Get The App

નાસાનું ઓરાયન અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
નાસાનું ઓરાયન અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું 1 - image

- ચંદ્રથી 7,600 કિ.મી. દૂરના અંતરે જઇને દસ દિવસ બાદ પૃથ્વી પર પાછું ફરશે

કેન્નેડી સ્પેસ સ્ટેશન(ફ્લોરિડા) :  અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના અર્ટિમસ -૨ મિશનનું ઓરાયન અવકાશયાન ગઇકાલે ૧, એપ્રિલે કેન્નેડી સ્પેસ સ્ટેશન પરથી સાંજે ૬ : ૩૫ વાગે (ભારતીય સમય મુજબ બુધવારની  મોડી રાતે  : ૩ : ૫૪ ) સફળતાથી ચંદ્ર ફરતેની  દસ દિવસની  યાત્રાએ રવાના થયું હતું. ઓરાયન અવકાશયાનને સ્પેસ લોન્ચ સિસ્ટમ( એસએલએસ) નામના મહાકાય રોકેટ દ્વારા આકાશમાં તરતું મૂકવામાં આવ્યું હતું. 

રીડ વાઇઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ(ત્રણેય નાસાનાં), જેરેમી હેન્સન(કેનેડા) એમ ચાર અવકાશયાત્રીઓ સાથેનું ઓરાયન અવકાશયન જોકે  ચંદ્રની ધરતી પર ઉતરવાનું નથી પણ ચંદ્રથી ૭,૬૦૦ કિલોમીટરના દૂરના અંતરે જવાનું છે. ત્યારબાદ પૃથ્વી પર પાછું ફરીને પેસિફિક મહાસાગરમાં સફળ રીતે ઉતરશે.  

નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ અમારું ઓરાયન અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઇને  ચંદ્ર ફરતેની યાત્રાએ રવાના થયું છે. હાલ ઓરાયન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પણ સહીસલામત રીતે પહોંચી ગયું  છે. અર્ટિમસ -૨ મિશનના કમાન્ડર રીડ વાઇઝમેને તેના સાથી અવકાશયાત્રીઓ સમક્ષ ખુશર વ્યક્ત કરતાં કહ્યું હતું, લેટ અસ ગો ટુ મૂન(ચાલો, આપણે ચંદ્ર તરફ જઇએ).  

 ઓરાયન અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં લગભગ ૨૫ કલાક સુધી ગોળ ગોળ ફરતું રહીને પછી ચંદ્ર ભણી ઉડશે. ઓરાયન અવકાશયાન  ચંદ્રથી ૭,૬૦૦ કિલોમીટરના દૂરના અંતરે પ્રવાસ કરતાં કરતાંજરૂરી સંશોધન અને અભ્યાસ પણ કરશે.  જોકે   આ યાત્રા દરમિયાન  ઓરાયન એક પણ  વખત ચંદ્ર ફરતે ગોળ ગોળ  નથી ફરવાનું. ત્યારબાદ યાત્રાના દસમા દિવસે પૃથ્વી ભણી રવાના થશે.