Get The App

હવે પોતાના મેડિકલ રિપોટ્રર્સ પણ ડિજિલોકરમાં સેવ કરી શકાશે

Updated: Nov 19th, 2022

GS TEAM

Google News
Google News
હવે પોતાના મેડિકલ રિપોટ્રર્સ પણ ડિજિલોકરમાં સેવ કરી શકાશે 1 - image


આપણે અગાઉ વાત કરી છે તેમ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળ ડિજિલોકર સર્વિસની મદદથી આપણે પોતાને માટે અગત્યનાં સર્ટિફિકેટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવી શકીએ છીએ. વિવિધ સરકારી કે બિનસરકારી સંસ્થા તરફથી ઇસ્યૂ થતા સર્ટિફિકેટ્સ ડિજિલોકરમાં સ્ટોર કરીએ તો તે આઇટી એક્ટ મુજબ કાયદેસરની માન્યતા ધરાવે છે. એટલે કે કોઈ જગ્યાએ આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડની હાર્ડ કોપી માગવામાં આવે તો તે તેને બદલે આપણે જે તે સંસ્થા તરફથી ડિજિલોકરમાં ઇસ્યૂ થયેલ તેની ડિજિટલ કોપી બતાવી શકીએ છીએ.

ડિજિલોકરમાં હવે વધુ ને વધુ વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓનું જોડાણ થઈ રહ્યું છે. તાજેતરમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનું પણ ડિજિલોકર સાથે ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. આ કારણે હવે આપણા કોવિડ ઉપરાંત અન્ય પ્રકારના વેક્સિનેશન રેકોર્ડ, ડોક્ટર્સનાં પ્રિસ્ક્રિપ્શન્સ, લેબોરેટરી રિપોર્ટ્સ, હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરી વગેરે વિગતો ડિજિલોકરમાં સ્ટોર કરી શકાશે. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ વિવિધ પ્રકારની આરોગ્ય સેવાને એકમેક સાથે સાંકળવામાં આવી રહી છે. વિવિધ હોસ્પિટલ્સ, ડોક્ટર્સ, લેબોરેટરીઝ વગેરે આ મિશન સાથે સંકળાય તે પછી તેમના રિપોર્ટ્સ ડિજિટલ સ્વરૂપે સહેલાઈથી સ્ટોર અને શેર કરી શકાય છે.

હવે આ રિપોર્ટ્સ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન ઉપરાંત ડિજિલોકરમાં પણ સ્ટોર કરી શકાશે. મતલબ કે આપણા જીવનને સંબંધિત વિવિધ બાબતો અલગ અલગ જગ્યાએ સ્ટોર કરવાને બદલે એ બધું જ માત્ર એક સર્વિસ - ડિજિલોકરમાં સ્ટોર કરી શકાશે. 

Tags :