- નાસાના અવકાશયાત્રી માઇક પર થાઇ કફનો પ્રયોગ
- સ્પેસસ્ટેશનના અવકાશયાત્રીઓ પર પ્રયોગ કરી માઇક્રો ગ્રેવિટીની આંખ પર થતી અસરને પણ તપાસવામાં આવી
નવી દિલ્હી : અવકાશશાસ્ત્રીઓએ પૃથ્વીથી દૂર અંતરિક્ષમાં પ્રવાસ કરે ત્યારે માઇક્રોગ્રેવિટીની તેમના સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે બાબતે સતત સંશોધનો થતાં રહે છે.હવે નાસાએ અવકાશયાત્રીઓની દૃષ્ટિ અને મગજના દબાણ પર થતી માઇક્રોગ્રેવિટીની અસરનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં અવકાશમાં પ્રવાહી માથાંમાં ચઢી જાય તેના કારણે ચહેરો ફૂલી જાય છે અને દૃષ્ટિ પર પણ તેની અસર થાય છે તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
જાપાનની અવકાશયાત્રી ફલાઇટ એન્જિનિયર કિમિયા યુઇ દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યા હતા. યુઇએ નાસાના અવકાશયાત્રી માઇક ફિન્કેને જાંઘ પર પહેરાવવામાં આવેલાં ખાસ થાઇ કફનું પરીક્ષણ કર્યું હતું. આ ઉપકરણ પહેરવાથી અવકાશયાત્રીઓને પ્રવાહી માથામાં ચઢી જવાની સમસ્યા સામે રાહત આપે છે. તેને કારણે આંખ અને મગજ પર આવતું દબાણ ઘટે છે.પગના સ્નાયુઓ આ પ્રવાહીઓની ગતિને અવરોધી શકે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. યુઇએ માઇકના પગ પર અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ કર્યા હતા તો તેની હ્ય્દયની પ્રવૃત્તિઓ પર ઇલેકટ્રોડ્સ દ્વારા પૃથ્વી પરથી નજર રાખવામાં આવી રહી હતી.
માઇક્રોગ્રેવિટીમાં અવકાશયાત્રીઓને સ્પેસ એસોસિએટેડ ન્યુરો ઓક્યુલર સિન્ડ્રોમ-એસએએનએસ-નો અનુભવ થાય છે. આ સ્થિતિને કારણે તેમના શરીરનું પ્રવાહી મસ્તક ભણી જતું હોઇ દૃષ્ટિ પર તેની અસર થાય છે. અગાઉના અભ્યાસોમાં જણાયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ અને વિટામીન બી ના પ્રમાણમાં ફેરફાર થવાથી મગજને નુકશાન થઇ શકે છે.
કેનેડામાં કરવામાં આવેલાં સંશોધનમાં જણાયું હતું કે સ્પેસ ફલાઇટને કારણે આંખના સ્નાયુઓ નરમ પડે છે. જેને કારણે પૃથ્વી પર થતી ગ્લુકોમા જેવી અસર અનુભવાય છે. આંખના સ્નાયુઓમાં માઇક્રો ગ્રેવિટીને કારણે જનીનીક પરિવર્ત ન પણ થતાં હોવાનું જણાયું છે.


