Get The App

સ્ટોક ફોટોઝની લાઈબ્રેરીમાં પણ એઆઈથી ફોટો એડિટિંગ

Updated: Nov 18th, 2023

GS TEAM


Google News
Google News
સ્ટોક ફોટોઝની લાઈબ્રેરીમાં પણ એઆઈથી ફોટો એડિટિંગ 1 - image


અત્યારે ડીપફેક વીડિયોની ચિંતા જાગી છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ વીડિયો ઉપરાંત બે દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. એક છે માત્ર ટેકસ્ટ આધારિત ચેટિંગ અને બીજું ઇમેજ ક્રિએશન. આપણે વાત કરી ગયા છીએ તેમ માઇક્રોસોફ્ટ અને ગૂગલે તેના સર્ચ એન્જિન્સમાં એઆઇ ચેટિંગની સુવિધા ઉમેર્યા પછી એમાં એઆઇની મદદથી ઇમેજ ક્રિએટ કરવાની સુવિધા પણ આપી છે.

દરમિયાન ઇન્ટરનેટ પર સ્ટોક ફોટોગ્રાફ ઓફર કરતી કંપનીઓ પણ એઆઇનો ભરપૂર ઉપયોગ કરવા લાગી છે. સોશિયલ મીડિયા માટે કે અન્ય હેતુ માટે વિવિધ  ડિઝાઇન્સ ક્રિએટ કરવા માટે ઉપયોગી કેનવાજેવા પ્લેટફોર્મ પર આપણે પોતાની મરજી મુજબની ઇમેજ એઆઇની મદદથી જનરેટ કરી શકીએ છીએ, તેમજ ઉપલબ્ધ ઇમેજમાં જુદા જુદા ફેરફાર પણ લગભગ આંખના પલકારે કરી શકાય છે.

તેમ, સ્ટોક ફોટોગ્રાફી માટે ખાસ્સી પોપ્યુલર શટરસ્ટોકકંપનીએ એની લાઇબ્રેરીમાંની ઇમેજિસને એઆઇની મદદથી એડિટ કરવાની સુવિધા પણ આપી છે. આ સાઇટ પર મેજિક બ્રશ જેવા નવાં એઆઇ પાવર્ડ ટૂલ્સ પણ લોન્ચ કરવામાં આવ્યાં છે, જેની મદદથી આપણે શટરસ્ટોકની લાઇબ્રેરીમાંની કોઈ ઇમેજ પસંદ કર્યા પછી તેના અમુક ભાગ પર બ્રશ ફેરવીએ, તે પછી એ જગ્યાએ આપણે શું કરવું છે તેની સૂચના આપી શકીએ છીએ. જેમ કે ફોટોગ્રાફમાં કોઈ વ્યક્તિ હાથમાં માઇક પકડીને ઊભી હોય તો માઇક પર બ્રશ ફેરવીને આપણે તેને ઇરેઝ કરી શકીએ, માઇકને ફૂલ જેવી કોઈ બીજી વસ્તુથી રીપ્લેસ કરી શકીએ કે બીજું કંઈ પણ ઉમેરી શકીએ. ફોટોશોપ જેવા કોઈ પ્રોગ્રામમાં પણ આ કામ કરી શકાય. અગાઉ તે ખાસ્સી મહેનત માગી લેતું કામ હતું. હવે તે બહુ ઝડપથી રિઝલ્ટ આપી શકે છે. જોકે આ ફીચર હજી બિટા સ્ટેજમાં છે આથી તે પરફેક્ટ નથી. એ પણ નોંધવા જેવું છે કે શટરસ્ટોક પર માત્ર શાબ્દિક સૂચના આપીને નવેસરથી ઇમેજ ક્રિએટ કરી આપતું ટૂલ પહેલેથી લોન્ચ થઈ ચૂક્યું છે.

Tags :