ઇન્સ્ટાગ્રામને પરિણામે સમગ્ર ઇન્ટરનેટ પર વર્ટિકલ વીડિયો છવાઈ ગયા છે. એ સાથે, ઇન્સ્ટાગ્રામ પર વર્ટિકલ વીડિયોઝને હજી વધુ પોપ્યુલર બનાવવાના બધા જ પ્રયાસો
થઈ રહ્યા છે.
એ દિશામાં, ઇન્સ્ટાગ્રામ એપની રી-ડિઝાઇન
તૈયાર થઈ રહી છે અને એ મુજબ આપણે એપ ઓપન કરીશું ત્યારે સીધા જ રીલ્સના સેકશનમાં લઈ
જવામાં આવશે. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીએ ત્યારે સૌથી ઉપરના ભાગે
સ્ટોરીઝ જોવા મળે છે. ત્યાર પછી વિવિધ પોસ્ટની ફીડ જોવા મળે છે જેમાં આપણે જે
લોકોને ફોલો કરતા હોઇએ એ લોકોની પોસ્ટ તથા ઇન્સ્ટાની સિસ્ટમ અનુસાર આપણને જેમાં રસ
પડી શકે તેવી વિવિધ પોસ્ટ બતાવવામાં આવે છે.
અત્યારની આ હોમ ફીડમાં ફોટો પોસ્ટ અને રીલ્સ બંને મિક્સ્ડ હોય છે. પરંતુ
સપ્ટેમ્બર ૨૦૨૫માં મેટા કંપનીએ જાહેરાત કરી હતી કે હોમ ફીડમાં હવે સૌથી પહેલાં
સીધી રીલ્સ જોવા મળશે.
એ સમય હવે આવી પહોંચ્યો છે. હોમ સ્ક્રીનમાં ઉપરના ભાગે સ્ટોરીઝનું સેક્શન હશે
ખરું પરંતુ એપ લોન્ચ કરતાં શરૂઆતમાં માત્ર એન્ડલેસ રીલ્સની વીડિયો ફીડ જોવા મળશે.
એ ઉપરાંત મેસેજિસ, સર્ચ/એક્સપ્લોર, યોર પ્રોફાઇલ તથા યોર ફીડની ટેબ જોવા મળશે. આ નવી ટેબને આપણે કસ્ટમાઇઝ કરી
શકીશું. અહીં આપણે પોતે જેમને ફોલો કરતા હોઇએ તેવા લોકોનું કન્ટેન્ટ, અરસપરસ જેમને ફોલો કરતા હોઇએ તેવા ફ્રેન્ડ્ઝનું કન્ટેન્ટ, લેટેસ્ટ કન્ટેન્ટ તથા સેવ કરેલી પોસ્ટ્સ જોવાના વિકલ્પો મળશે.
અહીં આપણે ફેવરિટ કન્ટેન્ટ, સજેસ્ટેડ કન્ટેન્ટ કે રીલ
સિવાય માત્ર પોસ્ટ વગેરે જોવાના વિકલ્પો પણ સેટ કરી શકીશું અને તેની સાથોસાથ આ
બધું જ આપણે પોતાની મરજી મુજબ રીએરેન્જ પણ કરી શકીશું.
એ ખાસ નોંધવા જેવું છે કે મેટા કંપનીએ આ અગાઉ તેની થ્રેડસ એપમાં લગભગ આ જ
પ્રકારે ફીડને જુદી જુદી રીતે કસ્ટમાઇઝ કરવાનાં ટૂલ્સ આપ્યાં છે.


