રૂપિયા સ્વીકારવા ફોનના હોમસ્ક્રીન પર જ ક્યૂઆર કોડ
પેટીએમ કંપનીએ ૨૦૧૯માં ભારતમાં યુપીઆઇ દ્વારા પેમેન્ટ સ્વીકારતા નાના-મોટા વેપારીઓની સગવડ માટે યુપીઆઇ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું હતું. ગ્રાહક ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે એ સાથે તેનું વોઇસ કન્ફર્મેશન મળે, તેને કારણે વેપારીઓએ દરેક પેમેન્ટ મળ્યું કે નહીં તે તપાસવા માટે પોતાનો ફોન હાથમાં લઇને પેમેન્ટ ચેક કરવાની જરૂર રહી નહીં. આ પછી તો ઘણી બધી યુપીઆઇ કંપનીઓએ પોતપોતાનાં સાઉન્ડબોક્સ લોન્ચ કર્યાં. એ પછી ગયા વર્ષે કંપનીએ એનએફસી આધારિત કાર્ડથી થતા પેમેન્ટ માટે પણ સાઉન્ડબોક્સ લોન્ચ કર્યું.
હવે કંપનીએ પેમેન્ટ સ્વીકારવા માટે વધુ એક સહેલો રસ્તો આપણને આપ્યો છે. કંપનીએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ‘રીસિવ મની ક્યૂઆર’ વિજેટ લોન્ચ કર્યું છે. આ કારણે જો તમારા ફોનમાં પેટીએમ એપ હોય તો તમે તેને અપડેટ કર્યા પછી ફોનના હોમસ્ક્રીન પર પેટીએમના ક્યૂઆર કોડનું વિજેટ ઉમેરી શકો છો.
આ વિજેટ પહેલાં આઇઓએસ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં સારો રિસ્પોન્સ મળતાં એન્ડ્રોઇડ એપમાં ઉમેરવામાં આવ્યું. આપણે પેટીએમ એપમાં ઉપર ડાબી તરફ પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરીને, તેમાં ક્યૂઆર કોડ હેઠળ ‘એડ ક્યૂઆર ટુ હોમસ્ક્રીન’નો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
આ રીતે આપણા પોતાના સ્માર્ટફોનમાં હોમસ્ક્રીન પર જ આપણો પેટીએમ ક્યૂઆર કોડ આવી જતાં આપણે કોઈ વ્યક્તિ પાસેથી પેમેન્ટ લેવું હોય ત્યારે તેને પોતાનો ક્યૂઆર કોડ બતાવવા માટે પેટીએમ એપ ઓપન કરીને તેમાં પોતાનો ક્યૂઆર કોડ શોધવા ફાંફા મારવા પડશે નહીં.
આ ઉપરાંત, ક્યૂઆર કોડ સ્કેન કરીને કોઈ આપણને રૂપિયા આપે અને એ સાથે આપણા એકાઉન્ટમાં રૂપિયા આવે ત્યારે ખણખણતા સિક્કાઓનો મજાનો રણકાર સાંભળવા મળે એવી વ્યવસ્થા પણ કંપનીએ કરી છે!