Get The App

ખાતા નંબર બદલ્યા વિના, બેંક બદલી શકાય એવી શક્યતા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
ખાતા નંબર બદલ્યા વિના, બેંક બદલી શકાય એવી શક્યતા 1 - image

- ËMkuf ð»koÚke ykÃkýu {kuçkkR÷ Lktçkh çkËÕÞk rðLkk, {kuçkkR÷ ftÃkLke çkË÷e þfeyu Aeyu. yu s heíku...

ભારતમાં થોડા વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક કંપનીનું ચોક્કસ નંબર સાથેનું સિમકાર્ડ મેળવીએ એ પછી જો આપણે એ નંબર જાળવી રાખવો હોય, પરંતુ મોબાઇલ કંપનીની સર્વિસથી સંતોષ ન હોય તો સિમ મામલે સમસમીને બેસી રહેવા સિવાય કશું થઈ ન શકે! જો મોબાઇલ કંપની બદલવી હોય તો આપણે ધરાર નવો નંબર લેવો પડે.

ફોન નંબરનો આપણે ફક્ત અંગત ઉપયોગ કરતા હોઇએ કે કામકાજ માટે - નંબર બદલવામાં ઘણી ઝંઝટ અને ઘણું નુકસાન હતું. પરંતુ પંદરેક વર્ષ પહેલાં, વર્ષ ૨૦૧૧માં સમગ્ર ભારતમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ની સુવિધા લોન્ચ થઈ. શરૂઆતમાં, આપણે પોતાનો નંબર બદલ્યા વિના, જે તે ટેલિકોમ સર્કલમાં જ એક પ્રોવાઇડરમાંથી બીજા પ્રોવાઇડરને પસંદ કરી શકતા હતા.

૨૦૧૫થી આ સુવિધા રાષ્ટ્રવ્યાપી બની અને ફુલ, ક્રોસ-સર્કલ પોર્ટેબિલિટી શક્ય બની. આથી હવે આપણે પોતાનો નંબર બદલ્યા વિના સહેલાઈથી એક કંપનીમાંથી બીજી કંપનીની સર્વિસ પસંદ કરી શકીએ છીએ. ૨૦૨૪ સુધીના આંકડા બતાવે છે કે અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધુ વાર આ સુવિધાનો લાભ લઈને, લોકોએ પોતાનો નંબર બદલ્યા વિના, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની બદલી છે.

જે મોબાઇલ નંબરમાં શક્ય બન્યું તે હવે કદાચ બેંક એકાઉન્ટ બાબતે પણ શકય બનશે!

અત્યારે પોતાની બેંકની સર્વિસથી ગમે તેટલો અસંતોષ હોય તો પણ આપણે બેંક બદલવાનો વિચાર પણ કરી શકતા નથી. બેંક બદલવાનો અર્થ એ કે અનિવાર્યપણે આપણો ખાતા નંબર બદલાય. અંગત ઉપયોગ માટેનું બચત ખાતું હોય કે પછી બિઝનેસ માટેનું કરંટ એકાઉન્ટ - આપણે પોતાના બેંક ખાતાની વિગતો અનેક જગ્યાએ આપી હોય.

મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય ઇન્વેસ્ટ સ્કિમ્સમાં આપણે રોકાણ કર્યું હોય ત્યારે તેને રીડીમ કરવા માટે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હોય. એ ધ્યાનમાં ન રહે અને આપણે જે તે બેંક એકાઉન્ટ બંધ કરીને બીજી બેંકમાં ખાતું ખોલાવીએ તો આપણી જ રકમ પરત મેળવતી વખતે ઘણી લાંબી કસરત કરવી પડે.

મોટા ભાગનાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ આપણા બેંક ખાતાની વિગતો બદલતી વખતે જૂના બંધ થઈ ગયેલા ખાતાના પુરાવા પણ માગતાં હોય છે. એ ખાતું જ રહ્યું ન હોય, એટલે તો આપણે નવા બેંક ખાતાની વિગતો આપવી હોય! તેના રસ્તા હોય છે પરંતુ લાંબી ઝંઝટ અનિવાર્ય બને છે.

અલબત્ત આપણી બેંકિંગ વ્યવસ્થામાં પાછલાં કેટલાંક વર્ષોથી તેજ ગતિએ સુધારા થયા છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) તેનું સૌથી મોટું ઉદાહરણ છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ‘પેમેન્ટ્સ વિઝન-૨૦૨૮’ નામે નવા સુધારાઓનું એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે. તેમાં મોબાઇલ નંબરની જેમ જ બેંક એકાઉન્ટ નંબર બદલ્યા વિના આપણે બેંક બદલી શકીએ એવો વિચાર છે. આ નવી વ્યવસ્થા અમલમાં આવશે તો ઇકવેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ (ઇએમઆઇ), સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી), ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ (ઇસીએસ) જેવી અલગ અલગ બાબત હેઠળની તમામ લેવડદેવડ માટે આપણે ખાતા નંબર બદલવાની કોઈ ઝંઝટ કરવી પડશે નહીં.

એથી પોતાના બેંક એકાઉન્ટ માટે કોઈ પણ પ્રકારની સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકશન્સ આપી હોય કે વિવિધ પ્રકારનાં બિલ, ઇએમઆઇ અને એસઆઇપીનાં પેમેન્ટ માટે ડાયરેક્ટ ડેબિટના મેન્ડેટ આપ્યા હોય તો એ બધા નવી બેંકમાં આપોઆપ ટ્રાન્સફર થશે. આપણે જાતે કંઈ કરવું પડશે નહિં.

અલબત્ત અત્યારે હજી આ બધુ વિચારણા હેઠળ છે. તે ક્યારે અમલમાં આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ જો બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી શક્ય બને, તો તમે વહેલી તકે, કઈ બેંકમાંનું તમારું ખાતું બીજી બેંકમાં લઈ જશો?!