Smart Mirror: દરેક વ્યક્તિના ઘરે મિરર એટલે કે અરીસો હોય છે. જોકે હવે આ અરીસામાં પણ એક નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અરીસો હવે જે-તે યુઝર્સની હેલ્થ વિશે માહિતી આપશે. સાયન્સ ફિક્શન ફિલ્મમાં જે રીતના ગેજેટ્સ દેખાડવામાં આવે છે એવા ગેજેટ્સ હવે CES 2026માં લોન્ચ થઈ રહ્યાં છે. લાસ વેગાસમાં ચાલી રહેલા આ કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં એક પછી એક સ્માર્ટ ડિવાઇસ લોન્ચ થઈ રહી છે. હાલમાં જ ડિજિટલ હેલ્થ ટેક કંપની ન્યુરોલોજિક્સ દ્વારા તેમની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. આ કંપની દ્વારા સ્માર્ટ મિરર લોન્ચ કરવામાં આવ્યો છે. એમાં યુઝર પોતાનો ચહેરો જોતા જ એ અરીસો જે-તે વ્યક્તિની હેલ્થ વિશે જણાવી દેશે. એનું નામ લૉન્ગેવિટી મિરર છે.
CES 2026માં દેખાડવામાં આવ્યો ડેમો
CES 2026માં આ વખતે એક ખાસ જગ્યા રાખવામાં આવી છે જ્યાં દરેક કંપની પોતાની પ્રોડક્ટના ડેમોને દેખાડી શકે છે. આ જગ્યાએ ન્યુરોલોજિક્સ દ્વારા તેમનો મિરર રાખવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ મિરરની સામે ઊભા રહે છે તેમને હેલ્થ વિશેની માહિતી આપવામાં આવે છે.
AIની મદદથી કરવામાં આવે છે ચહેરાને એનાલાઇઝ
આ મિરરમાં એક કેમેરા લગાવવામાં આવ્યો છે. આ કેમેરા 30 સેકન્ડનો એક વીડિયો રેકોર્ડ કરે છે. આ વીડિયોને AIની મદદથી એનાલાઇઝ કરવામાં આવે છે. ત્યાર બાદ એ વિશે માહિતી આપવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ઘર બેઠા પણ આ અરીસાનો ઉપયોગ કરી શકે છે. CES 2025માં ન્યુરોલોજિક્સ દ્વારા અનુરા મેજિક મિરરને લોન્ચ કરવામાં આવ્યો હતો જે પણ હેલ્થ વિશે માહિતી આપતો હતો. જોકે એ મિરર સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નહોતો.
લૉન્ગેવિટી મિરર માર્કેટમાં આવશે કે નહીં?
આ વર્ષે જે લૉન્ગેવિટી મિરરને લોન્ચ કરવામાં આવ્યું છે એને સામાન્ય વ્યક્તિ માટે પણ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ એ લોકો માટે ઉપયોગી હશે જે પોતાની હેલ્થને લઈને ખૂબ જ સચેત રહેવા માગે છે અને સતત તેમને માહિતી જોઈતી હોય છે. કંપની પાસે પોતાની પેટન્ટ કરેલી ટ્રાન્સડર્મલ ઓપ્ટિકલ ઇમેજિંગ ટેક્નિક છે. આથી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સેલ્ફી વીડિયોને એનાલાઇઝ કરવામાં આવે છે અને ત્યાર બાદ માહિતી આપવામાં આવે છે. એમાં બ્લડ ફ્લોથી લઈને વિવિધ માહિતીને એનાલાઇઝ કરવામાં આવે છે. આ જે માહિતી આપવામાં આવે છે એમાં લાઇફસ્ટાઇલ અને ફિઝિયોલોજિકલ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે.
હેલ્થ પર કામ કરવાની સલાહ પણ આપશે AI
આ સ્માર્ટ મિરરની અંદર હેલ્થને વધુ સારી બનાવવા માટે કેટલાક સજેશન આપવાનું ફીચર પણ છે. આ મિરરમાં AI હેલ્થ આસિસ્ટન્ટ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે દરેક બાબતને ખૂબ જ સારી રીતે સમજે છે. ત્યાર બાદ યુઝરની હેલ્થની માહિતી આપ્યા બાદ જો એમાં કઈ સુધારો કરવો હોય તો લાઇફસ્ટાઇલમાં બદલાવ કરવા માટેના સજેશન પણ આપે છે. એમાં પૂરતી ઊંઘ લેવી, એક્ટિવિટી કરવી અને સ્ટ્રેસ લેવાથી દૂર રહેવું વગેરે જેવા પર્સનલ રિકમેન્ડેશન હોઈ શકે છે.


