Get The App

ઓનલાઇન શોપિંગ, ઓર્ડર, પેમેન્ટ, ડિલિવરી ટ્રેકિંગ બધું થશે વાતવાતમાં, ખરા અર્થમાં !

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ઓનલાઇન શોપિંગ, ઓર્ડર, પેમેન્ટ, ડિલિવરી ટ્રેકિંગ બધું થશે વાતવાતમાં, ખરા અર્થમાં ! 1 - image

આપણા રોજિંદા જીવનની બધી જવાબદારીઓ એઆઇ ઉપાડવા લાગે એવા દિવસો આવી ગયા છે

બાત નિકલેગી તો ફિર દૂર તલક જાએગી, ઉંગલિયાં ઉઠ્ઠેંગી... છેક ૧૯૭૬માં જગજિત સિંહે ગાયેલી આ સુંદર નઝ્મ આજે પચાસ વર્ષ પછી, ભારતની યુપીઆઇ વ્યવસ્થા માટે પણ બંસબેસતી થશે એવું તો જગજિત સિંહ કે શાયર  કફીલ આજર અમરોહવીએ સપનામાંય કલ્પ્યું નહીં હોય!

૨૦૧૬માં ભારતમાં લોન્ચ થયેલી યુપીઆઇ વ્યવસ્થાએ આપણને આંગળીના ઇશારે રૂપિયાની લેવડ-દેવડ કરતા કરી દીધા છે. એ એક વ્યવસ્થા પછી તો બહુ દૂર દૂર સુધી, જુદી જુદી ઘણી રીતે વિસ્તરી. હવે એઆઇના આગમન સાથે, યુપીઆઇનો આપણે બિલકુલ નવી રીતે, ખરેખર વાતવાતમાં ઉપયોગ કરીશું એવા દિવસો પણ આવી પહોંચ્યા છે!

ઓનલાઇન શોપિંગ, ઓર્ડર, પેમેન્ટ, ડિલિવરી ટ્રેકિંગ બધું થશે વાતવાતમાં, ખરા અર્થમાં ! 2 - image

થઈ જાવ તૈયાર, નવી રીતે ઓનલાઇન શોપિંગ માટે

આજકાલ ભારતમાં રહેતાં પોતાનાં પેરેન્ટ્સ માટે વિદેશમાં રહેતાં સંતાનો વિદેશમાં બેઠાં બેઠાં દર મહિને કરવાનાં થતાં વિવિધ બિલ પેમેન્ટ્સ કે નાની મોટી ખરીદીઓ પોતાના સ્માર્ટફોનમાંથી કરી આપે એવું સામાન્ય થઈ ગયું છે. એવું પણ બને કે તમે અને તમારાં મમ્મી-પપ્પા ભારતમાં એક જ શહેરમાં નજીક નજીક રહેતાં હો, પરંતુ નાની મોટી ખરીદી કે પેમેન્ટ કરવાનું કામ તમે તમારા પોતાના મોબાઇલમાંથી કરી આપતા હો - કારણ કે વડીલોને એવું બધું બહુ ફાવે નહીં.

હવે માની લો કે થોડે દૂર રહેતાં તમારાં મોટી ઉંમરનાં મમ્મીએ તમને મહિનાની કરિયાણાંની ખરીદીનું લિસ્ટ વોટ્સએપમાં લખીને તમને મોકલ્યું. મોટી ઉંમરના લોકો ઓનલાઇન શોપિંગ કે પેમેન્ટ કરતાં ખચકાય છે, પરંતુ વોટ્સએપનો આટલો ઉપયોગ તો તેઓ નિરાંતે કરી લે છે!

તેમના તરફથી કરિયાણાંનું શોપિંગ લિસ્ટ મળ્યા પછી તમે શું કરો? અત્યારના સંજોગમાં તમે કોઈ પણ ઓનલાઇન શોપિંગ સાઇટ કે ગ્રોસરી સાઇટ કે એપમાં જાઓ, મમ્મીએ લખેલી બધી ચીજવસ્તુ એક પછી એક ગોતીને કાર્ટમાં ઉમેરો, પછી તમારા યુપીઆઇ આઇડીથી કે બેંકના ક્રેડિટ઼ કે ડેબિટ કાર્ટથી પેમેન્ટ કરો, ડિલિવરી માટે મમ્મીના ઘરનું સરનામું આપો...

આ બધું તમારે માટે સહેલું હોવા છતાં ઝંઝટભર્યું તો છે. પરંતુ થો઼ડા સમયમાં આ બધી ઝંઝટ જતી રહેશે.

નવી રીતે શોપિંગ કેવું હશે?

તમે તમારા ફોનમાં ચેટજીપીટીની એપ ઓપન કરશો. તેમાં મમ્મી તરફથી વોટ્સએપમાં મળેલા શોપિંગ લિસ્ટનો સ્ક્રીનશોટ લઈને કે સીધું લિસ્ટ કોપી કરીને ચેટજીપીટીમાં અપલોડ કરશો ચેટજીપીટીને કહેશો કે આ બધી ચીજવસ્તુ ઓર્ડર કરી આપ! 

હવે આગળની વાત બરાબર ધ્યાનથી વાંચજો. ઓનલાઇન શોપિંગ, ઓર્ડર, પેમેન્ટ, ડિલિવરી ટ્રેકિંગ બધું થશે વાતવાતમાં, ખરા અર્થમાં ! 3 - image

ચેટજીપીટી એપ આપણે લખેલી ચીજવસ્તુઓ આપણા કાયમી શોપિંગ પ્લેટફોર્મ પર ઓર્ડર કરવાથી માંડીને તેને માટે પેમેન્ટ કરવા સુધીનું બધું જ કામ આપોઆપ કરશે! 

ઓર્ડર મમ્મી-પપ્પા માટે કરવાનો હોય કે આપણા પોતાના માટે, ઓર્ડરથી પેમેન્ટ સુધીની બધી પ્રોસેસ દરમિયાન જોઇતી ચીજવસ્તુઓની યાદી આપવાથી વિશેષ આપણે કંઈ એટલે કંઈ જ કરવાનું રહેશે નહીં. એટલે કે...

આપણે શોપિંગ એપ કે ગ્રોસરી એપ ઓપન કરવાની નથી. 

તેમાં કોઈ ચીજવસ્તુ શોધવાની નથી.

જાતે કશું જ કાર્ટમાં ઉમેરવાનું નથી. 

જાતે ઓર્ડર પ્લેસ કરવાનો નથી. 

પેમેન્ટ માટે જાતે કોઈ યુપીઆઇ એડ્રેસ કે યુપીઆઇ એપ સિલેક્ટ કરવાની નથી. 

ત્યાં સુધી કે પેમેન્ટ સમયે ઓથોરાઇઝેશન માટે કોઈ પિન કે કોઈ ઓટીપી પણ આપવાનો નથી! 

આવું કેવી રીતે શક્ય બનશે? ઓનલાઇન શોપિંગ, ઓર્ડર, પેમેન્ટ, ડિલિવરી ટ્રેકિંગ બધું થશે વાતવાતમાં, ખરા અર્થમાં ! 4 - image

બધું જ કામ ચેટજીપીટી એપ અને તેની સાથે આપણે પહેલેથી ઇન્ટિગ્રેટ કરેલી વિવિધ એપ્સ તથા પેમેન્ટ સર્વિસ આપમેળે કરી લેશે. આ કિસ્સામાં પેમેન્ટ સર્વિસ એટલે રેઝરપે. 

તમે જાણતા જ હશો તેમ, રેઝરપે ભારતનું એક અગ્રગણ્ય ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ છે. તેણે ગયા વર્ષથી ભારતના યુપીઆઇ અને તેનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) તથા ચેટજીપીટી એઆઇ સાથે જોડાણ કરીને ‘એજેન્ટિક પેમેન્ટ્સ’ નામની એક નવી વ્યવસ્થા લોન્ચ કરી છે. દેશની આ પહેલી એઆઇ-પાવર્ડ પેમેન્ટ સર્વિસ છે, જેમાં આપણે ખરા અર્થમાં વાત વાતમાં વિવિધ સર્વિસ ઓર્ડર કરવાથી લઇને તેના પેમેન્ટ સુધીના બધા જ તબક્કા લગભગ આપોઆપ પાર કરી શકીશું. 

આ વ્યવસ્થામાં પેમેન્ટ માટે યુપીઆઇના ‘યુપીઆઇ સર્કલ’નો ફીચરનો ઉપયોગ થશે. ‘ટેકનોવર્લ્ડ’માં આપણે તેના વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. આ ફીચરની મદદથી પહેલાં અમુક નિશ્ચિત સેટિંગ કરી લીધા પછી ચોક્કસ રકમ સુધીનાં પેમેન્ટ્સ, આપણી મંજૂરી વિના પણ (એટલે કે પિન કે ઓટીપી આપ્યા વિના) આપણા બેંક એકાઉન્ટમાંથી થઈ શકે છે.