FOLLOW US

ડિજિટલ મેપ્સમાં ઉમેરાયું નવું પરિમાણ .

Updated: Jan 25th, 2023

આપણું ખરા અર્થમાં માર્ગદર્શન કરતી ટેકનોલોજી વિવિધ રીતે વિસ્તરી રહી છે

તમે ક્યારેક ને ક્યારેક ઓલા, ઉબર જેવી ટેકસી સર્વિસ કે રેપીડો જેવી રિક્ષા સર્વિસનો ઉપયોગ કર્યો હશે. આમ કરતી વખતે આપણે બુક કરાવેલી ટેક્સી કે રિક્ષા આપણા તરફ આવી રહી છે તેવું પોતાના સ્માર્ટફોનમાં મેપ પર જોઈ શકીએ, ટેક્સી કે રિક્ષા આપણી નજીક પહોંચી પણ જાય, પરંતુ ઘણી વાર એવું બને કે આપણે એક્ઝેટલી ક્યાં ઊભા છીએ એ ટેક્સી કે રિક્ષાના ડ્રાઇવરને સમજાવવા તેમની સાથે ફોન પર વાત કરવી પડે. ડ્રાઇવરને કહેવું પડે કે તમારી ડાબી કે જમણી તરફ દેખાતી કોઈ દુકાન કે મંદિર વગેરે જગ્યા વિશે આપણને કહે તો તેના આધારે આપણે પોતે ક્યાં ઊભા છીએ એ ડ્રાઇવરને સમજાવી શકીએ.

સ્માર્ટફોનના સ્ક્રીન પર મેપમાં ડ્રાઇવરનું અને આપણું લોકેશન ખાસ્સી સચોટ રીતે દેખાતું હોવા છતાં આવો પ્રોબ્લેમ કેમ થાય છે?  આપણે આજુબાજુ દેખાતી વિગતોને આધારે એકબીજાને લોકેશન કેમ સમજાવવું પડે છે?

આ સવાલ જેમ આપણને ગૂંચવે છે તેમ ડિજિટલ મેપ્સની ટેકનોલોજીમાં રચ્યાપચ્યા રહેતા નિષ્ણાતોને પણ લાંબા સમયથી ગૂંચવતો હતો.

અત્યાર સુધી ડિજિટલ મેપ પર કોઈ પણ બાબતનું લોકેશન નક્કી કરવામાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ની મુખ્ય ભૂમિકા હતી. વર્ષોના અનુભવ પછી નિષ્ણાતોને સમજાયું કે જીપીએસ સિસ્ટમ બધી રીતે ઘણી સારી છે, તેમ છતાં તેમાં હજી ઘણી બાબતો અધૂરી રહે છે. આ અધૂરી બાબતો પૂરી કરવા માટે નિષ્ણાતોએ જીપીએસને પૂરક નિવડે તેવી વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ (વીપીએસ) વિકસાવી છે.

આ નવી ટેકનોલોજી સ્માર્ટફોન મારફત લોકોના હાથમાં પહોંચી ગઈ છે. જોકે આપણા હાથમાં પહોંચે તે દિવસો દૂર છે. અત્યારે ન્યૂ યોર્કના મેનહટ્ટનમાં તેનો ઉપયોગ શક્ય છે, પણ વહેલામોડી મહેસાણામાં પણ આવશે!

છતાં આ બંને સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેનાં રોમાંચક પાસાંઓ પર નજર ફેરવવા જેવી છે, કેમ તે આજની ડિજિટલ લાઇફમાં બંનેનો ઉપયોગ સતત વધવાનો છે.


‘જૂની’ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)

આપણે હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) વિશે ઘણું જાણીએ છીએ. આ સિસ્ટમ સેટેલાઇટ્સને આધારે પૃથ્વી પર આપણું લોકેશન નક્કી કરી શકે છે. મૂળ અમેરિકાએ પોતાના લશ્કરી હેતુઓ માટે આ સિસ્ટમ વિકસાવી અને પછી તેનો જાહેર ઉપયોગ પણ શક્ય બન્યો.

જીપીએસ સિસ્ટમમાં પૃથ્વી ફરતે અવકાશમાં ઘૂમતા ૩૦ નેવિગેશન સેટેલાઇટ્સના ઝૂમખાની મદદથી આપણું લોકેશન નક્કી થાય છે. આ સેટેલાઇટ્સ સતત સિગ્નલ્સ મોકલતા હોવાથી તે ક્યાં છે તે આપણે જાણી શકીએ છીએ. સ્માર્ટફોનના સંદર્ભે વાત કરીએ તો ડિજિટલ મેપ પર પોતાનું લોકેશન નક્કી કરવા માટે આપણા સ્માર્ટફોન સેટેલાઇટ્સનાં જીપીએસ સિગ્નલ્સ મેળવે છે. આવા ત્રણ કે ચાર સેટેલાઇટ્સનાં સિગ્નલ મળ્યા પછી સ્માર્ટફોન ચારેય સેટેલાઇટથી પોતાના અંતરની ગણતરી કરી છે અને તેને આધારે, નકશા પર પોતે ક્યાં છે તે નક્કી કરી શકે છે!

આપણે કારમાં ગતિ કરી રહ્યા હોઇએ ત્યારે પણ આ જ રીતે જીપીએસની મદદથી નકશા પર આપણું સતત બદલાતું લોકેશન બ્લ્યૂ ડોટ સ્વરૂપે જોઈ શકાય છે. અમેરિકાને પગલે દુનિયાના વિવિધ દેશોએ પોતપોતાની જીપીએસ જેવી સિસ્ટમ વિકસાવી છે. ભારતે પણ નાવિક (Navigation with Indian Constellation (NavIC) નામે પોતાની સિસ્ટમ વિકસાવી લીધી છે.

પરંતુ જીપીએસમાં એક પ્રોબ્લેમ છે. ખરેખર તો એક નહીં, બે પ્રોબ્લેમ છે.

પહેલી સમસ્યા એ છે કે જીપીએસ સેટેલાઇટ આધારિત વ્યવસ્થા હોવાથી ગગનચુંબી ઇમારતો ધરાવતાં શહેરોમાં ગ્રાઉન્ડ પરના સ્માર્ટફોનને નેવિગેશન સેટેલાઇટ્સ તરફથી આવતાં સિગ્નલ્સ રિસીવ કરવામાં ઘણા અવરોધ ઊભા થાય છે. આ કારણે ઘણી વાર નકશા પર આપણું લોકેશન એકદમ સચોટ રીતે જોવા મળતું નથી (તેના ઉપાય માટે એ- જીપીએસ એટલે કે આસિસ્ટેડ-જીપીએસ જેવી ટેકનિકનો ઉપયોગ થાય છે. તેમાં સ્માર્ટફોનમાં સેટેલાઇટ આધારિત જીપીએસ ઉપરાંત આપણું લોકેશન નક્કી કરવા માટે મોબાઇલના સેલ ટાવર્સ સાથેના સિગ્નલ્સની આપલે પણ ગણતરીમાં લેવામાં આવે છે).

જીપીએસનો બીજો પ્રોબ્લેમ છે ઓરિએન્ટેશન. આપણે સ્માર્ટફોન હાથમાં લઈને ચાલવાનું શરૂ કરીએ કે કારમાં આગળ વધીએ ત્યારે મેપ પર આપણી દિશા નક્કી થઈ શકે છે. પરંતુ ફોન હાથમાં લઇને ફક્ત ઊભા હોઇએ ત્યારે આપણે કઈ દિશામાં મોં રાખીને ઊભા છીએ તે ડિજિટલ મેપ પર નક્કી થઈ શકે નહીં!

જો આપણે ફોન હાથમાં લઇને  કોઈ દિશામાં ચાલી રહ્યા હોઈએ તો ફોનની સિસ્ટમ આપણી દિશા સમજીને આપણને કહી શકે કે ડાબી તરફ વળો કે જમણી તરફ વળો. આપણે ઊભા જ હોઈએ હોઈએ ત્યારે સિસ્ટમ આપણને કયા આધારે ડાબે-જમણે વળવાનું કહે?!

આમ જીપીએસ આધારિત સિસ્ટમમાં લોકેશન (સ્થાન) અને ઓરિએન્ટેશન (દિશામાન કે દિશાભાન) એ બે બાબતે ચોકસાઈનો અભાવ કે ગૂંચવણ રહે છે.

‘નવી’ વિઝ્‌યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ (VPS)

આપણે (મેપની ભાષામાં કહીએ તો ડાબી બાજુના લખાણમાં!) જોયું તેમ સેટેલાઇટ આધારિત જીપીએસ સિસ્ટમ સારી હોવાં છતાં તેમાં લોકેશન (સ્થાન) અને ઓરિએન્ટેશન (દિશામાન કે દિશાભાન) બાબતે ચોકસાઈનો અભાવ કે ગૂંચવણ રહે છે. ડિજિટલ મેપ્સની દુનિયામાં ક્રાન્તિ લાવનારી ગૂગલ કંપનીએ પાછલાં કેટલાંક વર્ષોથી આ તકલીફોના ઉપાય શોધવા પર ફોકસ કર્યું હતું. આ માટે કંપનીએ આપણે ઓલા-ઉબરની ટેકસી કે રિક્ષાના ડ્રાઇવરને છેવટે જે રીતે લોકેશન સમજાવીએ છીએ એ જ રીતનો ઉપયોગ કર્યો. એન્જિનીયર્સ માટે ચેલેન્જ એ હતી કે આપણી આ સાદી ટેકનિકનો ઉપયોગ વિરાટ સ્કેલ પર, આખી દુનિયામાં જુદી જુદી જગ્યાએ રહેલા લોકો માટે કેવી રીતે શક્ય બનાવવો?

આપણે કોઈ વ્યક્તિને પોતે રસ્તા પર ક્યાં ઊભા છે તે ફોન પર સમજાવવું હોય તો આપણી આજુબાજુ દેખાતી જગ્યાઓ વિશે એ વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરીએ. જેમ કે ‘‘જો તમારી સામે બ્રિજ દેખાતો હોય, તો તમારી ડાબી તરફ કોઈ મંદિર દેખાય છે?’’ આવી ‘વિઝ્યુઅલ ક્લુ’ને આધારે ફોન પર વાત કરતી બંને વ્યક્તિ એકબીજાને પોતે ચોક્કસ ક્યાં ઊભા છે તેનો અંદાજ આપી શકે.

વર્ષ ૨૦૧૮થી વિકસાવવામાં આવી રહેલી વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમમાં બરાબર આ જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ માટે ગૂગલે સ્માર્ટફોનના કેમેરા અને અન્ય સેન્સર્સ તથા તેના સર્વર્સમાં રહેલા દુનિયાભરના વિઝ્યુઅલ ડેટાને કામે લગાડ્યો છે! આપણે જાણીએ છીએ કે ગૂગલ છેક ૨૦૦૭થી સ્ટ્રીટ વ્યૂ પ્રોજેક્ટ હેઠળ, ખાસ વાહનો કે પગપાળા જતા ફોટોગ્રાફર્સની મદદથી દુનિયાભરની ગલીગૂંચીઓની ૩૬૦ ડિગ્રી ફોટોગ્રાફી કરે છે. ભારતમાં ગયા વર્ષે આ પ્રોગ્રામની ફરી એન્ટ્રી પછી ભારતનાં શહેરોની અનેક નાની મોટી ગલીઓની પણ સ્ટ્રીટ ફોટોગ્રાફી થઈ ચૂકી છે અને તેનો ડેટા ગૂગલ કે તેની સહયોગી કંપનીઓના સર્વર્સમાં પહોંચી ગયો છે.

આથી હવે જો આપણો સ્માર્ટફોન વિઝ્યુઅલ પોઝિશનિંગ સિસ્ટમ (વીપીએસ)ને સપોર્ટ કરી શકે તેવો હોય તો આપણે કોઈ જગ્યાએ ઊભા રહીને ફોનમાં મેપ્સ એપ ઓપન કરીએ અને તેમાં કોઈ જગ્યાએ પહોંચવા માટે ગૂગલ મેપ્સને માર્ગદર્શન કરવા કહીએ ત્યારે વીપીએસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

આવા સમયે ટેકનોલોજી કેવી કરામત કરે છે તે જુઓ. આપણે ફોનનો કેમેરા ઓપન કરીને આજુબાજુ દેખાતી બાબતો ફોનના કેમેરાથી સ્કેન કરવાની રહે છે. આપણી સામે કોઈ મંદિર, રેસ્ટોરાં કોઈ બિલ્ડિંગ વગેરે જે હોય તે કેમેરામાં કેપ્ચર થાય, મેપ્સની સિસ્ટમ કેમેરાને દેખાતી આ બધી બાબતો તેના પોતાના સર્વર્સમાં રહેલા સ્ટ્રીટ વ્યૂના ડેટાની ઇમેજિસ સાથે સરખાવે છે.

જીપીએસને આધારે મેપ્સ એપ્સને એટલો તો અંદાજ છે કે આપણે ક્યાં ઊભા છીએ. એ ઉપરાંત તેને ફોનના કેમેરા મારફત દેખાતી બાબતો અને એ લોકેશનની સ્ટ્રીટ વ્યૂ ઇમેજિસને આધારે ‘ખબર પડી જાય’ છે કે આપણે કઈ તરફ મોં રાખીને ઊભા છીએ! એ પછી ફોનના સ્ક્રીન પર, મેપ્સ એપમાં કેમેરા ઓન હોય ત્યારે સ્ક્રીન પર દેખાતી બાબતોને આધારે એરો બતાવી આપણું માર્ગદર્શન કરવામાં આવે છે કે આપણે જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચવા ડાબી તરફ જવાનું છે કે બીજી કોઈ દિશામાં!

આમ વીપીએસમાં મેપ એપ કેમેરા મારફત સિસ્ટમ આપણી આજુબાજુ દેખાતી બાબતો જુએ છે, તેને પોતાના સર્વરમાંના ડેટાબેઝ સાથે સરખાવે છે અને તેને આધારે જીપીએસમાં પેલી બે જે ખામીઓ રહી જતી હતી - લોકેશન (સ્થાન) અને ઓરિએન્ટેશન (દિશામાન કે દિશાભાન) માં ચોકસાઈનો અભાવ કે ગૂંચવણ - તેને દૂર કરે છે! આ બધું લગભગ આંખના પલકારામાં થાય છે!

આ વાત જીપીએસ, વીપીએસના વ્યક્તિગત ઉપયોગની થઈ, આ ટેકનોલોજી વાહનો કે ડ્રોનમાં પણ સચોટ માર્ગદર્શન કરી શકશે.

(GPS),(VPS) એકમેકના હરીફ નહીં, પૂરક છે

એ બરાબર ધ્યાનમાં રાખવા જેવું છે કે વીપીએસ એ જીપીએસનો વિકલ્પ નથી. બંને એકબીજાને પૂરક નીવડે છે. ઉપરાંત, અત્યારે જીપીએસની સુવિધા આખી દુનિયામાં ખૂણેખૂણાને આવરી લે છે, જ્યારે વીપીએસની હજી તો શરૂઆત થઈ છે.

ચોક્સાઈની રીતે જોઈએ તો, વીપીએસની શોધ જીપીએસ સચોટ નથી એટલા માટે જ થઈ છે, છતાં અત્યારે જીપીએસ વધુ ચોક્સાઇપૂર્વક લોકેશન બતાવી શકે છે. કારણ દેખીતું છે - વીપીએસને સચોટ રીતે કામ કરવા માટે હજી પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.

ગૂગલે હજી તો ન્યૂ યોર્ક, સાનફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, લંડન, પેરિસ અને ટોકિયો જેમાં અમુક શહેરોમાં જ વીપીએસ ટેકનોલોજી તેની ગૂગલ મેપ્સ સર્વિસમાં લોન્ચ કરી છે. બાકીનાં મોટાં શહેરોમાં તે આગામી મહિનાઓમાં આવી પહોંચે તેવી શક્યતા છે.

જ્યાં વીપીએસને પૂરતો ડેટા મળે છે ત્યાં તે ગજબની ચોક્સાઈથી કામ કરી શકે છે. તેનો ઉપયોગ બિલ્ડિંગની અંદર પણ શક્ય છે.  ભવિષ્યમાં કમ્પ્યૂટર વિઝન, મશીન લર્નિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી વગેરે ટેક્નોલોજી વધુ વિકસશે એ સાથે  ડ્રોન ડિલિવરી, રોબોટિક્સ, ઓટોમેશન, ઓટોનોમસ વ્હિકલ વગેરે બધામાં જીપીએસ અને વીપીએસ એકમેકના સાથમાં આપણું નવી રીતે માર્ગદર્શન કરશે!

Gujarat
English
Magazines