Get The App

ચન્દ્ર પર લઘુગ્રહ વાયઆર૪ ત્રાટકે તે પહેલાં નાસા પરમાણુ બોમ્બ ફોડી તેનો નાશ કરશે

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
ચન્દ્ર પર લઘુગ્રહ વાયઆર૪ ત્રાટકે તે પહેલાં નાસા પરમાણુ બોમ્બ ફોડી તેનો નાશ કરશે 1 - image

- નાસાનું આર્ટેમિસ મિશન જોખમમાં મુકાય તે ન પરવડે 

- આ લઘુગ્રહ ચન્દ્ર પર ત્રાટકે તો અંતરિક્ષયાત્રીઓ, ઉપગ્રહો અને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં યાનો જોખમમાં મુકાય તેમ છે 

વોશિંગ્ટન : જો લઘુગ્રહ વાયઆર૪ ચન્દ્ર પર ત્રાટકે તો તેના કારણે ઉડનારી ચન્દ્રરજ અને પથ્થરો પૃથ્વીની લો ઓર્બિટમાં ફેંકાય તો નાસાના ચન્દ્ર મિશન આર્ટેમિસમાં જનારા અંતરિક્ષયાત્રીઓ તથા પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ઉપગ્રહો સામે જોખમ સર્જાય તેમ હોવાથી આ લઘુગ્રહ પર પરમાણુબોમ્બ ફોડી તેનો નાશ કરવાનો વિકલ્પ વિચારવામાં આવ્યો છે. આ અંગેના વિશદ અભ્યાસને આર્કાઇવ પ્રિપ્રિન્ટ સર્વર પર રજૂ કરવામાં આવ્યો છે. જો લઘુગ્રહ ચન્દ્ર પર ન ત્રાટકે તો પણ આ મિશન વૈજ્ઞાાનિક રીતે મહત્વનું બની રહેશે.

નાસાના વિજ્ઞાાનીઓ સહિતની સંશોધન ટીમે નોંધ્યું હતું કે પરમાણુબોમ્બ વડે લઘુગ્રહનો નાશ કરવાનું મિશન ૨૦૨૯થી ૨૦૩૧ વચ્ચેના ચાર વર્ષ દરમ્યાન હાથ ધરી શકાય તેમ છે. ડિસેમ્બર ૨૦૨૪માં પહેલીવાર જોવા મળેલો આ લઘુગ્રહ ૨૩ ડિસેમ્બર ૨૦૩૨માં પૃથ્વી પર ત્રાટકવાની પણ શક્યતા છે. જો આ લઘુગ્રહ પૃથ્વી પર ત્રાટકે તો એક શહેરનો નાશ કરવા જેટલી ઉર્જા તેમાંથી પેદાં થાય તેમ છે. 

નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટસ દ્વારા આ લઘુગ્રહ પૃથ્વી પર ટકરાવાની સંભાવનાને નગણ્ય ગણાવવામાં આવી છે. પરંતુ તે ચન્દ્ર પર ટકરાવાની સંભાવના ચાર ટકા કરતાં વધારે છે. જો ચન્દ્ર પર લઘુગ્રહ પર ટકરાય તો તેના કારણે ઉડનારા ખડકો અને રજને કારણે પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ઉપગ્રહો પર પણ જોખમ સર્જાય તેમ છે. જો આ ખડકો ઉડે તો લુનાર રોવર્સનું મિશન પણ જોખમમાં મુકાઇ શકે છે. આ ઉપરાંત આ જ સમયે નાસાનું મહત્વાકાંક્ષી ચન્દ્ર આર્ટેમિસ મિશન હાથ ધરાવાનું હોઇ તેના માથે પણ જોખમ સર્જાઇ શકે છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે જો આ ચન્દ્રરજ મોટાપાયે અંતરિક્ષમાં ઉડે તો તેના કારણે એના ઝીણાં કણો અંતરિક્ષયાનને નુકશાન પહોંચાડી શકે તેમ છે. આ રજ અંતરિક્ષયાત્રીઓના અંતરિક્ષસૂટને પણ નુકશાન કરી શકે છે. હાલ તો ચન્દ્ર પર કાયમી માનવ વસાહત સ્થાપવાની કોઇ નક્કર યોજના ન હોઇ સંભવિત માનવ પ્રવૃત્તિ પર તેની કોઇ અસર પડે તેમ નથી. 

જો કે, આ કદનો લઘુગ્રહ પૃથ્વી પર ત્રાટકે તો ૧૦૦૦ ગણી રજ ઘણાં દિવસો સુધી ઉડવાનું જોખમ રહેલું છે. આને કારણે સદીઓમાં જ્વલ્લે જ જોવા મળે તેવી ઉલ્કા વર્ષા પણ જોવા મળે તેવી શક્યતા પણ છે. ૨૦૩૨માં ઓપરેશનલ સ્પેસ સ્ટેશન્સ સામે પણ તેના કારણે જોખમ ઉભું થાય તેમ છે.