- જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અંતરિક્ષ સંશોધનના ઇતિહાસનું પહેલું રહસ્ય શોધ્યું
- જેએડીઇએસ : જીએસ - ઝેડ14 -0 : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના જન્મ(13.7 અબજ વર્ષ)ના ફક્ત 30 કરોડ વર્ષ બાદ થયું છે
લેઇડન(નેધરલેન્ડ)/મુંબઇ : અનંત,અફાટ બ્રહ્માંડનું અજીબોગરીબ રહસ્ય અને આશ્ચર્ય શોધાયું છે. આ રહસ્ય અને આશ્ચર્ય એ છે કે પૃથ્વીથી સૌથી દૂરની ગેલેક્સીમાંથી ઓક્સિજન(પ્રાણવાયુ) સહિત અમુક અતિ ભારે કહી શકાય તેવાં તત્વો મળ્યાં છે. પૃથ્વીથી સૌથી દૂરની એટલે કે ૧૩.૪ અબજ પ્રકાશ વર્ષના કલ્પનાતીત કહી શકાય તેટલા અંતરે આવેલી : જેએડીઇએસ : જીએસ - ઝેડ૧૪ - ૦ : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીમાંથી ઓક્સિજન સહિત અમુક ભારે તત્વો મળ્યાં છે.
અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં આ શોધ પહેલી જ વખત થઇ છે. અત્યારસુધીમાં સૂર્યમાળાના કે સૂર્યમંડળ બહારના કોઇ ગ્રહ પરથી કે કોઇ ગેલેક્સીમાંથી ઓક્સિજન નથી મળ્યો.
બ્રહ્માંડના સર્જન અને વિકાસ વિશેની સમજણમાં નવા અધ્યાય કહી શકાય તેવી આ શોધનો યશ અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (જેડબલ્યુએસટી)ને જાય છે. જેડબલ્યુએસટી અંતરિક્ષના અતિ અતિ દૂરના વિસ્તાર સુધી ગરૂડ નજર કરવાની ક્ષમતા ધરાવે છે. જેડબલ્યુએસટી દ્વારા અત્યારસુધીમાં અનંત અંતરિક્ષમાંની અતિ અતિ દૂરની ૭૦૦ ગેલેક્સીઓનું સુક્ષ્મ સર્વેક્ષણ કર્યું છે.
લેઇડન યુનિવર્સિટી(લેઇડન : નેધરલેન્ડ)ની લેઇડન ઓબ્ઝર્વેટરી સાથે જોડાયેલા ખગોળશાસ્ત્રી અને આ સંશોધનપત્રના મુખ્ય લેખક સેન્ડર સ્કોઉવ્ઝ અને તેની ટીમે એવી માહિતી આપી છે કે : જેએડીઇએસ : જીએસ - ઝેડ૧૪ - ૦ : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીમાંથી બહાર ફેંકાયેલો પ્રકાશ અમારી યુનિવર્સિટીની બારી સુધી પહોંચતાં ૧૩.૪ અબજ વર્ષ થયાં છે.ફોડ પાડીને કહીએ તો અત્યારસુધી શોધાયેલી સૌથી દૂરની આ ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના જન્મ(૧૩.૭ અબજ વર્ષ)ના બાળપણના તબક્કા દરમિયાન થયું હોવું જોઇએ.સરળ રીતે સમજીએ તો જેએડીઇએસ : જીએસ - ઝેડ૧૪ - ૦ : સંજ્ઞા ધરાવતી ગેલેક્સીનું સર્જન બ્રહ્માંડના જન્મના ફક્ત ૩૦ કરોડ વર્ષ બાદ થયું હોય તે શક્ય છે.
એસ્ટ્રોફિઝિક્લ જર્નલમાં અને એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ નામના આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનપત્રમાં એવી વિગતો પણ છે કે અંતરિક્ષમાંના શરૂઆતના તબક્કામાંની ગેલેક્સીઓનું સર્જન આપણે ધારીએ છીએ તેના કરતાં બહુ જ ઓછા સમયગાળામાં અને સૌથી ઝડપથી થયું હોવું જોઇએ. વળી, એ તબક્કે ગેલેક્સીઓના સર્જન માટેનો જરૂરી બધો પદાર્થ પણ મળ્યો હોવો જોઇએ.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર-- મુંબઇના સિનિયર ખગોળશાસ્ત્રી(નિવૃત્ત) અને નાસા -- ઇસરોના અનુરાધા પ્રોજેક્ટ(૧૯૮૫)ના સભ્ય પ્રો.મયંક વાહિયાએ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું છે કે આપણા બ્રહ્માંડના નાનપણના તબક્કે સર્જાયેલા અને પહેલી પેઢીના તારા(સ્ટાર્સ) આપણા સૂર્યના કદ કરતાં ૧૦૦ ગણા વિરાટ હતા. વળી, તે મહાકાય તારા અત્યંત ઝળહળતા પણ હતા. જોકે આવા મહાવિરાટ તારાનું બહુ થોડાં લાખ વર્ષમાં જ મૃત્યુ થયું હતું. આવા અતિ વિરાટ તારાના મૃત્યુની પ્રક્રિયા દરમિયાન તેમાંનો હાઇડ્રોજન સળગે. ત્યારબાદ તેમાંથી જ બહુ ઝડપથી ઓક્સિજનનું પણ સર્જન થાય. આ પ્રકિયા મહાવિસ્ફોટ(જેને સુપરનોવા કહેવાય છે)ની હોય. આ જ સુપરનોવામાંથી બ્લેકહોલનું પણ સર્જન થાય. જોકે સુપરનોવાના સર્જનની પ્રક્રિયા દરમિયાન વિપલ માત્રામાં ઓક્સિજન પણ બહાર ફેંકાય.કંઇક આવી જ રહસ્યમય અને અજીબોગરીબ પ્રકિયા ૧૩.૪ અબજ વર્ષ દરમિયાન પણ થઇ હોય તે શક્ય છે.
આ મહત્વની શોધ સાથે બ્રહ્માંડના જન્મના ચોક્કસ કયા તબક્કે અને કેટલાં વર્ષ બાદ પહેલા તારાનું અને પહેલી ગેલેક્સીનું સર્જન થયું હશે તેનો તાગ પણ મળવાની પૂરી શક્યતા છે.


