Get The App

રાત્રે 4 વાગ્યે ઈમેલ આવ્યો ને નોકરી ગઈ! USમાં વસેલા હજારો IT એન્જિનિયરો પર મોટું સંકટ

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
meta layoffs 2026

Meta Layoffs 2026 : ટેક જાયન્ટ મેટાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આ વર્ષે 100 બિલિયન ડોલરના તોતિંગ રોકાણ અને કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે પોતાના 10 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. બુધવારે સવારે 4 વાગ્યે આવેલા એક સત્તાવાર ઈમેલે હજારો કર્મચારીઓની ઊંઘ ઉડાવી દીધી હતી. કંપનીએ સિસ્ટમ એક્સેસ અને ઓફિસ બેજ બ્લોક કરીને કર્મચારીઓને ઘરે પરત ફરી જવા કહી દીધું છે. આ છટણીમાં સૌથી કફોડી સ્થિતિ અમેરિકામાં વસતા ભારતીય ટેક પ્રોફેશનલ્સની થઈ છે.

H1B વિઝા ધારકો માટે અત્યંત કપરો સમય

અમેરિકાના ઇમિગ્રેશન નિયમો અનુસાર, જો કોઈ H-1B વિઝા ધારક પોતાની નોકરી ગુમાવે છે, તો તેની પાસે નવી નોકરી શોધવા માટે માત્ર 60 દિવસનો ગ્રેસ પિરિયડ હોય છે. જો આ 60 દિવસમાં નવી નોકરી ન મળે, તો તેમણે કાયદેસર રીતે અમેરિકા છોડવું પડે છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં 144 ટેક કંપનીઓએ 1.10 લાખથી વધુ કર્મચારીઓને કાઢ્યા હોવાથી માર્કેટમાં નવી નોકરી મળવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

છટણીની સૌથી વધુ અસર ભારતીયો પર કેમ? 

અમેરિકાના H-1B વિઝાના 2025ના આંકડા મુજબ, કુલ 4 લાખ વિઝા પિટિશનમાંથી 2.83 લાખ અપ્રુવલ માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા. એટલે કે અમેરિકાના આઈટી સેક્ટરમાં 70 ટકાથી વધુ હિસ્સો ભારતીયોનો છે. આથી જ મેટા, એમેઝોન અને ઓરેકલ જેવી કંપનીઓમાં થતી છટણીની સીધી અને સૌથી મોટી અસર ભારતીય પરિવારો પર પડી રહી છે.

અમેરિકામાં બચવા માટે શું કરી રહ્યા છે ભારતીયો? 

જે ભારતીયો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે, જેમની ગ્રીન કાર્ડની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ છે, જેમણે ત્યાં મકાનો ખરીદીને મોટી હોમ લોન લીધી છે અને જેમના બાળકો ત્યાંની શાળાઓમાં ભણે છે, તેમના માટે આ છટણી આકાશી વીજળી જેવી સાબિત થઈ છે. હવે પોતાના અસ્તિત્વને બચાવવા માટે ઘણા ભારતીયો B-2 વિઝિટર વિઝા, F-1 સ્ટુડન્ટ વિઝા અથવા કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ તરફ વળી રહ્યા છે.

મેટાના આ આકરા નિર્ણય પાછળ સીધું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. માર્ક ઝુકરબર્ગ કંપનીના ટ્રેડિશનલ રોલ્સ અને સ્ટાફમાં કાપ મૂકીને હજારો કર્મચારીઓને AI રિલેટેડ ટીમોમાં શિફ્ટ કરી રહ્યા છે. કંપની હાઈ-ટેક બનવા જઈ રહી છે, પરંતુ તેની કિંમત વિદેશી શ્રમિકોએ પોતાના ભવિષ્યને દાવ પર લગાવીને ચૂકવવી પડી રહી છે.