| Image: NASA X |
NASA Artemis II: અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. નાસાનું આર્ટિમિસ II મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. 10 દિવસની ઐતિહાસિક ચંદ્ર યાત્રા બાદ ચારેય અંતરિક્ષ યાત્રીઓ પ્રશાંત મહાસાગરમાં સુરક્ષિત રીતે લેન્ડ થયા છે. અડધી સદી બાદ આ પ્રથમ એવું મિશન હતું જેમાં માનવી ચંદ્રની આટલી નજીક પહોંચ્યો હોય.
11 લાખ કિલોમીટરની યાત્રા અને નવો રેકોર્ડ
આ મિશન દરમિયાન ઓરિયન કેપ્સ્યુલે કુલ 11.16 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. અંતરિક્ષ યાત્રીઓએ પૃથ્વીથી સૌથી વધુ 4,06,771 કિમી દૂર જવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જે અગાઉ એપોલો 13 ના નામે હતો. આ મિશનમાં ચંદ્રના ફાર સાઈડ પરથી પસાર થઈને યાત્રીઓએ અદભૂત તસવીરો પણ ઝડપી હતી.
તણાવપૂર્ણ 13 મિનિટ, 2760 ડિગ્રી તાપમાન વચ્ચે એન્ટ્રી
પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ વખતે કેપ્સ્યુલની ગતિ 39,000 કિમી પ્રતિ કલાક હતી. ઘર્ષણને કારણે કેપ્સ્યુલની બહારનું તાપમાન 2760 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે 6 મિનિટ સુધી રેડિયો સંપર્ક કપાઈ ગયો હતો. જોકે, હીટ શીલ્ડ અને પેરાશૂટની સફળતાને કારણે કેપ્સ્યુલ દક્ષિણ કેલિફોર્નિયાના દરિયાકિનારે સુરક્ષિત રીતે સ્પ્લેશડાઉન થયું હતું.
આ પણ વાંચો :
આ મિશન કેમ ખાસ છે?
આર્ટિમિસ II માત્ર એક ટેસ્ટ ફ્લાઈટ નહોતી, પરંતુ તેમાં વિવિધતાનો સંગમ જોવા મળ્યો હતો. ક્રિસ્ટિના કોચ: ચંદ્ર મિશન પર જનાર પ્રથમ મહિલા બની હતી. વિક્ટર ગ્લોવર: ચંદ્ર મિશનમાં સામેલ પ્રથમ અશ્વેત અંતરિક્ષ યાત્રી બની હતી. જેરેમી હેન્સન: પ્રથમ બિન-અમેરિકન (કેનેડિયન) નાગરિક હતા. રીડ વાઈઝમેન મિશનના કમાન્ડર હતા.
હવે લક્ષ્ય 2028 ચંદ્ર પર લેન્ડિંગની તૈયારી
નાસાના આ પ્રોગ્રામનો અસલી ઇરાદો હવે શરૂ થાય છે. આ સફળતા બાદ હવે આર્ટિમિસ III ની તૈયારીઓ ઝડપી થશે, જે અંતર્ગત 2028 સુધીમાં માનવીને ફરીથી ચંદ્રની સપાટી પર ઉતારવાનું લક્ષ્ય છે. આ સફળતા ચંદ્ર પર કાયમી બેઝ બનાવવા અને ભવિષ્યમાં મંગળ (Mars) સુધી પહોંચવા માટે સીડી સમાન સાબિત થશે.


