હવે ડેબિટ કાર્ડ વિના ફોનએપમાં UPI રજિસ્ટ્રેશન
અત્યાર સુધી આપણે પોતાના બેંક એકાઉન્ટ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ
(યુપીઆઇ) સર્વિસ એક્ટિવેટ કરવી હોય તો એ માટે બેંક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ હોવું
જરૂરી હતું. યુપીઆઇનો લાભ આપણે કોઈ પણ યુપીઆઇ એપમાં લઇ શકીએ તે માટે આપણી જ બેંકની
યુપીઆઇ એપ હોવી જરૂરી નહીં. પરંતુ બેંક ખાતું આપણું હોવાની ખાતરી કરવા માટે ડેબિટ
કાર્ડ હાથવગું હોવું જરૂરી હતું. ડેબિટ કાર્ડના નંબરની વિગતો આપીને આપણે યુપીઆઇ
માટે રજિસ્ટ્રેશન કરી શકીએ તથા યુપીઆઇ પીન જનરેટ કરી શકીએ.
આમ અત્યાર સુધી આ પ્રક્રિયા માટે ડેબિટ કાર્ડ હોવું અનિવાર્ય હોવાથી જે
વ્યક્તિ પાસે પોતાના બેંક ખાતાનું ડેબિટ કાર્ડ ન હોય તે જે તે બેંક ખાતા માટે
યુપીઆઇનો ઉપયોગ કરી શકતા નહોતા.
હવે આ સ્થિતિ બદલાઈ જશે. અગ્રગણ્ય યુપીઆઇ એપ ફોનપેમાં આધાર કાર્ડથી યુપીઆઇ
એક્ટિવેશન શક્ય બની ગયું છે. ફોનપેના દાવા અનુસાર તે એવી પહેલી યુપીઆઇ એપ છે જેણે
આધાર આધારિત યુપીઆઇ એક્ટિવેશન શક્ય બનાવ્યું છે. આ પદ્ધતિમાં આપણે ફોનપે એપ પર
પોતાના બેંક ખાતાને યુપીઆઇ સાથે કનેક્ટ કરવા માટે આધારકાર્ડના છેલ્લા છ ડિજિટ
આપવાના રહેશે. એ પછી આધાર અને બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે અને
તે આપીને પ્રોસેસ પૂરી કરી શકાશે.
તમે જાણતા જ હશો કે હવે સાદા, ફીચરફોનમાં પણ યુપીઆઇનો લાભ
લઈ શકાય છે. આવો ફોન ધરાવતા ઘણા લોકો બેંકમાં ખાતું ન હોવાથી, ડેબિટ કાર્ડના અભાવે યુપીઆઇમાં જોડાઈ શકતા નહોતા. હવે તેઓ પણ યુપીઆઇનો લાભ લઈ
શકશે.