ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ્રસ વચ્ચે શેર્ડ ફીડની સગવડ આપતું નવું ફીચર
ઓટીટી પ્લેટફોર્મ્સ પર વોચપાર્ટી ફીચરથી તમે પરિચિત હશો. એમ યુટ્યૂબમાં શેર્ડ પ્લે લિસ્ટ બનાવી શકાય છે - એમાં
સામેલ કોઈ પોતાને ગમતા વીડિયો તેમાં ઉમેરે અને તેની સહિયારી મજા માણે. કંઈક એ જ
રીતે ઇન્સ્ટાગ્રામમાં એક નવું ફીચર ઉમેરાયું છે - બ્લેન્ડ.
આ ફીચરની મદદથી આપણે પોતાના મિત્રો સાથે વ્યક્તિગત રીતે અથવા ગ્રૂપ ચેટમાં
પોતાના ડાયરેક્ટ મેસેજિસની જ અંદર એક શેર્ડ ફીડ તૈયાર કરી શકીએ છીએ. મતલબ કે આપણા
અને આપણા નજીકના મિત્રોના ઇન્ટરેસ્ટ લગભગ એક સરખા હોય અને એ અનુસાર, આપણે વિવિધ રીલ્સ આપણે મિત્રો સાથે શેર કરતા રહેતા હોઇએ તો હવે સૌની એક શેર્ડ
રીલ્સ ફીડ તૈયાર કરી શકાશે. આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ માટેની ઇન્સ્ટાગ્રામ એપમાં
લાઇવ થઈ ગયું છે.
આ ફીચરને કારણે ઇન્સ્ટાગ્રામ હજી વધુ સોશિયલ બને છે. કેમ કે આપણી જેમ આપણા
ફ્રેન્ડ્ઝ પણ ઇન્સ્ટાગ્રામ પર લગભગ આપણા જ રસના વિષયોનાં રીલ્સ જોતા હોય તો એ
શેર્ડ ફીડમાં શેર થવાથી આપણે પણ સહેલાઈથી જોઈ શકીએ છીએ. તકલીફ ત્યારે થાય જ્યારે
આપણા અને મિત્રોના ઇન્ટરેસ્ટ બદલાતા રહે. ઉપરાંત, શેર્ડ ફીડને કારણે આપણે કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઇએ છીએ તે આપણા બધા
ફ્રેન્ડ્ઝ પણ જોઈ શકે છે. શેર્ડ ફીડમાં તેમની સાથે શું શેર થશે તેને આપણે કોઈ રીતે
કંટ્રોલલ કરી શકતા નથી. આથી આપણા બધા જ ઇન્ટરેસ્ટ બ્લેન્ડમાંના ફ્રેન્ડ સાથે શેર
થાય છે. અલબત્ત આ ફીચર પ્રાઇવેટ છે અને આપણા ડાયરેક્ટ મેસેજિસના ગ્રૂપમાં સામેલ
લોકો જ તેને જોઈ શકે છે.
આ ફીચરનો લાભ લેવા તમે ઇન્સ્ટાગ્રામ એપ અપડેટ કરી લો. પછી એન્ડ્રોઇડ કે
આઇફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને ચેટમાં જાઓ. આ ચેટ વન-ટુ-વન અથવા ગ્રૂપ ચેટ
હોઈ શકે છે.
અહીં જમણી તરફ ઉપર બ્લેન્ડ બટન જોવા મળશે. તેને ક્લિક કરી જોઇન પર ક્લિક કરો. હવે આપણે આ બ્લેન્ડમાં
જોડાવા માટે અન્ય લોકોને ઇનવાઇટ કરી શકીશું. એ પછી એ લોકો બ્લેન્ડ મોડમાં જોડાઈ
શકશે. એ પછી ડાયરેક્ટ મેસેજિસમાં બ્લેન્ડ મોડમાં આપણા ઇન્ટરેસ્ટ અનુસાર
પર્સનલાઇઝ્ડ ફીડ આપણે પોતાના ફ્રેન્ડ્ઝ સાથે જોઈ શકીએ છીએ. અહીંથી જ આપણે જે તે
રીલ પર રીએક્ટ કરી શકીએ કે કમેન્ટ કરી શકીએ. આપણે ઇચ્છીએ ત્યારે બ્લેન્ડ મોડમાંથી
એક્ઝિટ પણ થઈ શકીએ છીએ. એ યાદ રાખશો કે આપણે બ્લેન્ડ મોડ શરૂ કરીએ એ પછી એ શેર્ડ
ફીડમાં શું જોવા મળશે તેના પર આપણો કંટ્રોલ નથી. બ્લેન્ડ મોડમાં જોડાયેલા લોકોની
હિસ્ટ્રીના આધારે ઇન્સ્ટાગ્રામ ઓટોમેટિકલી રીલ્સ પસંદ કરીને આ ફીડમાં બતાવે છે.