Updated: Mar 19th, 2023
એક તરફ દેશમાં સરકાર હેલ્થ સેક્ટર માટે એક વિશાળ પ્લેટફોર્મ ઊભું કરીને
હૉસ્પિટલ્સ, લેબોરેટરીઝ, ડોક્ટર્સ તથા દર્દીઓને એકમેકના સીધા સંપર્કમાં લાવવાની મથામણમાં છે, આ સૌનો ડેટા સલામત રીતે એકમેક સાથે શેર કરી શકાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે
ત્યારે બીજી તરફ હેલ્થ સેક્ટરના અન્ય એક મહત્ત્વના સ્ટેકહોલ્ડર, ઇ-ફાર્મસી સેક્ટરને ડિજિટલ ઝાટકો લાગે તેવી શક્યતાઓ ઊભી થઈ છે - સરકાર
ઇ-ફાર્મસી કંપનીઓની ડિજિટલ દુકાન બંધ કરવાનું વિચારી રહી છે!
અત્યારે ભારતમાં ટાટાવનએમજી, એમેઝોન, ફ્લિપકાર્ટ, એપોલો, ફાર્મઇઝી વગેરે મોટાથી નાના અનેક સ્ટાર્ટઅપ અન્ય ચીજવસ્તુઓની જેમ દવાઓનું
ઓનલાઇન શોપિંગ શક્ય બનાવી રહ્યા છે. શરૂઆતના નાના-મોટા અવરોધો પછી દવાની ડિજિટલ
દુકાનોનો ધંધો વેગ પકડવા લાગ્યો છે, પરંતુ હવે એ સાવ પડી ભાંગે
તેવી શક્યતા છે.
સરકારને ઇ-ફાર્મસી એપ્સનાં ઓપરેશન્સ સામે અત્યારે મુખ્ય એ વાતે વાંધો છે કે
ઘણી કંપનીઓ લોકોનો હેલ્થ ડેટા કલેક્ટ કરી તેનો દુરુપયોગ કરી શકે છે. ઉપરાંત, જે રીતે ઓનલાઇન ફાર્મસી એપ્સ દવાઓમાં તોતિંગ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે તે
જોતાં દેશના ૧૨.૫ લાખ દવાના દુકાનદારો નજીકના ભવિષ્યમાં તેમનો ઓછામાં ઓછો ૩૦ ટકા
બિઝનેસ ગુમાવી બેસે તેવી ભીતિ છે.
અત્યારે ભારતમાં ઇ-ફાર્મસી એપ્સનું કામકાજ ચોક્કસ ધોરણોસર, રેગ્યુલેશન્સ મુજબ થતું નથી અને એ બાબતે ટોચની વીસેક જેટલી ઇ-ફાર્મસી એપ્સને
સરકાર તરફથી નોટિસ પણ મળી છે. કેટલીક એપ્સ પર ઓવર-ધ-કાઉન્ટર સિવાયની દવાઓનું
રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સના યોગ્ય પ્રીસ્ક્રિપ્શન વિના જ વેચાણ થતું હોવાનું
પણ બહાર આવ્યું છે. આ પહેલાં દવાની જૂની ને જાણીતી દુકાન ધરાવતા લોકોએ ઓનલાઇન
દવાની દુકાનો સામે લાંબા સમયથી વિરોધ
નોંધાવી દીધો છે. હવે જોઈએ આ વાત કેવો વળાંક લે છે!