હવે ડોક્યુમેન્ટ સ્કેન કરી શેર કરી શકાશે - વોટ્સએપમાંથી જ
તમે ઘણી વાર ઓફિસનું કોઈ ડોક્યુમેન્ટ કે અન્ય પ્રકારના ડોક્યુમેન્ટની વોટ્સએપ એપથી ઇમેજ લઇને તેને અન્યો સાથે શેર કરી હશે. અત્યાર સુધી આપણે આ કામ ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ લઈને પતાવતા હતા, હવે વોટ્સએપમાંથી જ ડોક્યુમેન્ટને યોગ્ય રીતે સ્કેન કરી શકાશે અને પછી અન્યો સાથે શેર કરી શકાશે.
ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ લઇને તેની ઇમેજ શેર કરવામાં અને તેને યોગ્ય રીતે સ્કેન કરીને શેર કરવામાં ફેર છે. ડોક્યુમેન્ટની ઇમેજ ઝેરોક્ષ કોપી જેવી ક્લિન હોતી નથી. જ્યારે ડોક્યુમેન્ટને સ્કેન કરવામાં આવે ત્યારે તેમાં ઇમેજ જેવા ગ્રે ધબ્બા આવતા નથી તથા ડોક્યુમેન્ટની ધાર મુજબ તેની સ્કેન્ડ ઇમેજ આપોઆપ ક્રોપ પણ થઈ શકે છે. એટલું જ નહીં, આપણો કેમેરા એંગલ ખોટો હોય તો પણ સ્કેન્ડ ઇમેજમાં યોગ્ય પર્સ્પેક્ટિવ મેળવી શકાય છે.
આ કારણે હવે આપણે જ્યારે કોઈને ડોક્યુમેન્ટ સ્કેન કરીને મોકલવાનું હોય ત્યારે ફોનના કેમેરાથી કે થર્ડ પાર્ટી સોફ્ટવેરથી તેને સ્કેન કરીને પછી વોટ્સએપમાંથી ડોક્યુમેન્ટ તરીકે સ્કેન્ડ કરવાની જરૂર નહીં રહે. આપણે ડોક્યુમેન્ટ ટેબલ પર ગોઠવી, વોટ્સએપમાં ચેટ ઓપન કરી, એટેચમેન્ટ આઇકન ક્લિક કરવાનો રહેશે. તેમાં ‘ડોક્યુમેન્ટ’માં સ્કેનિંગનો નવો વિકલ્પ દેખાશે. આપણે તેને ક્લિક કરીશું એટલે ફોનનો કેમેરા ઓન થશે. ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે આપણને બે વિકલ્પ મળશે. મેન્યુઅલ સ્કેનિંગ અને ઓટો સ્કેનિંગ. મેન્યુઅલ મોડમાં આપણે ઇમેજ પર બરાબર ફોકસ કરીને ક્યારે તેને સ્કેન કરવું તે જાતે નક્કી કરી શકીશું. જ્યારે ઓટો મોડમાં વોટ્સએપની સિસ્ટમ પોતે ડોક્યુમેન્ટ સ્કેનિંગની જરૂરિયાત સમજી બધી પ્રોસેસ જાતે જ પૂરી કરી લેશે. આ રીતે ડોક્યુમેન્ટ સ્કેન થશે એ પછી વોટ્સએપની સિસ્ટમ ઇમેજ પર પ્રોસેસિંગ કરશે. આપણે તેમાં જોઈતા ફેરફાર કરી શકીશું. સિસ્ટમ સ્કેન્ડ ઇમેજને પીડીએફ ફોર્મેટમાં ફેરવી નાખશે. આ પછી આપણે ફક્ત ‘ડન’ બટન દબાવવાનું રહેશે.
આ સુવિધા પહેલાં આઇફોન માટેની વોટ્સએપ એપમાં આવી અને હવે એન્ડ્રોઇડ એપના યૂઝર્સને પણ તેનો લાભ મળવા લાગ્યો છે.