા હોઇએ તો આપણે કાં તો તેને સેવ કરવી પડે
અથવા પોતાને કે કોઈ ફ્રેન્ડને ફોરવર્ડ કરવી પડે, જેથી ફરી વાર સહેલાઈથી તેના સુધી પહોંચી શકાય. હવે એવી બધી ઝંઝટ કરવાની જરૂર
રહી નથી.
ઇન્સ્ટાગ્રામમાં વોચ હિસ્ટ્રી નામે એક નવું ફીચર અથવા કહો કે બટન ઉમેરાઈ રહ્યું છે. જેને ક્લિક કરીને આપણે
નજીકના ભૂતકાળમાં જોયેલી દરેક રીલ સહેલાઈથી ફરીથી જોઈ શકીશું એટલું જ નહીં આપણે આ
બધી રીલ્સને ઓલ્ડેસ્ટ ટુ ન્યૂએસ્ટ અને ન્યૂએસ્ટ ટુ ઓલ્ડેસ્ટ એમ સોર્ટ પણ કરી શકીશું. આપણે કોઈ નિશ્ચિત તારીખ પસંદ કરીને અથવા ડેટ રેન્જ
આપીને પણ પોતાની વોચ હિસ્ટ્રી જોઈ શકીશું.
ઇન્સ્ટાગ્રામમાં વોચ હિસ્ટ્રીનો લાભ લેવા માટે એપ ઓપન કરીને તેમાં સેટિંગ્સમાં
જાઓ. તેમાં યોર એક્ટિવિટી પર ક્લિક કરો. અહીં વોચ હિસ્ટ્રીનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરીને પાછલા ત્રીસ દિવસમાં આપણે જોયેલી બધી
રીલ્સ એક જગ્યાએ જોઈ શકાશે.
શરૂઆતમાં બાયડિફોલ્ટ, સૌથી લેટેસ્ટ રીલથી સૌથી જૂની
રીલ એ રીતે બધી રીલ્સ સોર્ટ કરીને બતાવવામાં આવશે. આપણે ઇચ્છીએ તો આ ઓર્ડર રીવર્સ
કરી શકીએ છીએ. એ જ રીતે આપણે ઇચ્છીએ અને અમુક રીલ્સ વોચ હિસ્ટ્રીમાંથી દૂર કરવા
માગીએ તો એક એક રીલ અથવા એકથી વધુ રીલ્સ એક સાથે સિલેક્ટ કરીને તેને બલ્કમાં દૂર
કરી શકીશું.
એ ખાસ નોંધવા જેવું છે કે ઇન્સ્ટાગ્રામની મુખ્ય હરીફ યુટ્યૂબ એપમાં વોચ
હિસ્ટ્રીની સગવડ લાંબા સમયથી છે.

