- એઆઇ સીજી ફલો મેથડ થ્રીડીમાં દવાના મોલિક્યુલ કેવા દેખાશે તે પણ બતાવશે
- આ પદ્ધતિમાં મોલિક્યુલ એક ઝાટકે ડિઝાઇન કરવાને બદલે એક પછી એક ક્રમબદ્ધ પગલાં ભરી વિકસાવાય છે
વાનકુવર : સિમોન ફ્રેઝર યુનિવર્સિટી-એસએફયુ-ના સંશોધકોએ એક એવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ફ્રેમ વર્ક રજૂ કર્યું છે જે નવી દવાઓ શોધવા અને વિકસાવવામાં ક્રાંતિકારી પુરવાર થાય તેમ છે. વાનકુવરમાં યોજાયેલી મશીન લર્નિગ ૨૦૨૫ વિશેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલાં આ અભ્યાસમાં સીજી ફલો નામના અભિગમને દર્શાવવામાં આવ્યો હતો. આ અભિગમમાં એઆઇ દવામાં વપરાતાં મોલિક્યુલની રચનાની સમગ્ર પ્રક્રિયા થ્રીડીમાં દર્શાવી શકે છે.
એસએફયુના કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર માર્ટિન એસ્ટરે જણાવ્યું હતું કે નવી દવા વિકસાવવાનું કામ ખર્ચાળ અને લાંબો સમય માંગી લે છે. સામાન્ય સમજ અનુસાર કોઇ નવી દવાને માર્કેટમાં મુકવી હોય તો દસ વર્ષનો સમય અને એક અબજ ડોલર્સનો ખર્ચ થાય છે. અમને આશા છે કે આ નવું ફ્રેમવર્ક બહું ઓછાં સમયમાં નવી દવા શોધી અને તેનું ઉત્પાદન કરી તેને ઝડપભેર બજારમાં મુકવામાં સહાયરૂપ બનશે.
એઆઇ ડ્રગ ડિઝાઇનમાં મુખ્ય પડકાર સિન્થેસિસ પાથવે છે. જેમાં મોલિકયુલ એટલે કે આણ્વિક સંરચના બનાવવાની વાસ્તવિક રસાયણિક પ્રક્રિયા રજૂ કરવામાં આવે છે. ઘણીવાર થિયરી અનુસાર એઆઇ મોલિક્યુલ ડિઝાઇન કરી બતાવે પણ તેને બનાવવાનું શક્ય હોતું નથી. તેને પરિણામે તેનો નાશ કરવામાં આવતાં સમય અને સ્રોતો બગડે છે.
આ અભ્યાસના મુખ્ય સંશોધક ટોની શેને જણાવ્યું હતું કે રોગ સામેની લડત રોગ કરનાર પ્રોટીનને ઓળખી કાઢવા સાથે શરૂ થઇ જાય છે. લેબમાં કમ્પ્યુટર મોડેલ્સ મોલિક્યુલ ડિઝાઇન કરી તેને રોગકારક પ્રોટીન સાથે તાળામાં ચાવી બેસે તેમ જોડી દે છે. જેને કારણે તેની હાનિકારક પ્રવૃત્તિ અટકી જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને સીજી ફલો કહે છે. જેમાં એઆઇ નવા મોલિક્યુલને બનાવવાની અને તે થ્રીડી સ્પેસમાં કેવો દેખાય તે દર્શાવી શકે છે. એસ્ટરે જણાવ્યું હતું કે અમે મશીન લર્નિગ મેથડ વિક્સાવી છે જેમાં આ રીતે બનાવવામાં આવેલાં મોલિક્યુલ કેમિકલ સિન્થેસિસ દ્વારા વ્યવહારમાં સર્જી શકાય છે.
આ પદ્ધતિની ખાસિયત એ છે કે તેમાં મોલિક્યુલ એક ઝાટકે ડિઝાઇન કરવાને બદલે એક પછી એક એમ ક્રમવાર પગલાં ભરી તેને વિકસાવવામાં આવે છે. જેમ શિલ્પ બનાવવા માટે વિવિધ અંગો એક પછી એક બનાવી છેલ્લે તેને એકમેક સાથે જોડી માનવશરીર બનાવવામાં આવે એ રીતે આણ્વિક સંરચના વિકસાવવામાં આવે છે. એઆઇ દ્વારા આ મોલિક્યુલની સંરચના શીખી તેના આકાર અને ફંકશનને સમગ્રતયા બદલી ચોક્કસ અને અસરકારક દવા વિક્સાવી આપે છે. ઘણી કંપનીઓ દ્વારા કેન્સરની પ્રાથમિક તબક્કે સારવાર કરવા નવી દવાઓ વિકસાવવા આ અભિગમ અપનાવવા વિચારણા થઇ રહી છે. આ પદ્ધતિથી કેન્સર જેવા જટિલ રોગની સારવાર કરવામાં સફળતા મળવાનીઆશા બળવત્તર બની છે.


