હવે ટીવી બને છે પર્સનલ કમ્પ્યૂટર
એક અંદાજ મુજબ ભારતનાં ૭૦ ટકા ઘરોમાં ટીવી છે. તેની સામે
માત્ર ૧૫ ટકા ઘરોમાં પર્સનલ કમ્પ્યૂટર (પીસી) છે. હવે રિલાયન્સ જિઓ કંપની આ સ્થિતિ
બદલી નાખવા માગે છે.
ગયા અઠવાડિયે કંપનીએ ‘જિઓપીસી’ સર્વિસ લોન્ચ
કરી. આમ તો તેની જાહેરાત ઘણા સમય અગાઉથી થઈ ગઈ હતી. જો તમે તમારા ટીવીમાં જિઓ સેટ
ટોપ બોક્સની મદદથી ઇન્ટરનેટ આધારિત ટીવીનો લાભ લેતા હો તો હવે તેમાં જ એક એપ તરીકે
જિઓપીસીનો લાભ લઈ શકાશે અથવા પહેલી વાર રૂા.૫,૪૯૯/- માં જિઓનું
સેટ ટોપ બોક્સ ખરીદી શકાશે. આમ તો આપણે જિઓ પીસીનો ઉપયોગ કરવા માટે દર મહિને
રૂા.૫૯૯ જેટલી ફી ચૂકવવી પડશે. અત્યારે પહેલા મહિના માટે આપણે મફત ઉપયોગ કરી શકીએ
છીએ.
જો જિઓપીસીની જાહેરાત થઈ એ સમયથી તમે તેના વિશલિસ્ટમાં
જોડાઈ ગયા હો તો અત્યારથી તેનો લાભ લઈ શકો છો. તમારે ફક્ત ટીવી અને જિઓ સેટ ટોપ
બોક્સ ઓન કરીને તેમાં જિઓપીસી એપ ઓપન કરવાની છે. જો તમે જિઓટીવી સર્વિસના પહેલેથી
યૂઝર હો તો તમારી વિગતો તેમાં હશે જ. તેની મદદથી જિઓપીસીમાં તમારું એકાઉન્ટ ક્રિએટ
થઈ જશે. પછી આપણે તેને માટે અલગ પાસવર્ડ
સેટ કરી શકીશું.
આપણે જિઓપીસીમાં એકાઉન્ટ ઓપન કરીએ એ પછી કોઈ પણ કીબોર્ડ અને
માઉસ સેટ ટોપ બોક્સ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ઇચ્છો તો બ્લ્ટૂથની મદદથી વાયરલેસ
કીબોર્ડ અને માઉસ કનેક્ટ કરી શકો છો. તેમાં ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, ૮
જીબી રેમ અને ૧૦૦ જીબી સ્પેસ મળે છે - આ બધું ક્લાઉડ આધારિત છે. એટલે જ આ
પ્રકારનાં પીસી ‘ક્લાઉડ પીસી’ કે ‘વર્ચ્યુઅલ ડેસ્કટોપ’ તરીકે ઓળખાય છે.
અચ્છા, જિઓપીસીનો ખરેખર પીસી તરીકે ઉપયોગ કરી શકાય?
હા અને ના. તમારી પાસે કમ્પ્યૂટર હોય જ નહીં કે ઘરમાં મોટા ભાગે
મોટા સ્ક્રીન પર વેબ બ્રાઉઝિંગ કરવું હોય તો જિઓપીસી ચોક્કસ ઉપયોગી થશે, પણ તેમાં પાવરફુલ પીસી જેવું પરફોર્મન્સ મળશે નહીં. જિઓપીસીમાં
માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનો સીધો એપ્સ તરીકે ઉપયોગ થઈ શકતો નથી. તેને બદલે
ફ્રી લાઇબરઓફિસ પ્રોગ્રામ્સ સામેલ છે.
અગાઉ ‘ટેકનોવર્લ્ડ’માં આપણે
માઇક્રોસોફ્ટની આ જ પ્રકારની સર્વિસ વિશે વાત કરી ગયા છીએ. માઇક્રોસોફ્ટ કંપની
ક્લાઉડ મારફત વર્ચ્યુઅલ ડેસ્કટોપનો ઉપયોગ કરવાની સગવડ આપે છે. પરંતુ એ ખાસ
પોપ્યુલર થઈ નથી કારણ કે તેમાં આખરે આપણા
જૂના અને જાણીતા કમ્પ્યૂટરમાં જ ક્લાઉડ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાની વાત છે. જ્યારે
જિઓએ આખી ગેમ બદલી નાખી છે. તેમાં આપણા ઘરમાં કમ્પ્યૂટર ન હોય તો પણ ટીવી મારફત
કમ્પ્યૂટરનો લાભ લેવાની વાત છે.