વિકિપીડિયાની વાહ વાહ આપણે ઘણી સાંભળીએ છીએ, છતાં તેનાં ઘણાં પાસાંથી અજાણ રહીએ છીએ
જાન્યુઆરી ૨૦૦૧માં શરૂ થયેલ વિકિપીડિયા આજે જગતનો જ્ઞાનનો સૌથી મોટો સ્રોત છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિકિપીડિયા પર ફક્ત અંગ્રેજી ભાષાના લેખોની સંખ્યા ૭૦ લાખ, ૭૦ હજારના આંકને વટાવી ગી છે. આટલા લેખથી, આ ઓનલાઇન એન્સાયક્લોપીડિયાએ જેનું અસ્તિત્વ જ નામશેષ કરી નાખ્યું એ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના ૨૦૦૦ દળદાર ગ્રંથો પ્રિન્ટ થઈ શકે! આ તો ફક્ત અંગ્રેજી લેખોની વાત થઈ, વિકિપીડિયા પરના તમામ લેખો સમાવવા માટે બ્રિટાનિકાના ૧૫,૦૦૦થી વધુ ગ્રંથો પ્રિન્ટ કરવા પડે એવો અંદાજ છે! વિકિપીડિયા પર ૩૦૦થી વધુ ભાષાઓમાં લેખ વાંચી શકાય છે.
કોઈ પણ લખી શકે અને કોઈ પણ લેખમાં સુધારા-વધારા કે બાદબાકી કરી શકે એવા સ્વરૂપને કારણે વિકિપીડિયાનું કદ વધતું જાય છે તેમ તેમ તેના લેખોની ચોક્કસાઈ વિશે શંકાઓ પણ ઊઠતી રહે છે. તેમ છતાં, વખતોવખતના નિષ્ણાતોના અભ્યાસો બતાવે છે કે વિકિપીડિયા પરના લેખ ખાસ્સા વિશ્વસનીય છે.
આ બધું હોવા છતાં, અને આપણે સૌ અવારનવાર જુદા જુદા વિષયો વિશે થોડી વધુ માહિતી મેળવવા માટે વિકિપીડિયાની મુલાકાત લેતા હોવા છતાં, માહિતીના આ વિરાટ સ્રોતનો આપણે પૂરતો લાભ લેવાનું ચૂકી જઈ છીએ.
સામાન્ય રીતે ઇન્ટરનેટ પર આપણે કંઈ પણ સર્ચ કરવું હોય તો પહેલાં ગૂગલિંગ કરીએ છીએ કે હવે કોઈ પણ એઆઇ સર્વિસને પૂછી લઈએ છીએ. ગૂગલની વાત કરીએ તો એમાં મોટા ભાગે શરૂઆતમાં વિકિપીડિયાના લેખની લિંક મળે અને તેના પર ક્લિક કરીને આપણે વિકિપીડિયામાંના એ લેખ પર પહોંચી જઈએ છીએ. આ આખી પ્રક્રિયામાં ઘણું ખરું આપણે વિકિપીડિયાના હોમપેજને બાયપાસ કરી દઈએ છીએ.
વાસ્તવમાં, આ હોમપેજ (https://en.wikipedia.org/wiki/Main_Page) વારંવાર જોવા જેવું છે. વિકિપીડિયાના સતત વિસ્તરતા કદને ધ્યાનમાં રાખીને તેના હોમપેજ પર વિવિધ માહિતી તારવવામાં આવે છે, જેના પર નિયમિત નજર રાખીએ તો આખી દુનિયાના વર્તમાન અને ભૂતકાળની ભાતીગળ માહિતીથી આપણે સતત માહિતગાર રહી શકીએ છીએ.
હોમપેજ પર પર દરરોજ નિયમિત રીતે, એક ફીચર્ડ આર્ટિકલ મૂકાય છે. તમે ઇચ્છો તો આ આર્ટિકલ ઇ-મેઇલ દ્વારા પણ મેળવી શકો છો.
‘ઇન ધ ન્યૂઝ’ વિભાગમાં આખા જગતના દૈનિક સમાચારો તારવવામાં આવે છે. દુનિયાના ખૂણે ખૂણામાં બનતી મહત્ત્વપૂર્ણ બાબતો અને ખાસ તો તેના સંદર્ભ પર દરરોજ અછડતી નજર નાખવામાં આવે તો એ જનરલ નોલેજ વધારવામાં બહુ મદદરૂપ થાય. જેમ કે હમણાં બહુ ચર્ચાસ્પદ બનેલા ગાઝા યુદ્ધની સમગ્ર ટાઇમલાઇન સુધી અહીંથી પહોંચી શકાય.
યાદ રહે, વિકિપીડિયાના હોમપેજ પર સમગ્ર વિશ્વની વાતો હોય છે એટલે આપણને કરન્ટ અફેર્સ, ખાસ કરીને ગ્લોબલ ન્યૂઝથી અપડેટેડ રહેવાની આદત ન હોય તો શરૂઆતમાં અહીં આપેલી વાતો આપણને બિલકુલ સમજાય નહીં એવું બની શકે, પણ આદત કેળવાતાં આંખો અને સમજ ખૂલતાં જાય!
‘ઓન ધીસ ડે’ વિભાગમાં, જે તે દિવસે આખી દુનિયામાં ભૂતકાળમાં જે કંઈ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની હોય તેની તારવણી જાણવા મળે છે.
સામાન્ય રીતે, આપણે સીધા વિકિપીડિયાના કોઈ નિશ્ચિત લેખ પર પહોંચતા હોવાથી, આ સાઇટ પર વિવિધ વિષયોના મહત્ત્વપૂર્ણ લેખો અને અન્ય સંદર્ભસામગ્રીને તારવીને તે તમામનું નેવિગેશન સરળ બનાવતાં પોર્ટલ પણ છે એની લગભગ આપણને જાણ જ હોતી નથી.
એક રીતે જોઈએ તો પોર્ટલ એ વિકિપીડિયા માટે એન્ટ્રીપોઇન્ટ જેવું કામ કરે છે. આ રીતે પોર્ટલ બનાવવાની શરૂઆત પોલિશ અને જર્મન ભાષાના વિકિપીડિયા પર થઈ અને પછી એ કન્સેપ્ટ ઇંગ્લિશમાં પણ અપનાવવામાં આવ્યો.
‘ડીડ યુ નો’ વિભાગમાં જુદા જુદા લેખોમાંથી તારવેલી ટૂંકી માહિતી આપવામાં આવે છે, જોકે વિકિપીડિયાનું કદ એટલું મોટું છે કે અહીં અપાતી માહિતીની જાણ તો ન જ હોય, આપણને એ બિલકુલ ઉપયોગી ન હોય એવું પણ બની શકે છે!
અલબત્ત, આ રીતે હોમપેજ પરથી કે પોર્ટલ દ્વારા વિકિપીડિયા ફંફોસીએ કે પછી સીધા ગૂગલમાંથી કોઈ લેખમાં એન્ટ્રી મારીએ, એક વાત ચોક્કસ ઊડીને આંખે વળગે કે વિકિપીડિયાનો લેઆઉટ હજી પણ વર્ષોજૂનો અને કંટાળાજનક જ રહ્યો છે. ઇન્ટરનેટ પર બીજી બધી સાઇટ પર માહિતીની રજુઆત આકર્ષક બની રહી છે, પણ વિકિપીડિયામાં લગભગ કોઈ જ બદલાવ નથી. વિકિપીડિયાનું સ્વરૂપ જોતાં માહિતી આ રીતની રજૂઆત કદાચ અનિવાર્ય હશે, પણ સદભાગ્યે હવે તેને જરા મજેદાર બનાવવાના પ્રયાસ પણ થયા છે, જેમાં વિકિપીડિયાની પોતાની કોઈ ભૂમિકા નથી. મજાની વાત એ છે કે ‘સૌ કોઈ માટે બધી રીતે મુક્ત’ એવા વિકિપીડિયાના સ્વરૂપને કારણે જ આ શક્ય બની રહ્યું છે. આવા એક પ્રયાસ ‘વિકિવેન્ડ’ (https://www.wikiwand.com/) વિશે અગાઉ આપણે ‘ટેક્નોવર્લ્ડ’માં વાત કરી ગયા છીએ.

વિકિપીડિયામાં બોટ્સ પહેલેથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે
માની લો કે તમે, દુનિયાભરના વિશાળ જ્ઞાનકોષ જેવા વિકિપીડિયા પર કોઈ આર્ટિકલના પેજ પર પહોંચ્યા અને તેમાં તમે વાંચ્યું કે ‘‘ગીરનું જંગલ એશિયાઇ સિંહનું નિવાસસ્થાન છે.’’ આ વાક્ય તમને વાંધાજનક લાગે છે? ઉતાવળો જવાબ ન આપતા! આ નક્કર માહિતી છે એટલે વિકિપીડિયા પર તેની સામે વાંધો ઉઠાવી ન શકાય, પણ જો એ લેખ ગીરના જંગલને લગતો હોય તો! સુપર કમ્પ્યૂટર્સ વિશેના લેખમાં આ વાક્ય હોય તો ત્યાંથી તેને હટાવવું પડે કે નહીં?
વિકિપીડિયા પર આવું અવારનવાર બને છે. આપણે જાણીએ છીએ કે દુનિયાભરના લાખો સ્વયંસેવકો પોતપોતાની રીતે વિકિપીડિયાને વધુને વધુ સમૃદ્ધ બનાવતા જાય છે. તેઓ વિકિપીડિયા પર નવા લેખ ઉમેરે કે પછી વર્તમાન લેખમાં કંઈ સુધારો કે ઉમેરો કરે – વિકિપીડિયાની શરત એટલી જ કે એ વાત સાચી, નક્કર માહિતી હોવી જોઈએ અને તેનો કોઈને કોઈ રેફરન્સ પણ આપવો પડે.
વિકિપીડિયાના લેખકો/સંપાદકો તો પૂરી નિષ્ઠાથી આપણને સાચી માહિતી આપવા મથે છે, પણ તેમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ફેરફાર કરી શકતી હોવાથી વિકિપીડિયામાં ભાંગફોડની પ્રવૃત્તિ પણ બમણા જોરથી ચાલતી હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિકિપીડિયાના લેખોમાં ભૂલો કે છેડછાડ પકડી પાડવાનું કામ લાખો સ્વયંસેવકો ઉપરાંત ‘બોટ’ કરે છે!
શરૂઆતમાં ગીરના સિંહની વાત કરી, તેમ એક વાર વિકિપીડિયા પર અમેરિકાની સુપ્રીમ કોર્ટ વિશેના એક લેખમાં વિજ્ઞાનની દૃષ્ટિએ સાવ સાચું, પણ અદાલતના લેખમાં એકદમ વાંધાજનક એવું વાક્ય કોઈએ ઉમેરી દીધું હતું – ગણતરીની સેકન્ડમાં એ વાક્યને મૂળ લેખમાંથી ઉડાવી દેવામાં આવ્યું.
મજાની વાત હવે છે! આ છેડછાડ વિકિપીડિયાના કોઈ સજાગ એડિટરે નહીં, પણ એક ‘બોટ’એ પકડી પાડી હતી! ‘બોટ’ મૂળભૂત રીતે કમ્પ્યૂટર પ્રોગ્રામ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રતાપે પોતાના કામમાં જબરા પાવરધા બનતા જાય છે. વિકિપીડિયાને સમૃદ્ધ બનાવવામાં કે ભૂલ-મુક્ત રાખવામાં વિદ્વાનોનો ફાળો છે તેમ બોટનો પણ છે! નવા લેખો ઉમેરવા, ભૂલો શોધવી અને સુધારવી, શબ્દોને બીજા લેખો સાથે લિંક કરવા, લેખોને ટેગિંગ કરવું વગેરે જાતભાતનાં કામની જવાબદારી સંખ્યાબંધ બોટ્સ નિભાવે છે. સ્વીડિશ વિકિપીડિયા પર એક બોટે એક જ દિવસમાં દસેક હજાર લેખો ઉમેરી દીધા હતા!
નિષ્ણાતો માને છે કે ‘બોટ’ની મદદ વિના આજના વિરાટ વિકિપીડિયાની જાળવણી અશક્ય છે! એ જોતાં, હવે ઇલોન મસ્ક આખેઆખા વિકિપીડિયાને એઆઇ ચેટબોટની મદદથી સાવ નવું સ્વરૂપ આપી દે એમાં શી નવાઇ?!


