Get The App

હવે ભારતમાં પણ ઉડતા પ્લેનમાં વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી

Updated: Jan 21st, 2025

GS TEAM

Google News
Google News
હવે ભારતમાં પણ ઉડતા પ્લેનમાં વાઈ-ફાઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી 1 - image

ભારતમાં હવે એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટમાં ચાલુ મુસાફરી દરમિયાન કોઈને ફોન કોલ કરવો, ઇન્ટરનેટ સર્ચ કરવું, કોઈને મેસેજ મોકલવો કે પછી સોશિયલ મીડિયા પર આપણા ફ્રેન્ડઝના કન્ટેન્ટને ફોલો કરવું કે આપણું સ્ટેટસ અપલોડ કરવું વગેરે હવે શક્ય બની ગયું છે!

જાન્યુઆરી ૧, ૨૦૨૫થી એર ઇન્ડિયાનાx એ-૩૫૦, બી-૭૮૭-૯ તથા અમુક એ-૩૨૧નીઓ પ્લેનમાં મુસાફરોને વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો લાભ મળવાનું શરૂ થઈ ગયું છે. પ્રારંભિક તબક્કામાં આ સર્વિસ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ પ્રકારે એર ઇન્ડિયા ભારતમાં ઇન-ફ્લાઇટ વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપનારી પહેલી એરલાઇન બની છે.

ભારતની સાથોસાથ એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં પણ આ સુવિધા મળશે. આ સુવિધાને કારણે આપણે હવામાં હજારો ફૂટ ઊંચે મુસાફરી કરતા હોઈશું ત્યારે પણ પોતાના આઇઓએસ, એન્ડ્રોઇડ સ્માર્ટફોન તથા ટેબલેટ તથા લેપટોપમાં વાઇ-ફાઇ સિગ્નલથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકીશું. કંપનીએ આ માટે પહેલાં ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોરની ફ્લાઇટના ઇન્ટરનેશનલ રૂટ્સ પર આ સુવિધાનું ટેસ્ટિંગ કર્યું હતું અને તેમાં સફળતા મળ્યા પછી હવે તેનો લાભ ડોમેસ્ટિક ફ્લાઇટમાં આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

હવે પછી તમે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરો ત્યારે આ સુવિધાનો લાભ લેવા માટે તમારા સ્માર્ટફોન કે લેપટોપમાં વાઇ-ફાઇ ઓન કરો. ઉપલબ્ધ નેટવર્કમાં ‘એર ઇન્ડિયા વાઇ-ફાઇ નેટવર્ક’ જોવા મળશે. તેને સિલેક્ટ કર્યા પછી તમારે તમારી ટિકિટનો પીએનઆર નંબર તથા તમારી અટક લખવાની રહેશે. એ પછી તમારા ડિવાઇસમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન થઈ જશે.