ChatGPT Group Chat Feature: OpenAIનું ચેટજીપીટી હવે ગ્રૂપ ચેટમાં જોડાઈ શકશે. આ માટે હવે 20 લોકોને સાથે મળીને AI વાત કરી શકશે. આ ફીચરને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. જાપાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા અને તાઇવાનના યુઝર્સ તેનો ઉપયોગ હાલમાં કરી શકે છે. આ ફીચરને બહુ જલ્દી અન્ય દેશોમાં પણ લોન્ચ કરવાની પ્લાનિંગ છે.
AIને ચેટમાં જવાબદારી સોંપી શકાશે
આ ગ્રૂપ ચેટમાં AIને જવાબદારી સોંપી શકાશે. કોઈ પણ ટોપિક પર વાત કરવા માટે એ તમારો સલાહકાર બની શકે છે અથવા તો કોઈપણ ડીબેટનો રેફરી પણ બની શકે છે. આ સાથે જ AI ક્યારે જવાબ આપે એ પણ યૂઝર નક્કી કરી શકશે. કોઈ ટોપિક વિશે ઓટોમેટિક જવાબ આપે અથવા તો એને જ્યારે ટેગ કરવામાં આવે ત્યારે જ એ વિશે માહિતી આપશે. આ સાથે જ યૂઝર એમાં ફાઇલ પણ શેર કરી શકશે. ઇમોજી દ્વારા રીએક્ટ પણ કરી શકાશે. આ સાથે જ ઇમેજ જનરેટ કરવાની સાથે ચેટમાં જ વેબ સર્ચ પણ કરી શકાશે.
આ પણ વાંચો: ગૂગલ AIનું નવું ફીચર: માણસની જેમ ફોટોને અરેન્જ કરશે
પ્લાનિંગ માટે પણ કરી શકાશે ઉપયોગ
ચેટજીપીટીના આ ફીચરનો ઉપયોગ કોઈ પણ પ્લાનિંગ માટે કરી શકાશે. ફ્રેન્ડ્સ સાથે ટ્રિપનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હોય તો એની માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. કઈ જગ્યાએ જવું અને કેવી રીતે જવું, ક્યાં રોકાવું ક્યાં ખાવું વગેરે વસ્તુ ચેટજીપીટીને પૂછી શકાશે અને સર્ચ પણ કરી શકાશે. આ સાથે જ ઓફિસના કામ માટે ગ્રૂપ ચેટ વાતચીતની સમરી પણ કરી આપશે અને એકની એક વાત આવતી હોય તો એને કાઢી પણ શકે છે. ક્રીએટિવ રાઇટિંગ સેશન અથવા તો અન્ય કોઈપણ આઇડિયા વિશે ચર્ચા વિચારણા કરવા માટે આ ટૂલનો ઉપયોગ કરી શકાય છે.


