Meta Settlement With Trump: મેટા કંપની અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સેટલમેન્ટ થઈ ગયું છે. આ માટે મેટા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને 216 કરોડ રૂપિયા આપવામાં આવશે. ટ્રમ્પની પહેલી પ્રેસિડન્ટ તરીકેની ટર્મ પૂરી થઈ હતી એના થોડા મહિના બાદ જ તેમણે ફેસબુકની પેરન્ટ કંપની પર કેસ કર્યો હતો. અમેરિકાની કેપિટોલ હિંસા માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણવામાં આવ્યા હતા.
મેટાએ કર્યું એકાઉન્ટ સસ્પેન્ડ
હિંસા માટે ડોનાલ્ડ ટ્રમ્પની ભૂલ હતી એવો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ આરોપ બાદ મેટા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને ફેસબુક પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંપની પર કેસ કરવામાં આવ્યો હતો. તેમણે એને ગેરકાયદેસર અને અમેરિકાના લોકો પર સેન્સરશિપ લગાવવામાં આવે છે એ ખૂબ જ શરમજનક વાત પણ કહી હતી. આ કેસના થોડા વર્ષ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પ્રેસિડન્ટ તરીકે અમેરિકાની કમાન સંભાળી છે. આથી હવે કંપનીઓ તેમની સાથેના સંબંધને ફરી સુધારવાની કોશિશ કરી રહી છે. ફેસબુક સહિત ગૂગલ અને અન્ય કંપનીઓ પણ ડોનાલ્ડ ટ્રમ્પની રડાર પર હતી.
મેટાએ કર્યું સેટલમેન્ટ
મેટા કંપની પર ડોનાલ્ડ ટ્રમ્પનો ખતરો હતો. માર્ક ઝકરબર્ગ અને ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી મીટિંગ પણ થઈ હતી. આ મીટિંગ બાદ માર્ક ઝકરબર્ગની કંપનીની પોલિસીમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો હતો. જોકે સૌથી મોટા સમાચાર આ કેસના સેટલમેન્ટના છે. મેટા કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પને 22 મિલિયન એટલે કે અંદાજે 216 કરોડ રૂપિયા આપવા માટેનું સેટલમેન્ટ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ પૈસાને ડોનાલ્ડ ટ્રમ્પના નોન-પ્રોફિટ ફંડમાં મોકલવામાં આવશે.
ડિનર દરમ્યાન ચર્ચા થઈ હોવાની સંભાવના
માર્ક ઝકરબર્ગ નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પ્રાઇવેટ ફ્લોરિડા ક્લબમાં મળ્યા હતા. આ દરમ્યાન તેમણે ટેક્નોલોજી અને બિઝનેસની સાથે આ કેસ વિશે પણ ચર્ચા કરવાની વાતો કરી હતી. એ દરમ્યાન જ માર્ક ઝકરબર્ગ દ્વારા કેસનું સેટલમેન્ટ કરવાનો પ્રસ્તાવ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની વચ્ચે ત્યાર બાદ નેગોસિએશન થયું હતું અને હવે 22 મિલિયન પર ફિક્સ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

મીટિંગની અસર થઈ કંપની પર
નવેમ્બરમાં મીટિંગ કર્યા બાદ મેટા કંપની દ્વારા તેમનું ફેક્ટ ચેક ડિપાર્ટમેન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પાર્ટીના દરેક વ્યક્તિ આ સર્વિસ બંધ થાય એ માટે ખૂબ જ કમરકસી રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પાવરમાં આવતાં મેટા કંપની દ્વારા સૌથી પહેલાં આ જ ડિપાર્ટમેન્ટને બંધ કરવામાં આવ્યું છે. આ ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી સાચી છે કે ખોટી એ ચેક કરવામાં આવતી હતી અને જો ખોટી હોય તો એને બેન કરવામાં આવતી હતી. તેમ જ કેટલાક ભડકાઉ ભાષણ અને હેટ-સ્પીચને પણ કન્ટ્રોલ કરવામાં આવતી હતી. જોકે ડિપાર્ટમેન્ટ બંધ કરી દેતા હવે માહિતી સાચી છે કે ખોટી એ તો જાણી શકાશે નહીં, પરંતુ કંપની હજી હેટ-સ્પીચ પર કન્ટ્રોલ રાખી રહી છે.
કાયદાનું ઉલંઘન
X, ફેસબુક અને ગૂગલ પ્રાઇવેટ કંપનીઓ છે. અમેરિકાના 1996 કમ્યુનિકેશન ડેસેન્સી એક્ટના સેક્શન 230 હેઠળ આ કંપનીઓ એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ પણ પોસ્ટને કાઢી શકે છે અને એનું મોડરેશન કરી શકે છે. જોકે આ પોસ્ટ સોસાયટીના હિત માટે હોવી જોઈએ. એટલે કે કોઈ અશ્લિલ વીડિયો, કોઈને નુકસાન કરતી પોસ્ટ હોય અથવા તો કાયદા વિરુદ્ધની કોઈ પણ પોસ્ટ હોય કે કંઈ પણ હોય તો કંપની એને કાઢી શકે છે. જોકે આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કંપનીઓને એ ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને આખેઆખું ડિપાર્ટમેન્ટ જ કાઢી નાખવા માટે કહ્યું હોવાની વાતો બહાર આવી રહી છે.
સેટલમેન્ટ સિવાય પણ ચૂકવવા પડશે પૈસા
માર્ક ઝકરબર્ગ દ્વારા ઇનોગ્રલ ઇવેન્ટ દરમ્યાન પણ એક મિલિયન ડોલર ડોનેટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મેટા દ્વારા અન્ય લીગલ ફી અને ખર્ચાઓ માટેનું પણ પેમેન્ટ અલગથી કરવામાં આવશે.
આ પણ વાંચો: ચેટજીપીટી, ડીપસીક પછી હવે ભારતમાં 10,373 કરોડના ખર્ચે બનશે IndiaAI: કેન્દ્રની જાહેરાત
અન્ય કંપનીઓના કેસનું પણ સેટલમેન્ટ
મેટા કંપનીની સાથે જ અન્ય કંપનીઓ પણ તેમના કેસના સેટલમેન્ટ કરી રહી છે. ABC News દ્વારા પણ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. આ નેટવર્કના એન્કર દ્વારા એક ન્યુઝ કહેવામાં આવી હતી. આ સમાચારને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના પર પણ કેસ કરવામાં આવ્યો હતો. આ કેસનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. એમાં ડોનાલ્ડ ટ્રમ્પને 15 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા છે. આ સાથે જ એક મિલિયન લીગલ ફી ચૂકવવામાં આવી છે.


