Updated: Sep 13th, 2022
અત્યાર સુધીમાં તમે પણ કદાચ તમારા સ્માર્ટ ફોનમાં ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરી દીધી હશે. આપણાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપમાં સાચવવા માટે આ એક સારી સુવિધા છે. પોતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ, સ્કૂલ કોલેજના સર્ટિફિકેટ, કોવિડ વેક્સિનનાં સર્ટિફિકેટ્સ અન્ય સરકારી દસ્તાવેજો વગેરે ડિજિલોકરમાં સાચવી શકાય છે અને જરૂર પડે ત્યારે અન્ય કંપનીઓ કે સંસ્થાઓને તે શેર કરી શકાય છે.
દા.ત. એરપોર્ટ, રેલવે સ્ટેશન્સ કે અન્ય કોઈ પણ જગ્યાએ આપણું આધારકાર્ડ બતાવવાનું હોય ત્યારે ફિઝિકલ સર્ટિફિકેટને બદલે ડિજિલોકરમાં ઇસ્યૂ થયેલું સર્ટિફિકેટ બતાવી શકાય છે, જે આઇટી એક્ટ ૨૦૦૦ મુજબ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સમકક્ષ ગણાય છે.
આમ તો આપણા તમામ મહત્ત્વના દસ્તાવેજની ઓરિજિનલ્સ એક ફાઇલમાં કાયમ માટે હાથવગી રાખવી જોઈએ. પરંતુ આજના ડિજિટલ યુગમાં આ જ સર્ટિફિકેટ્સ ડિજિલોકરમાં સાચવવાના આગવા ફાયદા છે (એ ધ્યાનમાં રાખશો કે ડિજિલોકરમાંની ડ્રાઇવમાં, ગૂગલ ડ્રાઇવમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ આપણે પોતે સેવ કરેલી કોપી માન્ય ગણાતી નથી).
જોકે આ બધું તો તમે કદાચ જાણતા જ હશો. હવે મૂળ મુદ્દાની વાત. ડિજિલોકરમાં વ્યક્તિદીઠ એક એકાઉન્ટ ખોલાવી શકાય છે. પરંતુ આપણા બેંક ખાતાની જેમ ડિજિલોકરમાં પણ આપણે નોમિની ઉમેરી શકીએ છીએ જેથી આપણી ગેરહાજરીમાં એ વ્યક્તિ આપણાં ડોક્યુમેન્ટ્સ સહેલાઇથી એક્સેસ કરી શકે.
ડિજિલોકર એકાઉન્ટમાં પોતાના નોમિની ઉમેરવાનું કામ બહુ સહેલું છે. એ માટે નીચે મુજબનાં પગલાં લઈ શકાય :
૧. તમારા સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરો અથવા કમ્પ્યૂટરમાં https://www.digilocker.gov.in/ યુઆરએલ પર જાઓ (તમે તેમાં એકાઉન્ટ ખોલાવ્યું ન હોય તો કેટલીક વિધિ કરી, વિવિધ સર્ટિફિકેટ મેળવી શકો છો).
૨. હવે મેનૂ પર ક્લિક કરો. તેમાં નોમિનીનો વિકલ્પ પસંદ કરો.
૩. અહીં આપણને કહેવામાં આવશે કે ભવિષ્યમાં આપણી નોમિની વ્યક્તિ આપણું ડિજિલોકર એકાઉન્ટ એક્સેસ કરી શકે છે. હવે એડ નોમિની પર ક્લિક કરો.
૪. નોમિની સાથેનો સંબંધ, નામ, આધાર, જન્મ તારીખ વગેરે વિગતો સબમિટ કરો.
૫. આપણા એકાઉન્ટમાં આ ફેરફારની ખાતરી માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તે આપો.
૬. આપણા એકાઉન્ટમાં નોમિની ઉમેરાઈ જશે.