Get The App

નાસા અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેન્ગાર્ડ-1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
નાસા અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેન્ગાર્ડ-1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે 1 - image


- વેન્ગાર્ડ-1 સેટેલાઇટને ખાસ પ્રકારના અવકાશયાન દ્વારા અથવા કેપ્સુલ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવશે

વોશિંગ્ટન/મુંબઇ :  વિશ્વનો સૌથી  જૂનો સેટેલાઇટ આકાશમાંથી પૃથ્વી પર પાછો લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.  વિશ્વના આ સૌથી જૂના સેટેલાઇટનું નામ છે વેન્ગાર્ડ -૧. અમેરિકાના નૌકાદળે ૧૯૫૮ની ૧૭ ,માર્ચે વેન્ગાર્ડ -૧ સેટેલાઇટને પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો હતો. 

જૂના સોવિયેત સંઘે ૧૯૫૭ની ૪,ઓક્ટોબરે વિશ્વનો સૌથી પહેલો સેટેલાઇટ સ્પુતનિક-૧ તરતો મૂકીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વને આશ્ચર્ય આપ્યું હતું. ત્યારબાદ અમેરિકા પોતે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે સોવિયેત સંઘથી પાછળ  રહી જાય તેવા હેતુથી વેન્ગાર્ડ -૧ સેટેલાઇટ તરતો મૂક્યો હતો.

હાલ વેન્ગાર્ડ -૧ સેટેલાઇટ છેલ્લાં ૬૭ વર્ષથી પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષામાં ગોળ ગોળ ફરી રહ્યો છે.

અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(એન.એ.એસ.એ.-નાસા)નાં  આધારભૂત સૂત્રોએ આ માહિતી આપી છે.   

નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમેરિકાના નૌકાદળે ૧૯૫૮ની ૧૭,માર્ચે ત્રણ  પાઉન્ડ વજનનો  વેન્ગાર્ડ -૧ સેટેલાઇટ તરતો મૂક્યો હતો. 

વેન્ગાર્ડ-૧ સેટેલાઇટમાં સોલાર સેલ્સ ગોઠવવામાં આવ્યા હતા. આ જ સોલાર સેલ્સની મદદથી વેન્ગાર્ડ-૧ ને જરૂરી ઉર્જા મળી હતી.  જોકે લગભગ  છ(૬) વર્ષ  બાદ  ૧૯૬૪માં વેન્ગાર્ડ -૧ સેટેલાઇટની કામગીરી અટકી ગઇ હતી.આમ છતાં તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોળ ગોળ ફરતો રહ્યો છે. 

 હાલ વેન્ગાર્ડ -૧ સેટેલાઇટ  પૃથ્વીથી સૌથી નજીકના ૬૬૦ કિલોમીટર અંતરે(પૃથ્વીથી  સૌથી નજીકના અંતરને ખગોળશાસ્ત્રની ભાષામાં  પેરીજી કહેવાય છે),જ્યારે પૃથ્વીથી સૌથી દૂરના ૩,૮૨૨ કિલોમીટરના અંતરે( પૃથ્વીથી સૌથી દૂરના અંતરને ખગોળશાસ્ત્રની ભાષામાં એપોજી કહેવાય છે) નિષ્ક્રિય થઇને  ગોળ ગોળ ઘુમી રહ્યો છે.

વેન્ગાર્ડ -૧ સેટેલાઇટને પૃથ્વી પર સલામત રીતે પાછો લાવવા માટે નાસા  અને અમેરિકન ઇન્સ્ટિટયુટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ સંયુક્ત રીતે યોજના તૈયાર કરી રહ્યાં છે. એક, વેન્ગાર્ડ-૧ સેટેલાઇટને  પૃથ્વી પર સલામત રીતે પાછો લાવવા ખાસ પ્રકારનું અવકાશયાન મોકલવું. આ અવકાશયાન વેન્ગાર્ડ-૧ ની સમગ્ર ગતિવિધિનો અભ્યાસ કરીને તેને પૃથ્વી પર લઇ આવશે.આ પડકારરૂપ કામગીરીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મદદ લેવાશે.અથવા તો ખાસ પ્રકારની કેપ્સુલનો ઉપયોગ થશે.

નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે વેન્ગાર્ડ-૧ સેટેલાઇટ સલામત રીતે પૃથ્વી પર પાછો આવશે તો તેને ટાઇમ કેપ્સુલ તરીકે  વોશિંગ્ટનના નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમમાં રાખવામાં આવશે.  સાથોસાથ આ સૌથી જૂનો સેટેલાઇટ અંતરિક્ષમાંથી સતત ફેંકાતા રેડિયેશન (કિરણોત્સર્ગ), નાના મોટા લઘુગ્રહો વગેરેથી કઇ રીતે સલામત રહી શક્યો છે તેનો પણ અભ્યાસ થશે.  

Tags :