પૃથ્વીનો સચોટ નકશો બનાવવા નિસાર સેટેલાઇટ તરતો મૂકાયો
- વિશ્વનો સૌથી આધુનિક સેટેલાઇટ : ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ હશે : અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ઇસરોની સુવર્ણ સિદ્ધિ
- નાસા- ઇસરોનો પહેલો સહિયારો પ્રયોગ
- નિસારના એસ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડારની રચનામાં ઇસરોના એસએસી - અમદાવાદના એસોસિયેટેડ ડાયરેક્ટર અને મહિલા વિજ્ઞાનીઓ- એન્જિનિયરોનું યોગદાન પાયારૂપ
બેંગલુરુ/ મુંબઇ : આજે ૨૦૨૫ની ૩૦,જુલાઇ,બુધવારનો દિવસ ભારતીય અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં સુવર્ણ સિદ્ધિસમો બની રહ્યો છે. વિશ્વની સૌથી આધુનિક અને સફળ અંતરિક્ષ સંશોધન સંસ્થા અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)નો પહેલો સહિયારો નાસા -ઇસરો સિન્થેટિક એપર્ચર રાડાર(નિસાર) સેટેલાઇટ આજે સાંજે ૫ :૪૦ વાગે ભારતના શ્રીહરિકોટા અવકાશમથક પરથી અફાટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક તરતો મૂકાયો છે.
નિસાર સેટેલાઇટ ડયુઅલ - બેન્ડ રાડાર ધરાવતો વિશ્વનો પહેલો સેટેલાઇટ છે.
ઇસરોના ચેરમેન ડો.વી.નારાયણને ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે નિસાર સેટેલાઇટ ભારતના શ્રીહરિકોટા અવકાશ મથક પરથી તરતો મૂકાયો છે તે ભારતની અને ઇસરોની ઉજળી ટેકનિકલ સિદ્ધિ છે. નિસાર સેટેલાઇટ ઇસરોના જીઓસિન્ક્રોનસ લોન્ચિંગ વેહિકલ(જીએસએલવી) - એફ -૧૬ ની મદદથી લોન્ચિંગની બરાબર ૧૯ મી મિનિટે પૃથ્વીથી અંતરિક્ષમાં ૭૪૭ કિલોમીટરના અંતરે સન સિન્ક્રોનસ પોલાર ઓર્બિટમાં ગોઠવાઇ ગયો છે.
નિસારમાંની બધી ટેકનિકલ ગતિવિધિઓ સંપૂર્ણપણે અને વ્યવસ્થિત રીતે કાર્ય કરી રહી છે.
અમેરિકા અને ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થાઓ નાસા અને ઇસરોનો આ સંયુક્ત પ્રોજેક્ટ સમગ્ર વિજ્ઞાન વિશ્વ માટે કલ્યાણકારી અને ઉપયોગી બની રહેશે.
બીજીબાજુ નાસાના ડેપ્યુટી એસોસિયેટેડ એડમિનિસ્ટ્રેટર કાસેય સ્વાઇલ્સે પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે નિસાર સેટેલાઇટ બંને રાષ્ટ્ર વચ્ચેના સઘન ટેકનિકલ સહકાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું ઉજળું ઉદાહરણ છે. આ મિશન ખરેખર વિજ્ઞાન વિશ્વ માટે દિશાસૂચક બની રહેશે. બંને સંસ્થાઓના વિજ્ઞાનીઓને અને એન્જિનિયરોને અભિનંદન.
નિસાર સેટેલાઇટનો મુખ્ય હેતુ : અંતરિક્ષમાં કેટલા અંતરે રહીને સંશોધન કરશે ?
નિસારનો મુખ્ય હેતુ પૃથ્વીના વિરાટ ગોળામાં અને તેની આબોહવામાં થઇ રહેલા અકળ અને ચિંતાજનક પરિવર્તનનો (ક્લાઇમેટ ચેન્જીસ) સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.
નિસાર પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં એટલે કે ૭૪૭ કિલોમીટરના અંતરે ત્રણ વર્ષ સુધી રહીને પૃથ્વીના વિશાળ ગોળાનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને ઉપયોગી માહિતી આપશે. ફોડ પાડીને કહીએ તો નિસાર દર ૧૨ દિવસે પૃથ્વીનો વિશિષ્ટ નકશો તૈયાર કરશે. જોકે સેટેલાઇટ અંતરિક્ષમાં ૯૦ દિવસ સુધી કાર્યરત રહેશે ત્યારબાદ પૃથ્વીનો નકશો બનાવવાની કામગીરી શરૂ કરશે.
નિસાર સેટેલાઇટમાંના ઇસરોના રાડારની વિશિષ્ટ ટેકનોલોજી કઇ છે ?
ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર(એસએસી- સેક- અમદાવાદ)ના ડાયરેક્ટર નીલેશ કુમાર દેસાઇએ ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં કહ્યું છે કે અમે નિસાર સેટેલાઇટમાંના એસ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર(એસ.એ.આર.) બનાવવાની કામગીરી ૨૦૧૪માં જ શરૂ કરી દીધી હતી. નિસાર સેટેલાઇટના સંયુક્ત પ્રોજેક્ટ માટેના નાસા અને ઇસરો વચ્ચે કરાર -હસ્તાક્ષર ૨૦૧૪માં જ થયા છે.
નિસાર સેટેલાઇટમાં વિશ્વની સૌથી આધુનિક રાડાર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ રાડાર સિસ્ટમ છે ,એલ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર નાસા દ્વારા, જ્યારે એસ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડાર(એસ.એ.આર.) વૈજ્ઞાનિક ઉપકરણની સમગ્ર રચના ઇસરો - સેક દ્વારા બનાવવામાં આવી છે.
આ જ રાડાર સિસ્ટમની ટેકનોલોજીથી નિસાર અંતરિક્ષમાંથી પૃથ્વીનો સચોટ અને અતિ સુક્ષ્મ નકશો તૈયાર કરશે. પૃથ્વીના આ નકશામાં જંગલો, પર્વતો, મહાસાગરો, નદીઓ,બરફીલા પર્વતોમાં થતી ગતિવિધિઓની ઉપયોગી માહિતી અને ઇમેજીસ હશે.
સૌથી મહત્વનું પાસું એ છે કે નિસાર સેટેલાઇટ પ્રોજેક્ટમાં અમારા સ્પેસ એપ્લિકેશન સેન્ટરની ૩૦ ટકા કરતાં વધુ મહિલા વિજ્ઞાનીઓનું અને એન્જિનિયરોનું પાયારૂપ યોગદાન છે. નિસારની ટેકનિકલ રચનામાં સુનિલા મિશ્રા સહિત મહિલા વિજ્ઞાનીઓએ અને એન્જિનિયરોએ સતત ૧૩ વર્ષ સુધી તેમની ઉત્તમ સેવા આપી છે.
એસ બેન્ડ પ્રોજેક્ટના એસોસિયેટેડ ડાયરેક્ટર પણ હિમાંશુ પટેલ છે, જે સમસ્ત ગુજરાત માટે ગૌરવરૂપ છે.
હિમાંશુ પટેલે એસ.એ.આર.ની ખાસ ટેકનિકલ માહિતી આપતાં ગુજરાત સમાચારને કહ્યું છે કે આ રાડારની ટેકનોલોજી અત્યારસુધીની સૌથી આધુનિક છે. આ જ ટેકનોલોજીની મદદથી નિસાર સેટેલાઇટ પૃથ્વીના વિરાટ ગોળાનો બહોળો વિસ્તાર આવરી લઇ શકશે.પૃથ્વી પરનાં જંગલો,નદીઓ,સમુદ્રો, બરફીલા પહાડો વગેરેની બહુ જ સ્પષ્ટ ઇમેજીસ લઇ શકશે.
આ જ એસ.એ.આર. પ્રોજેક્ટ સાથે સંકળાયેલાં સેકનાં મહિલા વિજ્ઞાની સુનિલા મિશ્રાએ બહુ મહત્વનો મુદ્દો સમજાવતાં ગુજરાત સમાચારને કહ્યું છે કે નિસાર સેટેલાઇટમાંના અત્યાધુનિક રાડારની મદદથી ખેતીવાડીના વિવિધ પાકનો કેટલો વિકાસ થયો,જમીનમાં કેટલો ભેજ છે, સમુદ્રની સપાટીમાં કોઇ ફેરફાર થયા અને કેટલા પ્રમાણમાં થયા, પહાડોમાં થતી અકળ ગતિવિધિ વગેરેની સચોટ અને બહુ ઉપયોગી માહિતી મળી શકશે.
નિસાર સેટેલાઇટનું રાડાર એન્ટેના રિફ્લેક્ટર કઇ કામગીરી કરશે ?
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે નિસાર સેટેલાઇટમાં રાડાર એન્ટેના રિફ્લેક્ટર બહુ જ મહત્વનું વૈજ્ઞાનિક ઉપકરણ છે.રિફ્લેક્ટરનો આકાર મોટા કદના ગોળ ડ્રમ(પાણી અથવા અનાજ ભરવાનું મોટું પીપડું) જેવો છે. તેનો વ્યાસ ૩૯ ફૂટ(૧૨ મીટર) છે. નિસાર તરતો મૂકાશે ત્યારે આ જ રાડાર એન્ટેના રિફ્લેક્ટર અનંત બ્રહ્માંડમાંથી સુક્ષ્મ માઇક્રોવેવ સિગ્નલ્સ ઝીલવાની સૌથી મહત્વની કામગીરી કરશે. આ જ કામગીરીથી નિસાર સેટેલાઇટ દર ૧૨ દિવસે પૃથ્વીના વિરાટ ગોળાનો વિશિષ્ટ પ્રકારનો નકશો તૈયાર કરી શકશે.
નિસાર સેટલાઇટ દર 12 દિવસે પૃથ્વીના વિરાટ ગોળાનો નકશો તૈયાર કરશે :
ડો. નીલેશ કુમાર દેસાઇએ બહુ મહત્વનું ટેકનિકલ પાસું સમજાવતાં ગુજરાત સમાચારને કહ્યું છે કે નિસાર સેટેલાસટ મૂળભૂત રીતે રાડાર ઇમેજિંગ મિશન છે. નિસારમાં સિન્થેટિક એપર્ચર રડાર ઇન્સ્ટ્રુમેન્ટ(એસ.એ.આર.), એલ બેન્ડ એસ.એ.આર., એસ બેન્ડ એસ.એ.આર., એન્ટેના રિફ્લેક્ટર વગેરે વૈજ્ઞાનિક ઉપકરણો છે .આ જ અત્યાધુનિક ઉપકરણોની મદદથી નિસાર અંતરિક્ષમાં રહીને પણ પૃથ્વી પરની ફક્ત એક સેન્ટીમીટર જેટલી વસ્તુની અને તેની હિલચાલની સ્પષ્ટ ઇમેજ(છબી) લઇ શકશે.
વિશ્વનો પહેલો પ્રયોગ : નિસાર દ્વારા ભૂકંપનો સંકેત આપી શકાશે :
નિસાર વિશ્વનો પહેલો સેટેલાઇટ હશે જેના દ્વારા પૃથ્વીના વિરાટ ગોળાના પેટાળમાં થતી અકળ અને ભયંકર ગતિવિધિનો પણ સંકેત મળી શકશે. એટલે કે પૃથ્વીના ભૂગર્ભમાંના મહાકાય ભૂખંડોમાં કોઇ જોખમી હિલચાલ થતી હોય તો તેના મહત્વના ડેટા મળશે. આ જ ડેટાના ગહન અભ્યાસ દ્વારા ધરતીકંપનો સંકેત આપી શકાશે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ હશે.
આમ તો વિવિધ પ્રકારના આધુનિક ટેકનોલોજી સાથેના સેટેલાઇટ્સ દ્વારા હવામાનની સચોટ આગાહી કરી શકાય છે.આમ છતાં ભૂકંપની આગાહી કરી શકાય તેવી કોઇ જ સચોટ ટેકનિકલ યંત્રણા હજી સુધી વિકસાવી શકાઇ નથી. આમ છતાં નિસાર દ્વારા ભૂકંપનો સંકેત આપી શકાશે.
નિસાર દ્વારા તૈયાર થનારા પૃથ્વીના નકશામાં કઇ કઇ વિગતો હશે ?
નિસાર દ્વારા તૈયાર થનારા પૃથ્વીના નકશામાં પૃથ્વીના બરફીલા વિસ્તારોનું પ્રમાણ, સમુદ્રની સપાટી કેટલી ઉંચી થઇ,ભૂગર્ભ જળ સ્રોતના ભંડાર, પૃથ્વીના પેટાળમાંના ભૂખંડોમાં થઇ રહેલી અકળ ગતિવિધિ, જ્વાળામુખીમાં થઇ રહેલી જોખમી ગતિવિધિ, એન્ટાર્કટિકામાં ઓગળી રહેલી બરફની વિશાળ કદની પાટો અને હિમશીલાઓમાં તથા હિમાલય અને યુરોપની બરફીલી પર્વતમાળાની હિમ નદીઓમાં થઇ રહેલા ફેરફાર, મહાસાગરો અને સમુદ્રોની સપાટીમાં થઇ રહેલો વધારો, સુનામી, પર્વતોની ભેખડો ધસી પડવી, ગાઢ જંગલો, પર્વતો, કૃષિની જમીનમાં થઇ રહેલા ફેરફાર તથા પૃથ્વીના વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડનું વધી રહેલું પ્રમાણ અને તેની સમગ્ર જીવસૃષ્ટિ પર કેવી કેવી અસર થાય છે વગેરે પાસાંનો મહત્વનો અને ઉપયોગી સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. આમ નિસાર સેટેલાઇટ ખરેખર તો અત્યાધુનિક વેધશાળાની વિશિષ્ટ કામગીરી કરશે.