Get The App

મેટાના નવા સ્માર્ટગ્લાસ પણ ભારત આવી પહોંચ્યા

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
મેટાના નવા સ્માર્ટગ્લાસ પણ ભારત આવી પહોંચ્યા 1 - image

મેટા કંપનીએ મૂળ સપ્ટેમ્બર ૨૦૨૩માં લોન્ચ કરેલ એઆઇ ગ્લાસિસ હવે જુદી જુદી કંપની, જુદાં જુદાં વર્ઝન અને જુદાં જુદાં ફીચર સાથે વધુ ને વધુ વિસ્તરી રહ્યા છે. મેટાના આ સ્માર્ટ ગ્લાસિસ હવે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ ગયા છે. 

નવેમ્બર ૨૦૨૫થી આ એઆઇ ગ્લાસિસ ભારતમાં રેબાનની વેબસાઇટ, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે પ્લેટફોર્મ પરથી ઓફિશિયલી ખરીદી શકાય છે. સપ્ટેમ્બર ૨૦૨૫થી આ સ્માર્ટ ગ્લાસિસમાં ડિસ્પ્લે પણ ઉમેરાઈ ગયો છે. જોકે આ પ્રકારના ડિસ્પ્લે ગ્લાસિસ હજી માત્ર યુએસમાં ઉપલબ્ધ છે. 

મેટા કંપની રેબાન અને ઓકલે (અથવા ઓકલી!) કંપની સાથે પોતાના સ્માર્ટ ગ્લાસિસ ઓફર કરી રહી છે. રેબાન પછી હવે ઓકલે કંપનીના મેટા ગ્લાસિસ પણ ભારતમાં આવી ગયા છે. 

આ નવી પ્રોડક્ટને ‘ઓકલે મેટા એચએસટીએન’ નામ આપવામાં આવ્યું છે. આ ગ્લાસિસમાં બિલ્ટઇન કેમેરા તથા ઓપન-ઇયર સ્પીકર્સની સુવિધા છે. તેમાં અલ્ટ્રા એચડી થ્રીકે મોડમાં વીડિયો કેપ્ચર કરી શકાય છે તથા ઓપન-ઇયર સ્પીકર્સ હોવાને કારણે આસપાસના વાતાવરણની સ્થિતિથી બેધ્યાન બન્યા વિના મ્યુઝિકનો આનંદ લઈ શકાય છે કે ફોન પર અન્ય વ્યક્તિ સાથે વાતચીત થઈ શકે છે. આ સ્માર્ટ ગ્લાસિસની બેટરી સરેરાશ ૮ કલાક સુધી ચાલે છે અને લગભગ ૨૦ મિનિટમાં ૫૦ ટકા જેટલી ચાર્જ થઈ જાય છે. આ ગ્લાસિસ ‘સ્ટ્રાવા’ તથા ‘ગાર્મિન’ જેવી ફિટનેસ એપ સાથે સહેલાઇથી ઇન્ટિગ્રેટ થાય છે, જેથી યૂઝર રિઅલ ટાઇમમાં પોતાની એક્ટિવિટી ટ્રેક કરી શકે છે. 

મેટા એઆઇની મદદથી આ ગ્લાસિસ યૂઝરને વિવિધ બાબતે રિઅલ ટાઇમ આસિસ્ટન્સ આપી શકે છે. ઉપરાંત, વોઇસ કમાન્ડની મદદથી ગ્લાસિસ પાસે જુદાં જુદાં કામ કરાવી શકાય છે. જેમ કે ‘‘‘હેય મેટા, ટેઇક અ વીડિયો’ જેવો કમાન્ડ આપીને વીડિયો કેપ્ચર કરી શકાય છે. 

ખાસ ભારત માટે મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં હિન્દી ભાષાનો પણ ઉપયોગ થઈ શકે છે. મેટા એઆઇમાં વિવિધ ગ્લોબલ સેલિબ્રિટીઝના અવાજનો ઉપયોગ થાય છે. એ જ રીતે, ખાસ ભારત માટે પહેલી વાર દિપિકા પદુકોણના વોઇસનો ઇન્ડિયન ઇંગ્લિશમાં ઉપયોગ થશે. આ સ્માર્ટ ગ્લાસિસમાં ટૂંક સમયમાં યુપીઆઇ લાઇટની મદદથી ઓનલાઇન પેમેન્ટ કરવાનું ફીચર પણ ઉમેરાશે.

અચ્છા, કિંમત? ભારતમાં ઓકલે મેટા ગ્લાસિસની કિંમત શરૂ થાય છે રૂ. ૪૧,૮૦૦થી!