ભારતમાં આંગળીના ઇશારે રૂપિયાની લેવડદેવડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને પ્રતાપે એટલી બધી પોપ્યુલર થઈ છે કે હવે
એપલ જેવી કંપનીને પણ આ માર્કેટમાં ઝંપલાવવાની ઇચ્છા જાગી છે. એક સમાચાર અનુસાર એપલે
ભારતમાં એપલ પે સર્વિસ લોન્ચ કરવા માટે વિવિધ ભારતીય બેંક્સ સાથે ચર્ચા શરૂ કરી છે. આ વર્ષના
મધ્ય ભાગ સુધીમાં ભારતમાં લોકોને પોતાના આઇફોનમાં એપલપેનો ઉપયોગ કરીને ફટાફટ
પેમેન્ટ કરવાની સગવડ મળી જાય તેવી શક્યતા છે.
અત્યારે ભારતમાં એપલ પે સર્વિસ ઓફિશિયલી લોન્ચ થઈ નથી. આથી ભારતમાં લોકલ કે
ઇન-સ્ટોર રૂપિયાની લેવડદેવડ માટે એપલ પેનો ઉપયોગ થઈ શકતો નથી. માત્ર અમુક ફોરેન
ટ્રાવેલર્સ અમુક ભારતીય વેબસાઇટ્સ પર ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે એપલ પેનો ઉપયોગ
કરી શકે છે.
ભારતમાં ગૂગલપે, ફોનપે તથા અન્ય યુપીઆઇ એપ્સનો દબદબો છે. આ બધી સર્વિસમાં હવે ક્રેડિટ કાર્ડ પણ
કનેક્ટ કરી શકાય છે. પરંતુ યુપીઆઇ વ્યવસ્થા મુખ્યત્વે સીધેસીધાં બે બેંક એકાઉન્ટ
વચ્ચે રૂપિયાની આપ-લે શક્ય બનાવે છે.
તેની સરખામણીમાં ભારત બહારના દેશોમાં એપલ પે જરા અલગ રીતે કામ કરે છે. એપલ પે
૭૦-૮૦ જેટલા દેશોમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટેની બહુ પ્રચલિત પદ્ધતિ છે. આઇફોન
ધરાવતા લોકો એપલ પે માં પોતાના બેન્ક એકાઉન્ટ (માત્ર યુએસના) તથા ક્રેડિટ કે ડેબિટ
કાર્ડને કનેક્ટ કરી શકે છે અને પછી જ્યારે પણ કોઈ જગ્યાએ પેમેન્ટ કરવું હોય ત્યારે
આઇફોનમાંની એપલ પે સર્વિસથી પેમેન્ટ કરી શકે છે.
આમ ભારતની યુપીઆઇ વ્યવસ્થામાં સીધીસીધી બેંક એકાઉન્ટ આધારિત છે અને યુપીઆઇ
એપ્સ તેમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે. જ્યારે એપલ પે બેંક મુખ્યત્વે કાર્ડ
આધારિત છે અને તે કાર્ડ નેટવર્ક તથા પેમેન્ટ કરનાર - સ્વીકારનાર વચ્ચે મધ્યસ્થીની
ભૂમિકા ભજવે છે.
ભારતમાં એન્ડ્રોઇડ ફોનની સરખામણીમાં મોંઘાદાટ આઇફોનનો માર્કેટ શેર ઘણો ઓછો છે.
પરંતુ તે ધીમી પણ મક્કમ ગતિએ વધી રહ્યો છે. એ જોતાં, તેમાં એપલ પેનો ભારતમાં પણ ઉપયોગ શક્ય બનશે તો આઇફોન ફેન્સ ચોક્કસ રાજી થશે.


