'કેપસ્ટોન' ઉપગ્રહ લોન્ચ : નાસા ફરીથી એક વખત ચંદ્ર પર માણસને ઉતારશે

Updated: Jul 5th, 2022


- નાસાની યોજના ભ્રમણકક્ષાના માર્ગમાં 'ગેટ વે' નામનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની છે

વેલિંગ્ટન, તા. 5 જુલાઈ 2022, મંગળવાર

પૃથ્વીની આસપાસ ફરતા માઈક્રોવેવ ઓવનના કદના નાસાનો એક ઉપગ્રહ સોમવારે તેની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક અલગ થઈ ગયો છે. હવે તે ચંદ્રની તરફ આગળ વધી રહ્યો છે. આ સાથે જ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી ઉપર ફરીથી અવકાશ યાત્રીઓને ઉતારવાની તેની યોજનાના ભાગરૂપે આ પ્રથમ પગલુ ભર્યું છે. 

'કેપસ્ટોન ઉપગ્રહની યાત્રા પહેલાથી જ અનેક રીતે અસામાન્ય રહી છે. આ ઉપગ્રહને છ દિવસ પહેલા ન્યુઝીલેન્ડના માહિયા પેનિન્સુલા ખાતેથી મોકલવામાં આવ્યો હતો. તેને રોકેટ લેબ કંપનીએ પોતાના નાના ઈલેક્ટ્રોન રોકેટથી લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહને ચંદ્ર ઉપર મોકલવામાં હજુ 4 મહિના લાગશે. આ ઉપગ્રહ લઘુત્તમ ઉર્જાનો ઉપયોગ કરીને એકલો જ ચંદ્ર તરફ આગળ વધી રહ્યો છે.

રોકેટ લેબના સ્થાપક પીટર બેકે કહ્યું કે તેઓ પોતાના ઉત્સાહને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા. અમે આ પ્રોજેક્ટ પાછળ બે-અઢી વર્ષનો સમય ખર્ચ્યો છે. તેનો અમલ ખૂબ જ મુશ્કેલ હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રમાણમાં ઓછા ખર્ચવાળો આ પ્રયત્ન અવકાશ મિશનની દિશામાં એક નવા યુગની શરૂઆત કરશે. નાસાએ આ પ્રોજેક્ટ ઉપર 3.27 કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે.

બેકે કહ્યું કે હવે ઓછા ખર્ચે જ તમને સીધા ચંદ્ર, ક્ષુદ્રગ્રહો, શુક્ર અને મંગળ ગ્રહ ઉપર લઈ જશે તેવા રોકેટ અને અવકાશયાન હશે. જો આગળનું મિશન સફળ રહેશે તો 'કેપસ્ટોન' ઉપગ્રહ મહિનાઓ સુધી મહત્વની માહિતી મોકલવાનું ચાલું રાખશે. નાસાની યોજના ભ્રમણકક્ષાના માર્ગમાં 'ગેટ વે' નામનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની છે, જ્યાંથી અવકાશયાત્રીઓ તેમના આર્ટેમિસ કાર્યક્રમની અંતર્ગત ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરી શકશે. બેક અનુસાર, નવી ભ્રમણકક્ષાનું મહત્વ એ છે કે તે ઈંધણનો ઉપયોગ ઘટાડે છે. આ સિવાય તે ઉપગ્રહ અને સ્પેસ સ્ટેશનને સતત ધરતીના સંપર્કમાં રાખે છે.

ન્યુઝીલેન્ડ ખાતે 28 જૂનના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલું ઈલેકટ્રોન રોકેટ પોતાની સાથે 'ફોટોન' નામનું બીજુ અવકાશયાન લઈ ગયું છે. સોમવારના રોજ અવકાશયાનનું એન્જિન ચાલવાનું શરૂ થતાની સાથે જ 'ફોટોન' પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી અલગ થઈ ગયુ હતું અને તેણે ઉપગ્રહને પોતાના માર્ગ ઉપર મોકલી દીધો છે.


    Sports

    RECENT NEWS