તમારી ફેવરિટ એઆઇ એપમાંથી ફૂડ-ગ્રોસરી ઓર્ડર કરો કે રેસ્ટોરાંમાં ટેબલ બુક કરો - વાતવાતમાં!
આપણા સવાલોના સીધા જવાબો, નવી ટેક્સ્ટ-કન્ટેન્ટનું જનરેશન, ઇમેજ અને વીડિયો ક્રિએશન, ડોક્યુમેન્ટ સમરી વગેરે જુદી જુદી ઘણી રીતે આપણને ઉપયોગી થતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હવે વધુ એક નવી રીતે આપણને ઉપયોગી થવા લાગી છે.
અત્યાર સુધી આપણે સૌ મોટા ભાગે પોતપોતાની ફેવરિટ એઆઇ સર્વિસની વેબસાઇટ કે એપમાં જઇને તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પરંતુ હવે ધીમે ધીમે જુદી જુદી એઆઇ સર્વિસ પોતપોતાની વેબસાઇટ અને એપ્સની બહાર વિસ્તરીને આપણી ફેવરિટ એપ્સમાં પહોંચવા લાગી છે.
એ મુજબ હમણાં ભારતની ફૂડ ડિલીવરી સર્વિસ સ્વિગીએ તેની અલગ અલગ સર્વિસિસમાં એઆઇ ચેટબોટ્સ ઇન્ટિગ્રેટ કરવાની જાહેરાત કરી છે. એ મુજબ હવે આપણે ઓપનએઆઇની ચેટજીપીટી, ગૂગલની જેમિનાઇ, એન્થ્રોપિકની ક્લોડ તથા અન્ય એઆઇ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વિગી પર પોતાના ફેવરિટ રેસ્ટોરાંમાંથી પાસ્તા કે છોલે-ભટુરે જેવા પોતાના ફેવરિટ ફૂડ ઓર્ડર કરી શકીશું!
સ્વિગી પર ફૂડ ડિલિવરી ઉપરાંત ‘ઇન્સ્ટામાર્ટ’ની ગ્રોસરી ડિલીવરી તથા રેસ્ટોરાંમાં ટેબલ રિઝર્વેશન કે ડિસ્કાઉન્ટની સગવડ આપતી સર્વિસ ‘ડાઇનઆઉટમાં પણ આ પ્રકારે એઆઇ સર્વિસનો ઉપયોગ કરી શકાશે.
એ માટે સ્વિગીએ ‘મોડેલ કોન્ટેક્સ્ટ પ્રોટોકોલ (એમસીપી) તરીકે ઓળખાતા એક ઓપન-સોર્સ ફ્રેમવર્કનો ઉપયોગ કર્યો છે. આપણે પોતાની ફેવરિટ એઆઇ સર્વિસનાં સેટિંગ્સમાં, ‘કનેક્ટેડ એપ્સ’ કે ‘એક્સટેન્શન્સ’માં જઈને સ્વિગનાં ખાસ યુઆરએલ પેસ્ટ કરવાં જોઈશે. જેમ કે ઇન્સ્ટામાર્ટ માટે mcp.swiggy.com.instamart, ફૂડ ડિલિવરી માટે
mcp.swiggy.com/food અને ડાઇનઆઉટ માટે mcp.swiggy.com/dineou. (અત્યારે તમને તમારી એઆઇ સર્વિસની એપ કે વેબસાઇટમાં હજી આ ઓપ્શન મળે એવું બની શકે).
આવું કનેક્શન કર્યા પછી, આપણે ચેટજીપીટી કે જેમિનાઇ જેવી સર્વિસનો ઉપયોગ કરતા હોઇશું ત્યારે વાતવાતમાં તેને સ્વિગીની વિવિધ સર્વિસની મદદથી ફૂડનો ઓર્ડર આપવા કહી શકીશું કે રેસ્ટોરાંમાં ટેબલ રિઝર્વ કરાવી શકીશું. ફૂડ ઓર્ડર કર્યું હોય તો ડિલિવરીવાળા ભાઈ રેસ્ટોરાંમાંથી ફૂડ પેકેટ પિકઅપ કરીને કેટલે પહોંચ્યા તેનું સ્ટેટસ પણ આપણે એઆઇ સર્વિસ પાસેથી જાણી શકીશું.
વાત એઆઇ સાથે વાતચીતની છે એટલે આખી વાતમાં નેચરલ લેંગ્વેંજ પ્રોસેસિંગની કમાલ પણ ઉમેરાશે.
જેમ કે આપણે સ્વિગી પર પનીર ટિક્કા કે બિરિયાની ઓર્ડર કરવાં હોય તો તેની એપમાં જઇને વિવિધ રેસ્ટોરાંનાં મેનૂ ફેંદવા જવું નહીં પડે. સીધેસીધું ચેટજીપીટીને કહી શકાશે કે ‘‘સૌથી વધુ રેટિંગવાળી નજીકની રેસ્ટોરાંમાંથી પનીર ટિક્કા ઓર્ડર કરી આપ.’’ અથવા આપણે ઘરે ‘થાઈ કરી’ બનાવવા માગતા હોઇએ તો એઆઇ સર્વિસને એટલું જ કહેવાનું રહેશે કે ‘‘ઇન્સ્ટામાર્ટમાંથી થાઇ કરી માટે જોઇતી સામગ્રી ઓર્ડર કરી આપ.’’
એ પછી એઆઇ આપણે માટે વિવિધ રેસ્ટોરાં કે પ્રોડક્ટ્સ જાતે સર્ચ કરશે, ક્યાં કેવા ઓપ્શન્સ ઉપલબ્ધ છે એ તપાસશે, તેમાંથી આપણને જોઇતી વસ્તુઓ કાર્ટમાં ઉમેરશે, કાર્ટને અપડેટ કરશે તેમ જ તેમાં લાગુ પડી શકે તેવી બેસ્ટ ઓફર અને કૂપન્સ એપ્લાય કરશે. ઓર્ડર જ્યાં ડિલિવર કરવાનો હોય તે એડ્રેસ આપશે. ઓર્ડર પ્લેસ કરશે અને પછી ડિલિવરી પણ ટ્રેક કરશે.
આ બધું જ કામ આપણા વતી એઆઇ સંભાળી લેશે (ઉપર વાત કરી તેમ હવે તો ઓનલાઇન પેમેન્ટ પણ થઈ જશે!).
આપણે નજીકના કોઈ રેસ્ટોરાંમાં જાતે જમવા જવું હોય તો એઆઇ આપણા વતી એ રેસ્ટોરાંમાં ઉપલબ્ધ બુકિંગ ટાઇમ સ્લોટ્સ શોધી આપશે અને એ મુજબ બુકિંગ કરી આપશે. આ બધા કામ એઆઇ સર્વિસ આપણા વતી કરી આપશે - ફક્ત જમવાની જવાબદારી આપણે પોતે નિભાવવી પડશે!


