- y{urhfkLkk Rr{økúLxTMk{kt ykíktf {[kðe hnu÷e yusLMke Mkk{u yuf «kuVuMkhu yuf÷Ãktzu ÞwØ Auzâwt Au
જે રીતે અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પા સ્વરૂપે એક માથાના ફરેલ પ્રેસિડેન્ટ મળ્યા છે, એ જ રીતે એમનો સામનો હવે એક માથાના ફરેલ પ્રોફેસર સાથે થઈ રહ્યો છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના સ્કોટ ગેલોવે નામના એક
પ્રોફેસરે રેઝિસ્ટ એન્ડ અનસબસ્ક્રાઇબ નામે એક આંદોલન શરૂ કર્યું છે, જેનું સીધું નિશાન ડોનાલ્ડ
ટ્રમ્પ છે. જોકે પ્રેસિડેન્ટ ટ્રમ્પને નિશાન બનાવવા માટે આ આંદોલન વિવિધ મોટી ટેક
કંપનીઓ સાથેનો છેડો ફાડવા માટે અમેરિકન લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
પ્રોફેસરે તેમની એક વેબસાઇટ (https://www.resistandunsubscribe.com/)
પણ બનાવી છે.
પ્રોફેસરનું કહેવું છે કે અત્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં મૂળભૂત
મૂલ્યો પર હુમલો કરી રહ્યા છે અને તેની સામે અમેરિકન લોકો કશું જ કરી શકતા નથી, તો અમેરિકનોએ ટેક કંપનીઓ પર વળતો હુમલો કરવો જોઈએ.
સવાલ એ થાય કે એવું તે શું થયું છે કે આ પ્રોફેસરને ટ્રમ્પ તથા અમેરિકાની મોટી
ટેક કંપનીઓ સામે જબરો વાંધો પડ્યો છે?
તમે જાણતા હશો કે અત્યારે અમેરિકામાં પ્રેસિડેન્ડ ટ્રમ્પની સીધી દોરવણી હેઠળ
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ) નામે એક એજન્સીએ જબરો આતંક
મચાવ્યો છે. વર્ષ ૨૦૦૩માં રચાયેલી આ એજન્સી યુએસમાં ગેરકાયદે રહેતા લોકોને વીણી
વીણીને યુએસમાંથી બહાર તગેડી મૂકવાનું કામ કરે છે. અત્યંત કડક હાથે કામ લેતી આ
એજન્સી અડફેટે ચડે તેવી કોઈ પણ ઇમિગ્રન્ટ વ્યક્તિને ઉપાડીને જેલમાં ધકેલી દે છે.
કોઈ વિરોધ કરવા જાય તો તેને ગોળી ધરબી દેતાં પણ આ એજન્સીના એજન્ટ્સ ખચકાતા નથી.
ટ્રમ્પ સામે પડેલા પેલા પ્રોફેસરનું કહેવું છે કે ટ્રમ્પની આ આઇસીઇ એજન્સીને
ટેક કંપનીઓના સીઇઓનો ટેકો છે એટલે જ તે કોઈની પરવા કર્યા વિના અમેરિકાનું અહિત કરી
રહી છે. પ્રોફેસરના મતે ટ્રમ્પને ટેક કંપનીઓ ભરપૂર ભંડોળ આપે છે એટલે તેમના પર
નાગરિકોના રોષ ને અદાલત કે મીડિયાના વિરોધની કોઈ અસર થતી નથી.
પ્રોફેસરના મતે ટ્રમ્પ પર ફક્ત એક વાત અસર કરી શકે તેમ છે અને તે છે માર્કેટ.
જો અમેરિકન નાગરિકો સામુહિક રીતે આઇસીઇ એજન્સીને આર્થિક આધાર આપતી ટેક
કંપનીઓનો વિરોધ કરે અને તેની પેઇડ સર્વિસિસ અનસબસ્ક્રાઇબ કરવાનું શરૂ કરે તો
ટ્રમ્પ પર ચોક્કસ દબાણ આવી શકે.
આ માટે પ્રોફેસર લોકોને એમેઝોન, એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, ઉબર, નેટફ્લિક્સ, ઓપનએઆઇ, એક્સ જેવી તમામ ટેક કંપનીઓનો બોયકોટ કરીને તેમની પેઇડ સર્વિસિસ અનસબસક્રાઇબ
કરવા, સાદાં એકાઉન્ટ પણ ડિલીટ કરવા
તથા તેમની પ્રોડક્ટ્સ ન ખરીદવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ ઝૂંબેશમાં મેટા કંપનીની
વોટ્સએપ અને ફેસબુક એપ્સ ડિલીટ કરવાનો આગ્રહ છે પરંતુ ઇન્સ્ટાગ્રામને બોયકોટમાંથી
બાકાત રાખવામાં આવી છે.
કેમ? કેમ કે પ્રોફેસરને તેમનો
મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે એકાદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગર ચાલે તેમ નથી!
રેઝિસ્ટ એન્ડ અનસબસ્ક્રાઇબ વેબસાઇટ પર આ બધી કંપનીઓ તથા તેમની વિવિધ પેઇડ
સર્વિસની યાદી આપીને તેનાં સબસ્ક્રિપ્શન કેન્સલ કરવાની સીધી લિંક આપવામાં આવી છે.
આ બધી ટેક કંપનીઓ ઉપરાંત એટીએન્ડટી, ડેલ, ફેડેક્સ, મેરિઅટ હોટેલ ચેઇન જેવી વિવિધ
અમેરિકન કંપનીઓનો પણ બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી છે. આ બધી કંપનીઓ આઇસીઇ
એજન્સીને કોઈ ને કોઈ રીતે આઇટી કે અન્ય પ્રકારની સગવડ પૂરી પાડી રહી છે.
એક પ્રોફેસરે એકલપંડે શરૂ કરેલા આ આંદોલનમાં લોકો જોડાઈ તો રહ્યા છે, પરંતુ અબજો ડોલરનું બજેટ ધરાવતી ટેક કંપનીઓ તથા તેમના સમર્થનથી બેફામ બનેલા
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને થોડા ઘણા લોકો આ કંપનીઓનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરે
તેનાથી કોઈ ફેર પડે તેવું લાગતું નથી.


