Get The App

હવે AI ચેટિંગમાં પણ આવી રહી છે જાહેરાતો

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
હવે AI ચેટિંગમાં પણ આવી રહી છે જાહેરાતો 1 - image


એઆઇનો જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે, પણ એઆઇ કંપનીઓ માટે એમાં ચર્ચા વધુ ને કમાણી ઓછી છે. એ કારણે...

પાછલાં બે-ચાર વર્ષમાં ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષો જૂની આદતમાં ઘણો બદલાવ આવી ગયો છે. અત્યાર સુધી આપણે બધું ગૂગલને જ પૂછતા હતા. પછી એ ઢગલામોઢે વેબપેજીસ તરફ આંગળી ચીંધે અને આપણે તેમાં જોઇતા જવાબ શોધવા જતા.

હવે આ જૂની પદ્ધતિ બદલાઈ ગઈ છે. ઘણા લોકો ગૂગલને તડકે મૂકીને સીધેસીધું એઆઇ ચેટબોટને સવાલો પૂછે છે, જે વેબપેજીસને બદલે સીધેસીધા જવાબ આપે છે. ગૂગલે આટલાં વર્ષોમાં તેની લગભગ બધી કમાણીના રસ્તા સર્ચ એન્જિનની આસપાસ ગોઠવ્યા હતા. હવે એ ગરાસ લૂંટાવા લાગ્યો છે. જો તમે ગૂગલ સર્ચ એન્જિનમાં ‘એઆઇ ઓવરવ્યૂ’નો ઓપ્શન ઇનેબલ રાખ્યો હોય તો ગૂગલ પોતે હવે સર્ચ રિઝલ્ટ પેજ પર વિવિધ વેબપેજ બતાવવા ઉપરાંત સીધેસીધા જવાબ આપે છે. અન્ય ચેટબોટની હરીફાઈમાં તેણ આમ કરવું પડ્યું છે. પરંતુ તેની અસર તેની પોતાની કમાણી પર થાય છે.

પાછલાં એક-બે વર્ષમાં ઓપનએઆઇ ચેટજીપીટી, માઇક્રોસોફ્ટ કો-પાયલટ, પરપ્લેક્સિટી, ચાઇનીઝ ડીપસીક, એક્સ ગ્રોક વગેરે એઆઇ ચેટબોટમાં ઉમેરાઈ ગયેલી સર્ચ સુવિધાથી ગૂગલની સર્ચમાંથી થતી આવક પર સીધી અસર પહોંચી છે.

આ બધાને કારણે હવે ગૂગલે એઆઇ ચેટબોટ સાથેની વાતચીતમાં જાહેરાતો ઉમેરવાની કોશિશ શરૂ કરી છે.

બહાર આવેલી વિગતો અનુસાર વિવિધ વેબસાઇટ, બ્લોગ, એપ, યુટ્યૂબ પરના વીડિયો વગેરેમાં જાહેરાતો દર્શાવતા ગૂગલના એડસેન્સ પ્રોગ્રામને વિસ્તારીને હવે તેમાં એઆઇ સ્ટાર્ટઅપ્સ દ્વારા ચલાવવામાં આવતા ચેટબોટને પણ આવરી લેવામાં આવશે.

અત્યારે ગૂગલની એઆઇ સર્વિસિસનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના એઆઇ ચેટિંગ કે ફીચર્સ આપતાં જુદાં જુદાં સ્ટાર્ટઅપ્સ વિકસી રહ્યાં છે. એઆઇનો હજી શરૂઆતી દોર હોવાથી આ સ્ટાર્ટઅપ્સ માટે કમાણીના રસ્તા શોધવા મુશ્કેલ છે.

આવાં સ્ટાર્ટઅપ ગૂગલના એડસેન્સ પ્રોગ્રામમાં જોડાઇને તેમના ચેટબોટમાં ગૂગલના એડવર્ટાઇઝિંગ નેટવર્ક તરફથી મળતી જાહેરાતો બતાવી શકશે. આ માટેનું પાયલોટ ટેસ્ટિંગ અત્યારે શરૂ થઈ ગયું છે. આ કારણે, અત્યારે જે રીતે આપણે વિવિધ વેબસાઇટ, બ્લોગ, એપ કે વીડિયોની મુલાકાત લઈએ ત્યારે વચ્ચે વચ્ચે જેમ જાહેરાતો જોવા મળે છે, બરાબર એ જ રીતે ચેટબોટ સાથેની વાતચીતમાં પણ વચ્ચે વચ્ચે જાહેરાતો જોવા મળશે.

દેખીતું છે કે આ વાતચીત વખતે આપણે જેના પર ક્લિક કરીએ તેવી વધુમાં વધુ શક્યતા હોય તેવી જાહેરાતો બતાવવામાં આવશે. મતલબ કે ચેટબોટ સાથેની આપણી વાતચીતનો ડેટા તપાસવામાં આવશે અને તેમાંથી ટાર્ગેટ કરીને આપણને જાહેરાતો બતાવવામાં આવશે. સર્ચ કે સોશિયલ મીડિયામાંથી કમાણીના ઇતિહાસનું પુનરાવર્તન થશે.

ગૂગલનો આ પ્રયોગ જો સફળ થશે તો અન્ય જાણીતી એઆઇ કંપનીઓ પણ તેમના ચેટબોટમાં જાહેરાતો ઉમેરે તો નવાઈ નહીં - સર્ચ માટે યંગસ્ટર્સમાં પોપ્યુલર પરપ્લેક્સિટી એ જ દિશામાં આગળ વધી રહી છે.

Tags :