આપણે જાણીએ છીએ કે પોતાના કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટને ફક્ત યૂઝરનેમ અને પાસવર્ડની
જોડીથી સલામત રાખવાનો પ્રયાસ હવે જોખમી છે. આપણા પાસવર્ડ સહેલાઈથી ક્રેક થઈ શકે
છે. તેમ અલગ અલગ સર્વિસમાંથી તે ચોરી કે લીક પણ થઈ શકે છે. જો આપણે એક જ પાસવર્ડનો
એકથી વધુ સર્વિસમાં ઉપયોગ કર્યો હોય તો વાત ઘણી વધુ જોખમી બની જાય છે.
આના ઉપાય તરીકે ટેક કંપનીઓ ટુ-સ્ટેપ વેરિફિકેશનની પદ્ધતિ લાવી. જેનો કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટમાં ઉપયોગ શરૂ કર્યા પછી આપણે લોગ
ઇન થવું હોય ત્યારે યૂઝરનેમ અને પાસવર્ડ આપવા ઉપરાંત કોઈક બીજી રીતે પણ આપણી ઓળખ સાબિત કરવી પડે.
મોટા ભાગે આ બીજી રીત તરીકે આપણા સ્માર્ટફોનમાં એસએમએસ દ્વારા ઓટીપી મોકલવામાં આવે.
પરંતુ હવે ટેક કંપનીઓને સમજાઈ રહ્યું છે કે આ રીતે એસએમએસ દ્વારા ઓટીપી
મોકલવાની પદ્ધતિ પણ ઘણી અસલામત છે. માઇક્રોસોફ્ટ કંપની આ જ કારણે હવે એસએમએસ
દ્વારા, સેકન્ડ વેરિફિકેશન માટેનો
ઓટીપી મોકલવાની પદ્ધતિ સદંતર બંધ કરી રહી છે. તેના બદલે કંપની ઇમેઇલ દ્વારા ઓટીપી
મોકલશે અથવા પાસકી દ્વારા વેરિફિકેશન કરશે.
માઇક્રોસોફ્ટ કંપનીએ આ વિશે વિગતવાર ડોક્યુમેન્ટેશન રજૂ કરીને ટુ-ફેકટર
ઓથેન્ટિકેશન માટે હવે પછી કેવી પદ્ધતિઓનો ઉપયોગ થશે તેની સમજ આપી છે.
તમે કદાચ જાણતા જ હશો કે માઇક્રોસોફ્ટ કંપની ખરેખર તો પાસવર્ડને જ વિદાય આપી
રહી છે. નવા માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે આપણે તેને માટે કોઈ પાસવર્ડ
પસંદ કરવાનો હોતો નથી. તેના બદલે કંપની આપણી પાસકી ક્રિએટ કરે છે અને મોબાઇલ અથવા
કમ્પ્યૂટરના મૂળ લોકને અનલોક કરવા માટે ઉપયોગમાં લેવાતા પિન, પેટર્ન, પાસકોડ કે ફિંગરપ્રિન્ટ જેવી
પદ્ધતિથી આપણે માઇક્રોસોફ્ટ એકાઉન્ટમાં પણ લોગઇન થઈ શકીએ છીએ. આ પદ્ધતિના
વિકલ્પરૂપે ઇમેઇલ વેરિફિકેશનનો પણ ઉપયોગ થાય છે.


