- બિગ બેંગ પછી 280 મિલિયન વર્ષમાં બની હતી
- MoM-Z14 અન્ય કરતા 100 ગણી વધુ તેજસ્વી, તેમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધુ, તેની પેટર્ન આકાશગંગાના સૌથી જૂના તારાઓ જેવી છે
વોશિંગ્ટન : નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બ્રહ્માંડ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારીઓ આપી રહ્યું છે. તેણે તાજેતરમાં એક એવી ગેલેક્સી શોધી છે, જે બિગ બેંગ પછી ૨૮૦ મિલિયન વર્ષમાં બની હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ગેલેક્સી બ્રહ્માંડના એકદમ શરૂઆતના સમયની છે. આ ગેલેક્સીને એમઓએમ-ઝી૧૪ નામ આપવામાં આવ્યું છે. તેની શોધ બાદ વૈજ્ઞાનિકો હવે વિચારવા મજબૂર બન્યા છે કે, પ્રારંભિક સમયના બ્રહ્માંડનો વિકાસ કેવી રીતે થયો હતો.
એમઆઈટીના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, વેબ ટેલિસ્કોપથી આપણે અત્યાર સુધી સૌથી દૂર જોઈ શકીએ છીએ. તેના દ્વારા જે દેખાઈ રહ્યું છે તે આપણી કલ્પના કરતા અલગ છે. જેથી તે પડકારજનક અને ઉત્તેજક બને છે. એમઓએમ-ઝી૧૪ જેવી ગેલેક્સીઓ ખૂબ જ તેજસ્વી છે. જૂના મોડલોની સરખામણીમાં તે ૧૦૦ ગણી વધુ તેજસ્વી છે. જેના કારણે વૈજ્ઞાનિકો તેમના સિદ્ધાંતોને ફરીથી ચકાસી રહ્યાં છે. આ ગેલેક્સીમાં નાઈટ્રોજનનું પ્રમાણ ખૂબ ઊંચું છે. આ પેટર્ન આપણી આકાશગંગાના સૌથી જૂના તારાઓ જેવી છે. પરંતુ, વૈજ્ઞાનિકોને સવાલ થઈ રહ્યો છે કે, આટલા ઓછા સમયમાં આટલું બધું નાઈટ્રોજન કેવી રીતે બન્યું?
વૈજ્ઞાનિકોના મતે, શરૂઆતના બ્રહ્માંડમાં કદાચ અત્યંત વિશાળ અને શક્તિશાળી તારાઓ હતા. જે ઝડપથી ભારે તત્વો બનાવી શકતા હતા. જેમ્સ વેબના નીયર-ઈન્ફ્રારેડ સ્પેટ્રોગ્રાફને કારણે ખગોળશાસ્ત્રીઓએ પુષ્ટિ કરી છે, એમઓએમ-ઝી૧૪ ગેલેક્સીની કોસ્મોલોજિકલ રેડશિફ્ટ ૧૪.૪૪ છે. જેનો મતલબ થાય કે, તેનો પ્રકાશ બ્રહ્માંડના અંદાજિત ૧૩.૮ અબજ વર્ષોના અસ્તિત્વમાં પૃથ્વી સુધી પહોંચવામાં લગભગ ૧૩.૫ અબજ વર્ષ લાગ્યા છે. આ શોધ બ્રહ્માંડના રીઆયોનાઈઝેશન સમયગાળાને સમજવામાં મદદ કરશે. તે એવો સમય હતો જ્યારે, તારાઓએ હાઈડ્રોજનના ઘન ધુમ્મસને દૂર કરવાનું શરૂ કર્યું હતું. જેથી પ્રકાશ અવકાશમાં ફેલાઈ શક્યો.
જેમ્સ વેબના પ્રક્ષેપણ પહેલા એવા અનેક સંકેતો મળ્યા હતા કે, શરૂઆતના બ્રહ્માંડમાં કંઈક અણધાર્યું બન્યું હતું. જ્યારે, નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે બિગ બેંગના ૪૦૦ મિલિયન વર્ષ પછી તેજસ્વી ગેલેક્સી જીએન-ઝી૧૧ શોધી કાઢી હતી. ત્યારબાદ, જેમ્સ વેબે તેના અંતરની પુષ્ટિ કરી હતી. જેમ્સ વેબ ટેલિસ્કોપ નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીનો સંયુક્ત પ્રોજેક્ટ છે. તે પૃથ્વીથી લગભગ ૧૦ લાખ માઈલ દૂર રહીને બ્રહ્માંડના રહસ્યો વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી રહ્યું છે. આગામી વર્ષોમાં નાસાનું નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવશે. જે શરૂઆતના સમયની હજારો ગેલેક્સીઓ શોધવામાં મદદ કરશે.


