- આપણા રોજબરોજના જીવનને સ્પર્શતી વિવિધ બાબતોમાં વણાઈ રહી છે ચેટજીપીટી
જો ડિઝાઇનિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ કે ફોટો-વીડિયો એડિટિંગ તમારું પ્રોફેશન ન હોય તો એવી પૂરી શક્યતા કે તમે ‘એડોબ’ કંપનીના નામ કે તેના પ્રોગ્રામ્સથી ખાસ પરિચિત નહીં હો. બીજી તરફ, તમારો કમ્પ્યૂટર સાથે રોજબરોજનો થોડો ઘણો પણ પનારો હશે, તો તમે પીડીએફ ફાઇલ્સનો લગભગ રોજ ઉપયોગ કરતા હશો, જે એડોબની જ દેન છે! એ જ રીતે, તમે પોતે ભલે ફોટોશોપ પ્રોગ્રામમાં ક્યારેય કામ ન કરતા હો, તેની વિવિધ કરામતોથી તમે માહિતગાર હશો જ.
એડોબ કંપનીના આ બધા પ્રોગ્રામ હવે, માંડ ત્રણેક વર્ષ જૂની છતાં આપણી ‘ચિરપરિચિત’ બની ગયેલી ચેટજીપીટી સર્વિસમાં ઉમેરાઈ ગયા છે!
ચેટજીપીટી હવે ગૂગલ કરતાં પણ વધુ ઝડપથી આપણી ડેઇલી ડિજિટલ લાઇફના કેન્દ્રમાં આવવા લાગી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ગૂગલ મોટા ભાગે આપણને ફક્ત માહિતી આપે, જ્યારે ચેટજીપીટી આપણને જોઈતું લગભગ બધું કામ કરી આપે છે - ખાસ કશી કસરત કર્યા વિના!
ચેટજીપીટીનો સતત વધતો પ્રભાવ જોઈને જ વિવિધ કંપની પોતાનાં ટૂલ્સ ચેટજીપીટીમાં ઉમેરવા લાગી છે. ચેટજીપીટીને કંઈ પણ પૂછીએ એ તેનો ફક્ત એક ઉપયોગ થયો, હવે તેમાં વિવિધ એપ્સ કનેક્ટ કરીને વધુ ઊંડા ઊતરી જુઓ.

- વાત કરતાં કરતાં પ્રોફેશનલ્સ ટૂલ્સનો ઉપયોગ
લાંબા સમયથી, ધીમી પણ મક્કમ ગતિએ ચેટજીપીટી સર્વિસ આપણી રોજબરોજની વિવિધ પ્રવૃત્તિઓના બરાબર કેન્દ્રમાં પોતાનું સ્થાન જમાવવા લાગી છે. શરૂઆતમાં આપણે વિવિધ સવાલોના જવાબ મેળવવા કે કન્ટેન્ટ જનરેશન જેવા કામ માટે ચેટજીપીટી પાસે જતા હતા. એ પછી તેમાં સર્ચ એન્જિન ઉમેરાઈ ગયું. પછી તેમાં ઇમેજ જનરેશનની સગવડ ઉમેરાઈ. હવે ચેટજીપીટીમાં જ ‘પેપાલ’ પેમેન્ટ ફીચર પણ ઉમેરાઈ રહ્યું છે. તેમ જ આપણી ફોનપે એપમાં પણ ચેટજીપીટીની સર્વિસ ઉમેરાઇ ગઈ છે.
એટલું ઓછું હોય તેમ હવે એડોબ કંપનીએ પણ ચેટજીપીટી સાથે હાથ મિલાવ્યા છે.
આ કારણે હવે દુનિયાભરમાં પોપ્યુલર એડોબની ક્રિએટીવીટી અને પ્રોડક્ટિવિટી એપ્સનો ચેટજીપીટીમાં જ ઉપયોગ થઈ શકશે. મતલબ કે તમે એડોબ ફોટોશોપ, એડોબ એક્સપ્રેસ, એડોબ એક્રોબેટ જેવી એપ્સથી ખાસ પરિચિત ન હો તો પણ ચેટજીપીટીમાં તેનો ઉપયોગ કરી શકશો.
ચેટજીપીટીની ખાસિયત એ છે કે આપણે કોઈ મિત્ર સાથે વાત કરતા હોઇએ તે રીતે ખરા અર્થમાં વાત વાતમાં તેની પાસે જુદાં જુદાં કામ કરાવી શકીએ છીએ. બીજી બાજુ એડોબના પ્રોગ્રામની વિશેષતા એ છે કે તેમાં ફોટો એડિટિંગ અને ક્રિએટીવ ડિઝાઇન્સ ક્રિએટ કરવાનાં પાવરફુલ ટૂલ્સનો લાભ મળે છે. આ બંને વાત ચેટજીપીટીમાં ઉમેરાઈ જવાને કારણે આપણે ફક્ત વાતો કરીને ડિઝાઇન્સ ક્રિએટ કરી શકીશું.
જેમ કે આપણે કોઈ પારિવારિક પ્રસંગ માટે ઇન્વિટેશન કાર્ડ ડિઝાઇન કરવું હોય તો આપણને કેવી ડિઝાઇન જોઇએ છે, તેમાં કેવું કન્ટેન્ટ હોવું જોઇએ વગેરે માત્ર શબ્દોમાં ચેટજીપીટીને સમજાવવાનું રહેશે. આપણી ઇચ્છા સમજીને ચેટજીપીટી એડોબ એપ્સ કામે લગાડશે અને તેની મદદથી આપણને જોઇતું ઇન્વિટેશન કાર્ડ ડિઝાઇન કરી આપશે.
એડોબના પ્રોગ્રામ્સ ખાસ્સા ફીચરરીચ હોવાને કારણે તેનો ઉપયોગ પ્રોફેશનલ્સ માટે સહેલો છે પરંતુ ક્રિએટિવ ડિઝાઇન જેમનો સબ્જેક્ટ નથી તેવા લોકો તેનો સહેલાઈથી લાભ લઈ શકતા નથી. આ ટૂલ્સ સુધી પહોંચવું પણ મોટા ભાગના લોકો માટે મુશ્કેલ હોય છે.
બીજી તરફ હવે દુનિયાના કરોડો લોકો રોજેરોજ ચેટજીપીટી સાથે વાત કરીને તેની પાસેથી કંઈ ને કંઈ કામ કરાવતા રહે છે. આથી ચેટજીપીટીમાં જ એડોબના પ્રોગ્રામ્સનો ઉપયોગ તેમને માટે એકદમ સહેલો બની જશે.
એ પણ ધ્યાન આપવા જેવું છે કે ગૂગલની ‘ફોટોઝ’ એપમાં ગૂગલ જેમિની એઆઇ ટૂલ્સ ઉમેરાઈ રહ્યાં છે, જેને કારણે આપણે પોતાના ફોટોગ્રાફ્સમાં ધાર્યા ફેરફારો, માત્ર શાબ્દિક સૂચના આપીને કરી શકીશું, એ માટે ‘ફોટોઝ’ એપના કોઈ ફોટો એડિટિંગ ટૂલનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.
બરાબર એ જ પ્રકારની સગવડ હવે ચેટજીપીટી અને એડોબના જોડાણને કારણે ચેટજીપીટીમાં આવી રહી છે. ફક્ત ફેર એટલો રહેશે કે ફોટોઝ એપમાં આપણા ફોટો પહેલેથી ઉમેરાયેલા છે, જ્યારે ચેટજીપીટીમાં આપણે ફોટો અપલોડ કરીને તેમાં જોઇતા ફેરફારની સૂચના આપવી પડશે.
ચેટજીપીટીના તમામ યૂઝર્સ તેમાં ફોટોશોપ, એડોબ એક્સપ્રેસ અને એક્રોબેટનો સમગ્ર વિશ્વમાં મફત ઉપયોગ કરી શકશે. આ બધા પ્રોગ્રામ ચેટજીપીટીના ડેસ્કટોપ, વેબ અને આઇઓએસ વર્ઝનમાં ઉપલબ્ધ થવા લાગ્યા છે. ચેટજીપીટીની એન્ડ્રોઇડ એપમાં એડોબ એક્સપ્રેસ પ્રોગ્રામ ઉપલબ્ધ થઈ ગયો છે, જ્યારે ફોટોશોપ અને એક્રોબેટ એન્ડ્રોઇડ એપમાં ટૂંક સમયમાં આવશે.

- ચેટજીપીટીમાં અન્ય ટૂલ્સ કેવી રીતે કનેક્ટ કરી શકાય ?
ચેટજીપીટીમાં નવા ઉમેરાયેલા એડોબ પ્રોગ્રામ્સ કે અન્ય કોઈ પણ કંપનીનાં ટૂલ્સનો લાભ લેવા માટે આપણે જે તે પ્રોગ્રામ્સ-એપ્સને આપણા ચેટજીપીટી એકાઉન્ટ સાથે કનેક્ટ કરવી પડે છે.
એ માટે આ પગલાં લેવાં જોઈશે...
પીસી https://chatgpt.com/ પર જાઓ કે ફોનમાં ચેટજીપીટી એપ ઓપન કરો.
તમારા એકાઉન્ટથી લોગ ઇન થાઓ. ડાબી પેનલમાં, તમારા નામ પર ક્લિક કરી ‘સેટિંગ્સમાં’ જાઓ.
તેમાં ‘એપ્સ એન્ડ કનેક્શન્સ’માં જાઓ. અહીં એડોબ ફોટોશોપ, એડોબ એક્રોબેટ અને એડોબ એક્સપ્રેસ (ફક્ત એન્ડ્રોઇડ એપમાં)ને સિલેક્ટ કરી તેને ચેટજીપીટી સાથે કનેક્ટ કરો.
તમારે એક વાર એડોબમાં પણ એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે અથવા તેમાં ગૂગલથી જ લોગ ઇન કરી શકાશે.
હવે જ્યારે પણ ચેટજીપીટીને ઇમેજ, ડિઝાઇન કે પીડીએફ સંબંધિત કંઈ કામ સૂચવશો તો એ આપોઆપ એડોબના જે તે પ્રોગ્રામનો ઉપયોગ કરશો. અથવા, તમે પણ ‘ક્રિએટ એન ઇન્વિટેશન કાર્ડ યૂઝિંગ એડોબ એક્સપ્રેસ’ જેવી સૂચના આપી શકો છો.
- ચેટજીપીટીમાં ઉમેરાઇ ગઈ છે ત્રણ મહત્ત્વની એડોબ એપ્સ
બસ એપ કનેક્ટ કરો, પ્રોમ્પ્ટ આપો ને જોઈતું કામ કરાવી લો.

ચેટજીપીટીમાં ફોટોશોપનો ઉપયોગ
આપણે ડિજિટલ ફોટોગ્રાફને કમ્પ્યૂટર કે ફોનમાંની એપની મદદથી વિવિધ રીતે એડિટ કરી શકીએ છીએ. ૧૯૯૦માં લોન્ચ થયેલ એડોબ ફોટોશોપ પ્રોગ્રામ પ્રોફેશનલ્સમાં એ માટે સૌથી વધુ પોપ્યુલર છે. તે એટલો પાવરફુલ છે કે ફોટોઝ એડિટ કરવા માટે ‘ફોટોને ફોટોશોપ કર્યો’ એવો શબ્દપ્રયોગ થવા લાગ્યો છે. પરંતુ આ પ્રોગ્રામની પહોંચ હજી હમણાં સુધી પ્રોફેશનલ્સ સુધી મર્યાદિત રહી હતી. હવે ચેટજીપીટીમાં તેનો ઉપયોગ થઈ શકશે.
ચેટજીપીટીમાં કોઈ ફોટોગ્રાફ અપલોડ કર્યા પછી શાબ્દિક સૂચનાઓ આપી તેની બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ, એક્સપોઝર વગેરે ફાઇન-ટ્યૂન કરી શકાશે.
ફોટોના કોઈ પણ ચોક્કસ ભાગમાં કંઈ ફેરફાર કરવો હોય તો તે એ પણ કરી શકાશે. એ ઉપરાંત ફોટોગ્રાફમાં અલગ અલગ પ્રકારની ક્રિએટિવ ઇફેક્ટ આપવા જેવા કામ પણ શાબ્દિક સૂચના આપીને કરી શકાશે. આ બધું કરતી વખતે ફોટોગ્રાફની મૂળ ક્વોલિટી યથાવત જળવાઈ રહેશે. સામાન્ય રીતે એડોબ ફોટોશોપમાં આવા ફેરફાર કરવા માટે ફોટોશોપનું લાઇસન્સ વર્ઝન હોવું જોઇએ અને પછી તેનાં વિવિધ ટૂલ્સ અને ફીચરનો લાભ લેવાની આવડત પણ હોવી જોઈએ.
ચેટજીપીટીમાં આમાંનું કશું જ જોઇશે નહીં. ફક્ત બરાબર પ્રોમ્પ્ટ આપતાં આવડવું જોઇએ!

- ચેટજીપીટીમાં એડોબ એક્સપ્રેસનો ઉપયોગ
ક્રિએટિવ ડિઝાઇનિંગની દુનિયામાં વર્ષોથી એડોબ, કોરલડ્રો, ક્વાર્ક એક્સપ્રેસ જેવા પ્રોગ્રામ્સનો દબદબો રહ્યો છે. આ પ્રોગ્રામ્સનો ઉપયોગ વર્ષો સુધી કમ્પ્યૂટરમાં મર્યાદિત હતો. ઉપરાંત તે એટલા બધા ફીચરરીચ અને મોંઘા છે કે માત્ર પ્રોફેશનલ્સ તેનો ઉપયોગ કરી શકે છે. તેની સામે ઓસ્ટ્રેલિયાના એક નાના સ્ટાર્ટઅપે ‘કેન્વા’ નામે ઓનલાઇન ડિઝાઇનિંગ ટૂલ્સ આપતી સર્વિસ શરૂ કરી.
તેમાં ડિઝાઇનિંગ ખાસ આવડત કે અનુભવ ન હોય તેવા લોકો પર્સનલ ઉપયોગ માટે ઇન્વિટેશન કાર્ડ, સોશિયલ મીડિયા માટેનાં ક્રિએટિવ્સ કે કંપનીના ઉપયોગ માટે બ્રોશર, પોસ્ટર વગેરે ડિઝાઇન કરી શકે છે. કેન્વાનો સામનો કરવા માટે એડોબ કંપનીએ લગભગ એ જ પ્રકારની ‘એડોબ એક્સપ્રેસ’ નામની સર્વિસ લોન્ચ કરી. તેમાં કેન્વાની જેમ વિવિધ ડિઝાઇનનાં અસંખ્ય ટેમ્પલેટ તથા ‘રેડી ટુ યુઝ’ ડિઝાઇન એલિમેન્ટ્સનો લાભ લઇને, ડિઝાઇનિંગ ન જાણતા લોકો પણ આકર્ષક ડિઝાઇન્સ તૈયાર કરી શકે છે. કેન્વાની જેમ જ એડોબ એક્સપ્રેસ પણ ફ્રી અને પેઇડ એમ બે પ્રકારના પ્લાનમાં ઉપલબ્ધ છે.
હવે ચેટજીપીટીમાં એડોબ એક્સપ્રેસનો ઉપયોગ કરી શકાશે. એડોબ એક્સપ્રેસની વિશાળ લાઇબ્રેરી, ટેકસ્ટ ઇફેક્ટ્સ, ઇમેજિસ વગેરે બધાનો સીધેસીધો ચેટજીપીટીમાં ઉપયોગ કરી શકાશે.

- ચેટજીપીટીમાં એડોબ એક્રોબેટનો ઉપયોગ
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એટલે કે પીડીએફ ફાઇલ ઓપન કરવા માટે આપણે સૌ એડોબ એક્રોબેટ પ્રોગ્રામથી ખાસ્સા પરિચિત છીએ. પીડીએફ ફાઇલ ફોર્મેટનો આપણે સૌ રોજબરોજ ઉપયોગ કરીએ છઈએ, પણ ઘણા લોકોને એ જાણ હોતી નથી કે આ પ્રોગ્રામ બે સ્વરૂપે કામ કરે છે.
તેનો એક ભાગ પીડીએફ ફાઇલ ઓપન અને રીડ કરવા માટે ઉપયોગી છે. જ્યારે બીજો ભાગ પીડીએફ ફાઇલ ક્રિએટ કરીને તેમાં વિવિધ પ્રકારનાં કામ કરવા માટે ઉપયોગી છે.
પહેલો ભાગ મફતમાં ‘ફ્રી પીડીએફ રીડર’ તરીકે મળે છે, જ્યારે બીજો ભાગ પેઇડ છે.
એડોબ કંપનીએ વર્ષ ૧૯૯૩માં પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (પીડીએફ) ટેકનોલોજી વિકસાવી. જેને કારણે કોઈ વ્યક્તિએ પોતાના કમ્પ્યૂટરમાં કોરલડ્રો જેવા પ્રોગ્રામમાં કોઈ ડિઝાઇન તૈયાર કરી હોય, એ ડિઝાઇન પીડીએફ ફોર્મેટમાં ફેરવીને બીજાને મોકલવામાં આવે તો એ બીજી વ્યક્તિના કમ્પ્યૂટરમાં કોરલડ્રો પ્રોગ્રામ ન હોય તો પણ મૂળ ડિઝાઇન જેવા ફોર્મેટમાં તેને ઓપન કરી શકાય.
હવે તો એડોબના ફ્રી રીડર અને એક્રોબેટના વિકલ્પ રૂપે બીજી અનેક સર્વિસ લોન્ચ થઈ ગઈ છે. આ ટૂલ્સની મદદથી આપણે પીડીએફને જાતભાતની રીતે એડિટ કરી શકીએ છીએ. પરંતુ પીડીએફના ક્ષેત્રમાં એડોબ કંપનીએ પોતાની લીડરશિપ જાળવી રાખી છે.
હવે ચેટજીપીટીમાં એડોબ એક્રોબેટનાં ટૂલ્સ ઉમેરાઈ જવાને કારણે આપણે ચેટજીપીટીમાં પીડીએફ ફાઇલ અપલોડ કરીને તેને ધારીએ એ મુજબ એડિટ કરી શકીશું, તેમાંથી ટેકસ્ટ કે ટેબલ્સ મેળવી શકીશું. એકથી વધુ પીડીએફ ફાઇલ્સને ઓર્ગેનાઇઝ્ડ કે મર્જ કરી શકીશું. વિવિધ ફાઇલ્સને કમ્પ્રેસ કરી શકીશું તથા તેમાંથી એક કમ્બાઇન્ડ પીડીએફ પણ જનરેટ કરી શકીશું. ફરી, આ બધું કરવા માટે હવે એડોબ એક્રોબેટના વિવિધ ફીચર્સ જાણવાં જરૂરી નથી. આપણે પોતાની ‘મન કી બાત’ ચેટજીપીટીને કહીને તેની પાસે કામ કરાવી શકીશું!


