છેલ્લાં ચારેક વર્ષથી સમગ્ર દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો
ઝંઝાવાત ઊભો થયો છે. એક તરફ મોટી મોટી ટેક કંપનીઓ એઆઇને કારણે અથવા તેના નામે
પોતાના હજારો એમ્પ્લોઇઝને એક સાથે પાણીચું પકડાવી રહી છે. બીજી તરફ પોતાના સમગ્ર
કામકાજમાં બધો કમાન્ડ એઆઇને સોંપવાની મથામણમાં પડેલી કંપનીઓને સમજાઈ રહ્યું છે કે
વાત એમણે ધારી હતી એટલી સહેલી નથી.
મોટી મોટી ટેક કંપની કોડિંગનું બધું કામકાજ એઆઇ પાસે કરાવી રહી છે. પરંતુ એઆઇ
હજી ઘણા લોચા વાળતી હોવાથી તેના કામનો હ્યુમન રિવ્યૂ કરાવ્યા વિના છૂટકો નથી. આમ
એક બાજુ કંપનીએ એઆઇ પાસે કામ કરાવવા માટે એઆઇ કંપનીને રકમ ચૂકવવાની છે અને બીજી
તરફ તેનું કામ તપાસવા, સુધારવા માટે એમ્પ્લોઇ
જાળવ્યા વિના છૂટકો નથી. આથી એમ્પ્લોઇને પણ પગાર ચૂકવવાનો છે! માઇક્રોસોફ્ટ જેવી
કંપની, જેણે પોતાની એઆઇ વિક્સાવી છે, તે પણ પોતાના એમ્પ્લોઇ માટે બીજી કંપનીની એઆઇનો ઉપયોગ કરે છે અને તેનું બિલ તેને
ભારે પડી રહ્યું છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે જે એમ્પ્લોઇને છૂટા કરવાના આશયથી
કંપનીઓએ એઆઇને કામે લગાડી હતી તે અત્યારે બમણાથી વધુ ખર્ચ કરી રહી છે. એમ્પ્લોઈના
પગાર કરતા એમ્પ્લોઈ દીઠ એઆઇના વપરાશનો ખર્ચ વધી રહ્યો છે!
અત્યારે એઆઇને કારણે આખી દુનિયામાં આવું સખળડખળ છે ત્યારે, જાન્યુઆરી ૨૦૨૧માં સ્થાપના પછી દુનિયાનું સૌથી વધુ વેલ્યુએબલ
એઆઇ સ્ટાર્ટઅપ બની ગયેલી એન્થ્રોપિક કંપનીએ
હમણાં સમગ્ર દુનિયાને એઆઇ પર વધુ ડેવલપમેન્ટ અટકાવી દેવાની અપીલ કરી છે! કંપનીએ
હમણાં તેની એક લાંબી બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે તેણે ડેવલપ કરેલા ક્લોડ એઆઇ
મોડેલ્સ હવે એવા તબક્કે પહોંચી ગયાં છે કે તે પોતાની ક્ષમતા જાતે જ વધુ ને વધુ
કેળવી શકે. એ કારણે એઆઇ ડેવલપમેન્ટ એવા ટીપિંગ પોઇન્ટ પર પહોંચ્યું છે કે તે માનવજાત માટે જરૂરી હોય કે તેના લાભમાં હોય એવી રીતે
કામ કરવાને બદલે પોતાની રીતે આગળ વધવા લાગે. બીજા શબ્દોમાં, એન્થ્રોપિકને લાગે છે કે એઆઇ ટેકનોલોજી હવે એવા તબક્કે પહોંચી ગઈ છે કે તેના
પર માનવોનો કોઈ કંટ્રોલ રહેશે નહીં.
આથી હવે કંપની કહી રહી છે કે આ ટેકનોલોજીનો માનવજાતને વધુમાં વધુ લાભ મળે એ
રીતે તેનો ઉપયોગ કરવાનું માળખું પૂરેપૂરું ગોઠવાય નહીં ત્યાં સુધી એઆઇને વધુ
વિકસાવવાનું કામ અટકાવી દેવું જોઇએ! જોકે ઘણા લોકો આ આખી વાતને કંપનીનો માર્કેટિંગ
સ્ટંટ પણ ગણે છે!


