Science & Technology

યુપીઆઈ ફ્રોડ નાથવા આવી રહી છે નવી વ્યવસ્થા

By GS TEAM
16 Jul 20254 mins read
યુપીઆઈ ફ્રોડ નાથવા આવી રહી છે નવી વ્યવસ્થા

- ykÃkýu Ãku{uLx fheyu íÞkhu hf{ {kuf÷Lkkh yLku {u¤ðLkkh çktLkuLke ‘fwtz¤e’ íkÃkkMkðk{kt ykðþu - VxkVx

એક તરફ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી થતા પેમેન્ટની પ્રોસેસ વધુમાં વધુ ઝડપી બનાવવાની અને ફોનની બહાર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં તેને વિસ્તારવાની કોશિશ થઈ રહી છે, ત્યાં બીજી તરફ ફોનપે, ગૂગલપે, પેટીએમ વગેરે તથા અન્ય યુપીઆઇ એપથી આપણે પેમેન્ટ કરવાની શરૂઆત કરીએ ત્યારે જાણી જોઇને, ઇરાદાપૂર્વક પ્રોસેસ લંબાવવામાં આવે એવા પણ પ્રયાસો થઈ રહ્યા છે!

જોકે વાત આપણા ફાયદાની જ છે.

અત્યારે કેવી સ્થિતિ છે?

અત્યારે ભારતમાં યુપીઆઇનો ઉપયોગ જબરજસ્ત વધ્યો છે. આખી વ્યવસ્થા પોતે જડબેસલાક છે, પરંતુ તેની બારીક આંટીઘૂંટીઓ વિશે લોકોમાં પૂરતી સમજ ન હોવાને કારણે યુપીઆઇ સંબંધિત ફ્રોડ પણ સતત વધી રહ્યા છે.

ફ્રોડ થવાનું એક મોટું કારણ એ છે કે મોટી ઉંમર અથવા અપૂરતા શિક્ષણને કારણે લોકોને યુપીઆઇનો ઉપયોગ કરવાની પૂરતી ફાવટ ન હોય તેમ છતાં તેઓ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. એ વાતનો છેતરપિંડી કરનારા લોકો ગેરલાભ લે છે. તેઓ જાતભાતની અનેક ટ્રિક અજમાવીને આપણને શિશામાં ઉતારે છે. અને આપણા ખાતામાંથી તેમનાં ખાતામાં રકમ સેરવી લે છે.

એ પણ હકીકત છે કે આ તરકીબોમાં યંગ જનરેશન કે ભણેલાગણેલા લોકો પણ ફસાઈ જાય છે.

અલબત્ત આ તકલીફનો સામનો કરવા માટે વિવિધ ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે.

જોખમી નંબર્સનો વિરાટ ડેટાબેઝ

સાયબર ફ્રોડ થયા પછી ૧૯૩૦ નંબર પર કોલ કરીને અથવા સાયબર ફ્રોડ સંબંધિત નેશનલ પોર્ટલ પર (https://cybercrime.gov.in/) ફરિયાદ  નોંધાવી શકાય છે. એ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને ‘ચક્ષુ’ નામે એક પોર્ટલ (https://www.sancharsaathi.gov.in/sfc/) પણ શરૂ થયું છે. જેના પર આપણે ફ્રોડ સંબંધિત કે શંકાસ્પદ લાગતા ફોન નંબર પર પણ રિપોર્ટ કરી શકીએ છીએ.

પાછલાં થોડા વર્ષોમાં શરૂ થયેલા આ બધા પ્રયાસોને કારણે ગૃહ મંત્રાલય પાસે જોખમી ફોન નંબર્સનો એક વિરાટ ડેટાબેઝ તૈયાર થતો જાય છે. તેમાં બે પ્રકારના ફોન નંબર હોય છે. એક છે સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકોનો ફોન નંબર અને બીજો પ્રકાર છે જે નંબરથી સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હોય તે છેતરપિંડી કરતી ટોળકીઓના ફોન નંબર.

હવે આ ડેટાબેઝ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કામે લગાડવામાં આવી રહી છે. એ ઉપરાંત આ બંને પ્રકારના ફોન નંબર પરથી થતી એક્ટિવિટીને પણ વિવિધ રીતે તપાસવામાં આવે છે. એ કારણે જે નંબર પર કે જે નંબર પરથી સાયબર ફ્રોડ થવાની પૂરી સંભાવના હોય તેના પર યુપીઆઇથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે સુરક્ષા કવચ જેવું કામ આપતી સિસ્ટમ્સ આપોઆપ એક્ટિવ થશે.

એ કારણે રકમ ગમે તે હોય પણ એ લેવડદેવડની યોગ્યતા વિવિધ રીતે તપાસવામાં આવશે. જો કંઈ પણ ગરબડ લાગે તો તેને જોખમી લેવડદેવડ તરીકે માર્ક કરવામાં આવશે અને જરૂરી લાગે તો એ પેમેન્ટ અટકાવી દેવામાં આવશે.

આ વ્યવસ્થા કઈ રીતે કામ કરશે?

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડીઓટી)એ આ વર્ષમાં ‘ફાયનાન્સિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર’ નામે એક માળખું તૈયાર કર્યું છે. તેને આધારે સમગ્ર ભારતના યુપીઆઇ યૂઝર્સને મીડિયમ, હાઇ કે વેરી હાઇ ફાયનાન્સિયલ રિસ્ક એવી અલગ અલગ કેટેગરીમાં વહેંચી નાખવામાં આવશે.

એ માટે જે તે યૂઝરની ઉંમર, તેમનું બેંક એકાઉન્ટ કેટલા સમયથી યુપીઆઇ સાથે કનેક્ટેડ છે, તેમાં અગાઉ કોઈ ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે કે કેમ તથા જે બે નંબર વચ્ચે લેવડદેવડ થઈ રહી છે તેમાં ફ્રોડની કોઈ હિસ્ટ્રી છે કે કેમ વગેરે બાબતો તપાસવામાં આવશે.

તેની સાથોસાથ જે બે વ્યક્તિ વચ્ચે રૂપિયાની લેવડદેવડ થતી હોય એ બંને એકબીજાના ફોનની કોન્ટેક્ટ બુકમાં કોન્ટેક્ટ તરીકે સેવ્ડ છે કે કેમ, તેમની વચ્ચે થતા કોલની હિસ્ટ્રી શી છે, દિવસને બદલે મોડી રાત જેવા સમયે કોલ કે મેસેજની આપલે થાય છે કે કેમ, બંનેમાંથી કોઈ એક નંબર પર ઉપરાઉપરી, ધડાધડ કોલ કરવામાં આવે છે કે કેમ વગેરે બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે.

જો તમે કે તમારા પરિચિતોમાંથી કોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યું હશે તો તમે જાણતા જ હશો કે ફ્રોડ સમયે આવું જ બધું થતું હોય છે.

નવી વ્યવસ્થામાં, જ્યારે પણ યુપીઆઇથી પેમેન્ટ પ્રોસેસ શરૂ થાય ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં લઇને એ પેમેન્ટ ફ્રોડ સંબંધિત હોઈ શકે કે કેમ તે તપાસવામાં આવશે અને જરૂર પડે તો પેમેન્ટ અટકાવી દેવામાં આવશે.

ટેકનોલોજીની કમાલ એ છે કે આ બધી તપાસ ગણતરીની સેકન્ડ્સમાં થશે. આપણે પોતાની યુપીઆઇ પેમેન્ટ એપથી પેમેન્ટ કરી રહ્યા હોઈશું ત્યારે આપણને ખબર પણ નહીં પડે કે વચ્ચે આપણા મહેનતના રૂપિયા બચાવવા માટે ઢાલ જેવી સિસ્ટમ એક્ટિવ થઈ છે. આ પ્રોસેસને કારણે આપણા પેમેન્ટની પ્રોસેસ પૂરી થવામાં થોડી સેકન્ડનો વિલંબ થઈ શકે છે પરંતુ આપણે ફ્રોડનો ભોગ બનતા બચી જઇએ તેવી પૂરી શક્યતા રહેશે!