નિસારે સ્પષ્ટ વિગતો સાથે પૃથ્વીની સપાટીની પ્રથમ તસવીરો મોકલી
- નાસા-ઈસરોના સંયુક્ત સાહસે નવા વૈશ્વિક ધોરણો સ્થાપિત કર્યા
- ડુઅલ રડાર પાવરની ચોકસાઈને કારણે કુદરતી આપત્તિ અને પર્યાવરણ ફેરફાર સંબંધિત સચોટ માહિતી મળશે
નવી દિલ્હી : આ વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલી નાસા અને ઈસરોની સંયુક્ત સેટેલાઈટ નિસાર (સંયુક્ત સીન્થેટીક એપેર્ચર રડાર)એ પૃથ્વીની સપાટીના અદ્ભુત દ્રશ્યો પ્રદાન કરતી પ્રથમ રડાર છબીઓ રજૂ કરી છે. એલ-બેન્ડ અને એસ-બેન્ડ રડાર સીસ્ટમોના વિશિષ્ટ સંયોજનના ઉપયોગથી આ ઉપગ્રહે જંગલો, વેટલેન્ડ, કૃષિભૂમિ અને શહેરી માળખાના અવલોકનમાં અસાધારણ સ્પષ્ટતા પ્રદાન કરી છે. આ ક્ષમતા નિસારને ઈકોસીસ્ટમ, કૃષિ અને કુદરતી આપત્તિઓના નિરીક્ષણ માટે એક પરિવર્તનશીલ સાધન બનાવે છે.
ઉપગ્રહની ડયુઅલ-બેન્ડ રડાર ડિઝાઇન એક ટેકનોલોજીકલ સીમાચિહ્નરૂપ છે. નાસાની એલ-બેન્ડ સિસ્ટમ ગાઢ જંગલોમાં પ્રવેશ કરે છે, માટીના ભેજને ટ્રેક કરે છે અને ટેક્ટોનિક શિફ્ટ અને બરફના ફેરફારો સહિત જમીનની સૂક્ષ્મ ગતિવિધિઓ શોધી કાઢે છે. ઈસરોનું એસ-બેન્ડ રડાર સૂક્ષ્મ વનસ્પતિ અને ઈકોલોજીકલ ભિન્નતાને ઓળખવામાં શ્રેષ્ઠ છે, જે તેને કૃષિ દેખરેખ માટે મહત્વપૂર્ણ બનાવે છે. સાથે મળીને આ સીસ્ટમો કુદરતી અને માનવ-પરિવર્તિત લેન્ડસ્કેપના મેપિંગમાં અજોડ ચોકસાઈ ધરાવે છે.
પ્રથમ છબીઓમાં આ સંભાવના આબેહૂબ રીતે દર્શાવાઈ છે. ૨૧ ઓગસ્ટના રોજ, નિસારના રડારે મેઈનના માઉન્ટ ડેઝર્ટ આઈલેન્ડનું મેપિંગ કર્યું, જેમાં જંગલો, જળમાર્ગો અને શહેરી વિસ્તારોને અલગ અલગ દર્શાવવામાં આવ્યા હતા જ્યારે વનસ્પતિ અને નિર્મિત વાતાવરણના તફાવતને પણ સ્પષ્ટ રીતે દેખાડવામાં આવ્યો હતો. બે દિવસ પછી, તેણે ઉત્તરપૂર્વીય ઉત્તર ડાકોટાની તસવીર ઝડપી જેમાં પાકની જમીન, ભીની જમીન અને સિંચાઈની પેટર્ન સ્પષ્ટપણે દર્શાવાઈ હતી, જે મિશનની જમીનના ઉપયોગ અને પર્યાવરણીય સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવાની ક્ષમતા ઉજાગર કરે છે.
છબીઓ ઉપરાંત, નિસારનો ડેટા વૈજ્ઞાાનિક સંશોધન અને આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ રહેશે. તે પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ માટે પ્રારંભિક ચેતવણીઓ આપતી વખતે વનનાબૂદી, ભીની જમીનના નુકસાન, પાક ચક્ર અને ભૂમિ ઉત્પાદકતાની દેખરેખ રાખી શકશે. એનાથી સરકારો અને રાહતકાર્યો કરનારી એજન્સીઓ ઝડપી પ્રતિસાદ આપી શકશે તેમજ જીવન અને માળખાગત સુવિધાઓ સામેના જોખમો ઘટશે.
અદ્યતન રડાર એન્જિનિયરિંગ, અવકાશયાન ડિઝાઇન અને વૈશ્વિક ગ્રાઉન્ડ સપોર્ટના મિશ્રણ સાથેનું આ મિશન નાસા અને ઈસરો વચ્ચેના વર્ષોના સહયોગને પ્રતિબિંબિત કરે છે. નવેમ્બર ૨૦૨૫ માટે નિર્ધારિત સંપૂર્ણ વિજ્ઞાાન કામગીરી સાથે, નિસાર પૃથ્વી નિરીક્ષણમાં ક્રાંતિ લાવશે અને પર્યાવરણીય પરિવર્તનની વૈશ્વિક સમજને વધુ ઊંડી બનાવશે.