Get The App

મ્યુચ્યુઅલ ફંડ લોક કરી શકાશે

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુચ્યુઅલ ફંડ લોક કરી શકાશે 1 - image

તમે કદાચ નોંધ્યું હશે કે ભારતમાં ડિજિટલ એરેસ્ટમાં ફસાઈને લોકો લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા હોવાના કિસ્સા હજી સતત નોંધાઈ જ રહ્યા છે, પરંતુ એ સાથે એક નવો, સારો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. આવા ફ્રોડમાં ફસાતા લોકો પોતાના એકાઉન્ટમાંના રૂપિયા કોઈ અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની શરૂઆત કરે ત્યારે બેંક અધિકારીઓ સતર્ક થઈ જાય છે અને તેમણે લીધેલાં ઝડપી પગલાંને કારણે લોકો મોટા સાયબર ફ્રોડથી બચી શકે છે.

બેંક અધિકારીઓની આવી સતર્કતા ઉપરાંત બેંક પોતે પણ ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો સામનો કરવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. થોડા સમય પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી કે એક્સિસ બેંક હવે આપણી ફિકસ્ડ ડિપોઝિટને લોક કરવાની સગવડ આપે છે. આ સગવડનો લાભ લઇએ એ પછી આપણે ફિકસ્ડ ડિપોઝિટને ઓનલાઇન તોડી શકતા નથી. એ માટે આપણે બેંકમાં રૂબરૂ જવું પડે છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સા વખતે છેતરપિંડી કરતી ટોળકીઓ માનસિક દબાણ લાવીને નિશાન બનેલી વ્યક્તિ પાસે તેની ફિકસ્ડ ડિપોઝિટમાંથી ઓનલાઇન સેવિંગ્સ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવતી હોય છે. પછી છેતરપિંડી કરનાર વ્યક્તિની સૂચના મુજબ સેવિંગ્સ એકાઉન્ટમાંથી અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે.

ફિકસ્ડ ડિપોઝિટ ઓનલાઇન રીડિમ ન થઈ શકે તો આ કારી કારગત રહેતી નથી.

એ જ રીતે હવે સેબીની સૂચનાથી આપણા મ્ચુચ્યુઅલ ફંડને પણ લોક કે ફ્રીઝ કરવાની સગવડ મળશે. આપણે આ સગવડનો લાભ લઇને પોતાના મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોને ફ્રીઝ કરી શકીશું. પછી નિશ્ચિત પ્રોસેસ કરીને આ લોક રિમૂવ કરવામાં આવે નહીં ત્યાં સુધી આપણા મ્યુ્ચ્યુઅલ ફંડને કોઈ પણ રીતે રીડિમ, સ્વિચ કે અન્ય રીતે ડેબિટ કરી શકાશે નહીં.

આ સુવિધા શરૂઆતમાં ‘એમએફ સેન્ટ્રલ’ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ એપ/પ્લેટફોર્મ પર આપણે વિવિધ મ્ચુચ્યુઅલ ફંડ હાઉસની સ્કીમ્સમાં ટ્રાન્ઝેકશન કરી શકીએ છીએ તથા વિવિધ સર્વિસ રિકવેસ્ટ આપી શકીએ છીએ.

આ સુવિધાનો લાભ લેવા માટે આપણા ફોલિયોની કેવાયસી પ્રોસેસ પૂરી થયેલી હોવી જોઇએ તેમ જ તેમાં વેલિડ ઇમેઇલ આઇડી તથા મોબાઇલ નંબર આપેલો હોવો જરૂરી છે.

આ નવી વ્યવસ્થા એપ્રિલ ૩૦, ૨૦૨૬થી લાગુ થઈ જવાની શક્યતા છે. એ દરમિયાન એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા વિવિધ પ્રકારના રોકાણકારો પોતાના ફોલિયો એવી રીતે લોક કે અનલોક કરી શકે તેનું નિશ્ચિત ફ્રેમવર્ક જારી કરશે.