આદિત્યના સાચૂકલા મહા વિનાશક, મહા ભયાનક ચહેરાની અણમોલ તસવીરો
- નાસાના પાર્કર પ્રોબે પહેલી વખત 'સૂર્ય'ની અત્યંત નજીકની તસવીરો લીધી
- 38 લાખ માઇલના અંતરેથી લીધેલી ઇમેજીસમાં સૌર પવનો, સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાતાં વિદ્યુતભારવાહી પદાર્થ કણો, સૂર્યમાંથી બહાર ફેંકાતો વિદ્યુતચુંબકીય પ્રવાહ જોઇ શકાય છે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના પાર્કર સોલર પ્રોબ (પી.એસ.બી.) અવકાશયાનને સૂર્યની અત્યારસુધીની સૌથી નજીકના અંતરની ઇમેજીસ (છબી) મેળવવામાં ઉજળી સફળતા મળી છે. પાર્કર સોલાર પ્રોબે સૂર્યની આ ઇમેજીસ ફક્ત ૩૮ લાખ માઇલ(૬૧૧૫૫૦૭.૨ કિલોમીટર)ના અંતરેથી લીધી છે.
સૂર્યની સૌથી નજીકના અંતરની આ ઇમેજીસ પાર્કર સોલાર પ્રોબના વાઇડ-- ફિલ્ડ ઇમજેર ફોર સોલાર પ્રોબ(ડબલ્યુ.આઇ.એસ.પી.આર.) નામના વૈજ્ઞાનિક ઉપકરણે લીધી છે.
વિશ્વના કોઇ દેશના સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનાં અવકાશયાને હજી સુધી સૂર્યની આટલા નજીકના અંતરેથી ઇમેજીસ નથી લીધી. હાલ નાસાનું પાર્કર સોલાર પ્રોબ, નાસા -- યુરોપિયન સ્પેસ એજન્સીનું સહિયારું સોલાર ઓર્બિટર, યુરોપિયન સ્પેસ એજન્સીનું સોલાર એન્ડ હેલિયોસ્ફિયરીક ઓબ્ઝર્વેટરી(સોહો), જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીનું હીનોડે(સોલાર -બી), ભારતનું આદિત્ય એલ -૧ અવકાશયાન વગેરે અવકાશયાનો સૂર્યના અભ્યાસ માટે સક્રિય છે.
નાસાના સાયન્સ મિશન ડાયરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર નિકી ફોક્સ અને તેની ટીમે એવી માહિતી આપી છે કે અમારા પાર્કર સોલાર પ્રોબ અવકાશયાને લીધેલી આ ઇમેજીસના ગહન અભ્યાસ દ્વારા હવે પહેલી જ વખત સૂર્યની વિરાટ થાળીમાં થતા કલ્પનાતીત રહસ્યોનો અને ગતિવિધિઓનો તાગ મળશે. આ ઇમેજીસ દ્વારા અમને પહેલી જ વખત સૂર્યનારાયણનો સાવસાચુકલો ચહેરો જોવા-અનુભવવા મળ્યો છે. સૂર્યનો આ ચહેરો અત્યંત લાલઘુમ ,મહારૌદ્ર, મહાભયાનક, મહા મહા તોફાની ,મહાવિનાશક છે.
સૂર્યની આ ઇમેજીસમાં સૌર પવનો, સૂર્યની વિરાટ થાળી પરથી ફેંકાતાં વિદ્યુતભારવાહી પદાર્થકણોનો વિશાળ પ્રવાહ, સૂર્યની બહારની કિનારી(જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોના કહેવાય છે) , સૂર્યમાંથી બહાર ફેંકાતો વિદ્યુતચુંબકીય પ્રવાહ , કોરોનલ માસ ઇજેક્શન(સીએમઇએસ) વગેરે હિસ્સા અને પ્રક્રિયા બહુ જ સ્પષ્ટતાથી જોઇ શકાય છે. પૃથ્વીને પ્રચંડ થપાટ મારતાં સૂર્યમાંથી ફેંકાતા સૌર પવનો અને સૌર જ્વાળાઓને અમે પહેલી જ વખત નજરોનજર જોઇ --અનુભવી શકીએ છીએ.
હવે આ જ ઇમેજીસના સુક્ષ્મ અભ્યાસ દ્વારા સૂર્યમાં સ્પેસ વેધર( સૌર પવનો અને સૌરજ્વાળાઓની પ્રચંડ થપાટથી પૃથ્વી પરનો સંદેશા વ્યવહાર, ટેલિવિઝન, રેડિયો, કમ્પ્યુટર્સ સહિત અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટ્સની કામગીરી ખોરવાઇ જાય તેને સ્પેસ વેધર કહેવાય છે) ના જોખમનું ચોક્કસ કેન્દ્ર ક્યાં છે તે પણ સ્પષ્ટપણે જોઇ --સમજી શકાય છે.
ઉપરાંત, હવે આ જ ઇમેજીસના અભ્યાસ દ્વારા સૂર્યમાંથી ફેંકાતી મહાભયાનક અને મહાવિનાશક સૌર જ્વાળાઓની અને સૌરપવનોની સચોટ આગાહી થઇ શકશે. આ જ આગાહીની મદદથી વિશ્વના બધા દેશ તેમની જરૂરી સલામતી વ્યવસ્થા કરી શકશે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે પાર્કર સોલાર પ્રોબ ૨૦૧૮ની ૧૨,ઓગસ્ટે સૂર્યના કોરોના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) ના સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬,૦૦૦ કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી(કોરોના) નું તાપમાન ૧૦થી ૨૦ લાખ કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.
વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. નાસાએ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે
હજી ૨૦૨૫ની ૧૯, જૂને આ જ પાર્કર સોલાર પ્રોબ સૂર્યની સપાટીથી સૌથી નજીકના એટલે કે ફક્ત ૬૧ લાખ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે.
કોઇ જીવંત વિજ્ઞાનીના ઉજળા સંશોધનના સન્માનરૂપે અવકાશયાનનું નામ તેની સાથે જોડવામાં આવ્યું હોય તેવું પાર્કર સોલાર પ્રોબ વિશ્વનું પહેલું અવકાશયાન છે. અમેરિકાના હ્યુજીન.એન.પાર્કર નામના મહાન ખગોળ-ભૌતિકશાસ્ત્રી(શિકાગો યુનિવર્સિટી)એ ૧૯૫૦માં સૌર પવનો(સોલાર વિન્ડ્ઝ) વિશે પહેલી જ વખત અદભૂત સંશોધન કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો.