Get The App

મિશન પ્રતુશ ચન્દ્રની અંધારી બાજુ પર રહી બ્રહ્માંડની રચના સમયના સિગ્નલો ઝીલશે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
મિશન પ્રતુશ ચન્દ્રની અંધારી બાજુ પર રહી બ્રહ્માંડની રચના સમયના સિગ્નલો ઝીલશે 1 - image


- વિઝિટિંગ કાર્ડના કદના કમ્પ્યુટરના હાર્દમાં રાસ્પબેરી પાઇ ટેકનોલોજી 

- પ્રતૂશ હાઇડ્રોજન અણુના 21 સીએમ સિગ્નલ ઝીલી બ્રહ્માંડની રચનાના રહસ્યો ખોલવામાં સહાયરૂપ બનશે 

નવી દિલ્હી : બેન્ગાલુરૂ સ્થિત રમણ રિસર્ચ ઇન્સ્ટિટયુટ-આરઆરઆઇ- દ્વારા ઇસરોના સહકારથી વિકસાવવામાં આવેલાંં સ્પેસમાં કામ કરી શકે તેવા રેડિયોમીટર કાર્યરત થવા સાથે ભૌતિકશાસ્ત્રમાં નવયુગનો પ્રારંભ થશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. પ્રોબિંગ રીઆયોનાઇઝેશન ઓફ ધ યુનિવર્સ યુઝિંગ સિગ્નલ ફ્રોમ હાઇડ્રોજન -પ્રતુશ- મિશનનોે હેતુ બ્રહ્માંડના સર્જન સમયે સર્જાયેલાં સંકેતોનો અભ્યાસ કરવાનો છે. 

 બ્રહ્માંડના આરંભ સમયની વિગતો જેમાં સમાયેલી મનાય છે તે હાઇડ્રોજન અણુના ૨૧ સીએમ સંકેતો ઝીલવા માટે આ મિશન વિકસાવવામાં આવ્યું છે. આ સંકેતો વિવિધ  પ્રકારના  અવરોધોને કારણે પૃથ્વી પર ઝીલવાનું શક્ય ન હોઇ તેને ઝીલવા માટે ચન્દ્રની અંધારી બાજુને પસંદ કરવામાં આવી છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ સંકેતોનું વિશ્લેષણ કરી પ્રથમ તારાના સર્જનનું રહસ્ય પામી શકશે. આ ટેલિસ્કોપને ચંન્દ્રની અંધારી બાજુએ સ્થિર કરવામાં આવશે. ચંન્દ્રની અંધારી બાજુએ કોઇ પ્રકારના અવરોધ વિનાની શાંત સ્થિતિ હોઇ દૂરથી આવતાં આ સંકેતોને ઝીલવાનું શક્ય બનશે. 

ચોક્સાઇપૂર્ણ નિરીક્ષણોના અભાવે બ્રહ્માંડના આરંભની ક્ષણો વિશે આપણી પાસે બહું ઓછી વૈજ્ઞાનિક માહિતી છે. આ ઉણપને દૂર કરવા પ્રતૂશ મિશનને આરઆરઆઇ દ્વારા સાકાર કરવામાં આવ્યું છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતા તરફથી ભંડોળ મેળવતી સ્વાયત્ત સંસ્થા આરઆરઆઇને આ મિશનનો વિકાસ કરવામાં ઇસરોનો સહકાર મળ્યો છે.ચન્દ્રની ભ્રમણકક્ષામાં ગોઠવાનારા આ ભાવિ રેડિયોમીટર દ્વારા આપણાં બ્રહ્માંડમાં પ્રથમ તારો કેવી રીતે રચાયો તેના વિશેના સવાલોના જવાબો મળશે. 

ચન્દ્રની ભ્રમણકક્ષાના સંજોગોને ધ્યાનમાં રાખી પ્રતૂશની ટીમ રાસબેરી પાઇ ટેકનોલોજી પર આધારિત  કોમ્પેક્ટ સિંગલ બોર્ડ કમ્પ્યુટર-એસબીસી- પર ડિજિટલ રિસિવર સિસ્ટમ વિક્સાવી છે. આ સિસ્ટમ પ્રતૂશના રેડિયોમીટર અને બ્રહ્માંડમાંથી આવતાં રેડિયો ડેટાને પ્રોસેસ કરનારી ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ આરે-એફપીજીએ-ચીપ વચ્ચે સંકલનકારની ભૂમિકા ભજવશે. આરઆરઆઇ સંસ્થાના પ્રોફેસરો સૌરભ સિંહ અને મયુરી અસ. રાવે જણાવ્યું હતું કે સૌર મંડળમાં સૌથી શાંત સ્થળે બ્રહ્માંડના આરંભના સંકેતોને ઝીલવા રવાના થનારા પેલોડમાં આ એસબીસી આધારિત ડિજિટલ રિસિવર જેવી ટેકનોલોજી અભિન્ન બની રહેશે. આમ, વિઝિટિંગ કાર્ડના કદના ક્મ્પ્યુટર દ્વારા બ્રહ્માંડના રહસ્યને ઉકેલવાનો પડકાર ભારતીય વિજ્ઞાનીઓ ઝીલી રહ્યા છે.

Tags :