પર્પ્લેકિસટી એઆઈના ફ્રી-પ્રો વર્ઝનની કવોલિટી સામે સવાલો
હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં વાત કરી હતી કે ગૂગલ જેમિની અને પર્પ્લેક્સિટી જેવી એઆઇ કંપની ભારતીય
યૂઝર્સ પર વરસી પડી છે અને આપણને પોતાનાં પ્રો વર્ઝન્સ મફત આપવા લાગી છે. ગૂગલ
જેમિનીનું પ્રો વર્ઝન ભારતના કોલેજ સ્ટુડન્ટ્સને મફત મળી રહ્યુ છે, જ્યારે પર્પ્લેક્સિટીનું પ્રો વર્ઝન એરટેલ કંપનીના તમામ પ્રકારના યૂઝર્સને
મફતમાં મળી રહ્યું છે, જેની વાસ્તવમાં કિંમત વર્ષે
રૂ. ૧૭ હજાર જેટલી છે.
જોકે હવે આ પ્રો વર્ઝનની ગુણવત્તા સામે સવાલો ઉઠવા લાગ્યા છે. રેડિટ
પ્લેટફોર્મ પર એક યૂઝરે પર્પ્લેક્સિટીના જનરલ યૂઝર્સને મળતા પ્રો વર્ઝન તથા એરટેલના
યૂઝર્સને મળતા ફ્રી પ્રો વર્ઝનની વિવિધ રીતે સરખામણી કરીને કહ્યું કે ભારતમાં
મળતું ફ્રી પ્રો વર્ઝન અસલી પ્રો વર્ઝન જેટલું ફાસ્ટ કે ફીચર રીચ નથી! આ પોસ્ટમાં
તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો કે એરટેલના યૂઝર્સને મળતા ફ્રી પ્રો વર્ઝનમાં
પર્પ્લેક્સિટીના તદ્દન ફ્રી વર્ઝન જેટલું ઊંડાણ પણ જોવા મળતું નથી. આ બધાનો સાર એ
કે રેડિટ અને એક્સ જેવા પ્લેટફોર્મ પર શરૂ થયેલી ચર્ચા મુજબ ભારતમાં એરટેલના
યૂઝર્સને જે ફ્રી પ્રો વર્ઝન મળી રહ્યું છે તે વાસ્તવમાં પ્રો-લાઇટ વર્ઝન છે. મતલબ
કે પર્પ્લેક્સિટી કંપનીએ તેના પ્રો વર્ઝનની ક્ષમતાઓ ઘટાડી નાખીને પ્રો વર્ઝન તરીકે
મફતમાં આપ્યું છે.
જોકે પર્પ્લેક્સિટી કંપની તરફથી આ દાવાઓને સંપૂર્ણપણે નકારી દેવામાં આવ્યા છે.
કંપનીના કહેવા અનુસાર એરટેલના સબસ્ક્રાઇબર્સને મળતું પ્રો વર્ઝન તથા
પર્પ્લેક્સિટીના અન્ય પેઇડ સબસ્ક્રાઇબર્સને મળતા પ્રો વર્ઝનમાં કોઈ જ ફેર નથી.
જોકે આ પ્રકારના દાવા-પ્રતિદાવાની સચ્ચાઈ તપાસવી મુશ્કેલ હોય છે. સોશિયલ
મીડિયા પર હરીફ કંપનીઓ સત્તાવાર રીતે પોતે જાહેરમાં આવ્યા વિના વિવિધ એજન્સીની
મદદથી એકબીજાની સામે પ્રચારયુદ્ધ ચલાવતી હોય છે. આ આખો વિવાદ એવી જ કોઈ ચાલબાજીનું
પરિણામ પણ હોઈ શકે છે. ઉપરાંત એઆઇ ચેટ સર્વિસના જવાબો દરેક વ્યક્તિના પ્રોમ્પ્ટ
અનુસાર જબરજસ્ત રીતે બદલાતા હોય છે. આથી એક સરખો પ્રોમ્પ્ટ જુદી જુદી સર્વિસને
આપવામાં આવે તો જ તેના જવાબોની ગુણવત્તાની સરખામણી થઈ શકે, તેના વિના અધકચરા અભિપ્રાય બાંધવામાં જોખમ છે.