ચીનની સરહદે નવા પ્રકારના 'સૈનિકો ' તૈનાત થશે

વર્ષ ૨૦૨૦માં ભારત-ચીનની સરહદે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો બિલકુલ
આમનેસામને આવી ગયા હતા. એ સમયે એક તરફ બંને દેશોના લશ્કરી અને સરકારી અધિકારીઓ
વચ્ચે બંને દેશ વચ્ચેનું ટેન્શન હળવું કરવાની ચર્ચાઓ ચાલતી હતી, ત્યારે બીજી તરફ બંને દેશના સૈનિકો એકમેક સાથે બંદૂક નહીં, પરંતુ હાથોહાથની લાઠીઓ સાથેની લડાઈ લડી રહ્યા હતા. ચીની સૈનિકોએ તેમની લાઠી પર
ખીલીઓ ખોસી હતી. પરિણામે એ લાઠીનો માર પણ જીવલેણ બને તેમ હતો. સામે ભારતીય સૈનિકોએ
પણ બહાદૂરી બતાવી. છેવટે બંને પક્ષે
સૈનિકોએ જીવ ગુમાવ્યા. વર્ષો પછી પહેલી વાર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવું
જીવલેણ ઘર્ષણ થયું.
હવે આવી સ્થિતિ ઊભી થાય ત્યારે ભારતીય સૈનિકોએ તેનો સામનો કરવા માટે જુદી રીતે
તૈયાર રહેવું પડશે.
ચીન તેની સરહદો પર સૈનિકો તરીકે હ્યુમનોઇડ રોબોટ્સ (કામકાજ અને દેખાવ બંનેમાં માણસ જેવાં મશીન) ને ડિપ્લોય કરવાની તૈયારી કરી
રહ્યું છે. આ માટે ચીનના શેનઝેનમાંની એક રોબોટિક કંપનીએ તેના લેટેસ્ટ હ્યુમનોઇડ
રોબોટ્સના મોડેલ સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. શરૂઆતમાં આ રોબોટ્સ ચીનની
વિયેટનામ સાથેની સરહદ પર ગોઠવવામાં આવશે. આ માટે કંપનીએ એક ખાસ હ્યુનોઇડ રોબોટિક્સ
ટેસ્ટિંગ સેન્ટર પણ ઊભું કર્યું છે. આ રોબોટ્સ તેમની બેટરી ઊતરી જાય ત્યારે તેને
આપોઆપ બદલી નાખવા પણ સક્ષમ રહેશે.
શરૂઆતમાં બોર્ડર મેનેજમેન્ટ માટે, ચીનમાં સત્તાવાર રીતે આવતા
જતા ટ્રાવેલર્સના ગાઇડન્સ માટે તથા જનરલ લોજિસ્ટિક્સ માટે આ હ્યુમનોઇડ્સનો ઉપયોગ
થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારના રોબોટ્સ આ મહિનાથી જ ડ્યૂટી જોઇન કરી
લે તેવી શક્યતા છે.
જોકે આ હ્યુમનોઇડ રોબોટ્સને ક્યારે ફુલફ્લેજ્ડ સોલ્જરમાં ફેરવી નાખવામાં આવે
અને ક્યારે ભારત સાથેની સરહદે તેમનો ઉપયોગ થાય એ કહી શકાય નહીં.

