સુનિતા વિલિયમ્સની ઘરવાપસીમાં મદદ કરશે આ ચાર અંતરિક્ષયાત્રી, જાણો કોણ છે અને કેવી રીતે
SpaceX Crew-10 Mission Astronauts: ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ માટે પૃથ્વી પર પાછા ફરવુ ફરી એકવાર મુશ્કેલ બન્યું છે. અમેરિકાની સ્પેસ એજન્સી NASA દ્વારા તેમને પરત લાવવા હાથ ધરાયેલું SpaceX Crew-10 મિશન ટેક્નિકલ ખામીના કારણે અટકાવવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા ચાર અંતરિક્ષયાત્રી જવાના છે. આ ચાર અંતરિક્ષયાત્રી કોણ છે અને તેમની શું જવાબદારી છે.
સુનિતા વિલિયમ્સ સહિત ચાર અંતરિક્ષયાત્રી ફસાયા
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર ઉપરાંત અન્ય બે અંતરિક્ષયાત્રી છે. નાસાના તેમને પરત લાવવાના મિશન SpaceX Crew-10માં ચાર અંતરિક્ષ યાત્રી જશે. જેથી સુનિતા સાથે ફસાયેલા ચાર અંતરિક્ષયાત્રીની શિફ્ટ પૂરી થશે અને તેમના સ્થાને SpaceX Crew-10 મિશનના ચાર અંતરિક્ષયાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરશે.
એની સી. મેકક્લેન
અમેરિકા અને NASAના અંતરિક્ષયાત્રી એની સી. મેકક્લેન SpaceX Crew-10 મિશનના કમાન્ડર રહેશે. અમેરિકાની સેનામાં તે કર્નલ છે. મેકક્લેન એક માસ્ટર આર્મી એવિએટર છે. જેણે 20 જુદા-જુદા વિમાનોને 2000થી વધુ કલાક ઓપરેટ કર્યા છે. મેકક્લેને હાલમાં જ 58 અને 59 અભિયાન માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કર્યું છે. મેકક્લેનની જૂન, 2013માં 21માં નાસા એસ્ટ્રોનોટ ક્લાસના આઠ સભ્યોમાંથી પસંદગી થઈ હતી. રોબોટિક્સ, ઈવીએ, અને કેપકોમ માટે ઈન્સ્ટ્રક્ટર અંતરિક્ષયાત્રી છે.
નિકોલ એર્સ
અમેરિકન અને નાસાના અંતરિક્ષયાત્રી નિકોલ આયર્સ સ્પેસએક્સ ક્રૂ -10 મિશનમાં પાયલટ હશે. નિકોલ આયર્સ 2021 એસ્ટ્રોનોટ કેન્ડિડેટ ક્લાસમાં જોડાવા માટે NASA દ્વારા પસંદ કરવામાં આવી હતી. તે જાન્યુઆરી 2022માં ડ્યુટી માટે રિપોર્ટ કર્યો હતો. નિકોલે 2011માં કોલોરાડોમાં યુએસ એર ફોર્સ એકેડેમીમાંથી ગણિતમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું. બાદમાં તેણે હ્યુસ્ટનની રાઇસ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટેશનલ અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. આ તેની પહેલી અંતરિક્ષ ઉડાન હશે.
ઓનિશી તાકુયા
જાપાનની સ્પેસ એજન્સી JAXA ના અંતરિક્ષયાત્રી ઓનિશી તાકુયા સ્પેસએક્સ ક્રૂ -10 મિશનમાં મિશન સ્પેશિયાલિસ્ટ હશે. ઓનિશી તાકુયાનો જન્મ 1975માં ટોક્યોમાં થયો હતો. તેણે 2016માં મિશન 58 અને 59 માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે 113 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતાં.
કિરીલ પેસ્કોવ
રશિયાના કિરીલ પેસ્કોવ SpaceX Crew-10માં મિશન સ્પેશિયાલિસ્ટ હશે. આ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અંતરિક્ષયાત્રીઓ છે. આ મિશન સાથે તે પહેલીવાર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જશે. 2018માં અંતરિક્ષયાત્રી તરીકે પસંદગી થતાં પહેલાં તેણે ઉલિયાનોવસ્ક સિવિલ એવિએશન સ્કૂલમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને એરલાઇન્સ નોર્ડવિંડ અને ઇકાર માટે બોઇંગ 757 અને 767 એરક્રાફ્ટમાં કો-પાયલટ હતા. 2020માં ટેસ્ટ કોસ્મોનૉટ તરીકે નિમણૂક થઈ હતી. તેની પાસે સ્કાયડાઇવિંગ, ઝીરો-ગ્રેવિટી ટ્રેનિંગ, સ્કુબા ડાઇવિંગ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાનો વધુ અનુભવ છે.
મિશન અટવાયું
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા બે સ્ટારલાઈનર અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત પૃથ્વી પર લાવવા માટે નાસા બુધવારે SpaceX Crew-10 મિશન લોન્ચ કરવાનું હતું. લોન્ચિંગના 45 મિનિટ બાકી હતી, ત્યાં ટેક્નિકલ ખામી સર્જાતા લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું.