mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

માઈક્રોસોફટ નોટપેડમાં ચાલીસ વર્ષ પછી આધુનિક સુવિધાઓ

Updated: Mar 31st, 2024

માઈક્રોસોફટ નોટપેડમાં ચાલીસ વર્ષ પછી આધુનિક સુવિધાઓ 1 - image


તમે લાંબા સમયથી કમ્પ્યૂટર પર માઇક્રોસોફ્ટના વિવિધ ઓફિસ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હશો તો પણ તેના નોટપેડ પ્રોગ્રામનો ભાગ્યે જ ઉપયોગ કર્યો હોય તેવું બની શકે. આપણા રોજિંદા ઉપયોગમાં નોટપેડ પ્રોગ્રામની ખાસ ભૂમિકા હોતી નથી. ડોક્યુમેન્ટ કે રિપોર્ટ તૈયાર કરવા માટે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરીએ. ગણતરીઓ કે ડેટા એનાલિસિસ માટે એક્સેલ અને પ્રેઝન્ટેશન માટે પાવરપોઇન્ટ.

આપણી રોજિંદી લગભગ બધી જરૂરિયાતો આ ત્રણ પ્રોગ્રામમાં જ સમેટાઈ જાય. તમે કોડિંગ કરતા હો તો મોટા ભાગે તેને માટેના ડેડિકેટેડ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા હો. પરંતુ તે કામમાં ક્યારેક નોટપેડ પ્રોગ્રામ આપણી અડફેટે ચઢે ખરો.

એ સિવાય આપણે ઇન્ટરનેટ પરથી કોઈ ટેકસ્ટ કોપી કરીને તેને કમ્પ્યૂટરના બીજા કોઈ પ્રોગ્રામમાં પેસ્ટ કરવાની હોય ત્યારે તેનું બધું ફોર્મેટિંગ દૂર કરવા માટે નોટપેડ કામ લાગે. એથી વધુ નહીં.

કદાચ આ જ કારણસર માઇક્રોસોફ્ટનો નોટપેડ પ્રોગ્રામ ચાર દાયકા પહેલાં ૧૯૮૩માં  લોન્ચ થઈ ગયો હોવા છતાં તેમાં લગભગ કોઈ  મોટા ફેરફાર થયા નથી. હવે કંપની તેના બધા પ્રોગ્રામમાં નવા સમય મુજબ નવી ડિઝાઇન અને નવા ફીચર્સ આપવા લાગી છે, એ સાથે ૪૦ વર્ષ જૂના નોટપેડ પ્રોગ્રામમાં પણ મહત્ત્વના ફેરફાર આવી રહ્યા છે.

અત્યાર સુધી નોટપેડમાં ફટાફટ ટાઇપિંગ અને ફાઇન્ડ-રિપ્લેસની બેઝિક સગવડ હતી. હવે તેમાં માઇક્રોસોફ્ટ વર્ડની જેમ સ્પેલચેકરની સુવિધા આવી રહી છે. એ ઉપરાંત નોટપેડમાં ઓટોકરેક્ટ, કોડિંગ સંબંધિત કેટલાંક ફીચર્સ, ડાર્ક મોડ, એકથી વધુ ટેબમાં કામ કરવાની સગવડ, કેરેકટર અને વર્ડ કાઉન્ટ, ઓટો સેવ તથા એઆઇ ઇન્ટિગ્રેશન જેવાં ફીચર્સ આવી રહ્યાં છે. હાલમાં વિન્ડોઝ૧૧ના ઇનસાઇડર પ્રીવ્યૂ પ્રોગ્રામમાં સામેલ યૂઝર્સને આમાંના કેટલાક ફીચર્સનો લાભ મળવા લાગ્યો છે.

આ વર્ષમાં તમામ યૂઝર્સને આ બધાં ફીચર મળવા લાગે તેવી શક્યતા છે. એ પછી બની શકે કે સામાન્ય ટાઇપિંગ માટે આપણે માઇક્રોસોફ્ટ વર્ડને બદલે માઇક્રોસોફ્ટ નોટપેડનો ઉપયોગ કરવા લાગીએ!

Gujarat